Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સલામ છે રાજકોટના ફેમીલી ડોકટરોને

એમ.ડી.-જનરલ ફીઝિશ્યનો દરરોજ હજારો દર્દીઓનું નિદાન કરી સારવાર કરી રહ્યા છે

કેટલાક ડોકટરો ૧- ૧ મહિનાથી પરિવારની ચિંતા છોડી હોસ્પીટલને જ ઘર બનાવી દીધું છે.: કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સાજા કરી રહ્યા છે

રાજકોટ તા. ર૩ : શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણે માઝા મુકી છે.  સરકારી-ટ્રસ્ટ કે ખાનગી હોસ્પીટલોમાં પણ હવે દર્દીઓ સમાય તેમ નથી તંત્રની મર્યાદા આવી ગઇ છે. આવી કપરી સ્થીતીમાં શહેરના અનેક જાણયા અજાણ્યા એમ.ડી. ત્થા જનરલ ફીઝિશ્યનો કે જે લોકોના ફેમીલી ડોકટરની પાયાની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ ઘર-પરિવારની ચિંતા છોડી કોરોનાના હળવા લક્ષણો ધરાવતા હજારો દર્દીઓનુ નિદાન અને સારવાર દિવસ-રાત જોયા વગર કરી રહ્યા છે.

વર્તમાન સંજોગોમાં મહામારી અત્યંત વકરે નહી તે માટે રાજય સરકારે જનરલ ફીઝિશ્યનો-એમ.ડી. ડોકટરોને પણ કોરોનાની સારવાર કરવાની છુટ આપી છે. ત્યારે શહેરમાં દરેક વિસ્તારમાં આવેલા ફેમીલી ડોકટરો કે જેઓ તેઓના વિસ્તારવાસીઓની તાસીર વર્ષોથી જાણે છે.

તેઓ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના હળવા લક્ષણો વાળા કે પછી વાઇરલ બિમારીવાળા દર્દીઓને તપાસીને દવાઓ આપી ત્રણથી ચાર દિવસમાં સાજા કરી રહ્યા છે.

આવી કપરી સ્થિતીમાં મેદાન છોડીને ભાગવાને બદલે આવા નિષ્ઠાવાન ફેમીલી ડોકટરોએ પોતાના દવાખાનાના દરવાજા ખુલ્લા રાખ્યા છે.જયાં દર્દીઓની લાઇનો વહેલી સવારથી લાગી જાય છે. અને પ્રત્યેક ડોકટર દરરોજ ૧૦૦ થી વધુ દર્દીઓનું નિદાન-સારવાર કરી રહ્યા છે. આ હીસાબે દરરોજ હજારો દર્દીઓ આવા ફેમીલી ડોકટરોની સારવારથી તંદુરસ્ત થઇ રહ્યા છે.

દર્દીઓને કોરોન્ટાઇન પાલન કરાવાય છે.

ફેમીલી ડોકટર દરેક માટે પરિવારજન જેવા હોય છે. એટલે તેની સલાહને લગભગ બધાજ અનુસરે છે.

આથી ડોકટરના કહેવા મુજબ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ ૭ થી ૧૪ દિવસનું હોમ કવોરન્ટાઇન સ્વૈચ્છાએ પાળી રહ્યા છે અને તંદુરસ્ત થઇ રહ્યા છે.

આમ આ પ્રકારે સામાન્ય લક્ષણો કે વાઇરલ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓને આ ડોકટરો સાજા કરી રહ્યા છે. તેથી આગામી થોડા દિવસોમાંજ તેનું ખુબજ સારૂ પરિણામ જોવા મળશે અને હોસ્પીટલોમાં દર્દીઓનું ભારણ ઘટશે.

આવા કેટલાક ડોકટરો સવારે ૮ થી રાત્રે૮ વાગ્યા સુધી સતત દર્દીઓનું નિદાન સારવાર કરી રહ્યા છે. એ પણ કોઇ વધારાનો ચાર્જ લીધા વગર એટલે કે સામાન્ય સંજોગોમાં તેઓનીજે ફી હોય તે ફી માંજ નિદાન-સારવાર આપે છે.

એટલે કે હાલની લાચાર  પરિસ્થિતિનો ગેરલાભ લેવાને બદલે માત્ર દર્દીનારાયણની સેવાના હેતુથી દવાખાનાં ચાલુ રાખ્યા છે.

કેટલાક ડોકટરો તો આજે પણ માત્ર રૂ.ર૦ થી પ૦ ની 'ફી' લઇને દર્દીનું નિદાન કરી રહ્યા છે.

આવા વખતે મેદાન છોડીને ભાગવાને બદલે દર્દીઓનૂં નિદાન કરી રહેલા આવા નાના-મોટા ફેમીલી ડોકટરો દર્દીઓ માટે ખેરખર ભગવાન સ્વરૂપ હોવાની પ્રતિતી સાજા થયેલા લોકોને થઇ રહી છે ત્યારે સલામ છે. આ કોરોના વોરિયર્સને.

(3:07 pm IST)