Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

લોકડાઉનનું પાલન ન કરાનારા અનેક ઝપટે ચડ્યાઃ ક્રાઇમ બ્રાંચની ટીમોએ ઉઠક બેઠક કરાવી

રાજકોટઃ કોરોના વાયરસને પગલે રાજકોટ શહેરમાં લોકડાઉન જાહેર થયું હોઇ ૨૫મી સુધી લોકોને કારણ વગર ઘર બહાર નહિ નીકળવા પોલીસ અને કલેકટર તંત્ર તથા મ્યુનિસિપલ તંત્રએ કડક સુચના આપી છે. આમ છતાં આજ સવારથી જ લોકો વાયરસ પ્રત્યે જરાપણ ગંભીરતા ન દાખવી લટાર મારવા કે પછી બીજા કામો સબબ બહાર નીકળી ગયા હતાં. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ રાજ્યોને લોકડાઉનનું કડક પાલન કરાવવા ટ્વિટ કરીને સુચન કર્યુ હોઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને તમામ એસીપીશ્રીઓની સુચના અને રાહબરી હેઠળ તમામ પોલીસ મથકના અધિકારીઓ અને બ્રાંચના અધિકારીઓ શહેરભરમાં લોકડાઉનના નિયમનું પાલન કરાવવા નીકળ્યા હતાં. લોકોને શાંતિપુર્વક સમજાવીને ઘરે મોકલવાનો પ્રારંભ થયો હતો. જે લોકો ખરેખર દવાખાનાના કે ઘરવખરીની ચીજવસ્તુના કામે નીકળ્યા હોઇ તેને ખરાઇ કરીને પોલીસે જવા દીધા હતાં. પરંતુ ઘણા ખરા એવા ઝપટે ચડ્યા હતાં જે અમસ્તા જ આટો મારવા નીકળી પડ્યા હતાં. કોરોના વાયરસ પ્રત્યે વિશ્વ આખુ ગંભીર બન્યું છે છતાં રાજકોટ શહેરમાં અમુક લોકો ગંભીરતા ન સમજી રોડ પર ઉતરી આવતાં આવા લોકો સામે પોલીસને નાછુટકે કડક ભાષથી કામ લેવાની ફરજ પડી હતી. કેકેવી ચોક સહિતના રસ્તાઓ પર બપોરે ટોળામાં નીકળતાં લોકોને ક્રાઇમ બ્રાંચની ટીમોએ અટકાવ્યા હતાં અને ઉઠક-બેઠક કરાવી હતી. તેમજ તડકામાં ઉભા રાખ્યા હતાં. અમુક પાસે લાયન્સ કે કાગળો ન હોઇ તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રાજકોટ વાસીઓને અપિલ કરી છે કે રવિવારે જનતા કર્ફયુનું જે રીતે પાલન કરી પોલીસ સહિતના તંત્રવાહકોનું અભિવાદન કર્યુ એ રીતે હજુ સરકાર બીજો નિર્ણય ન લે ત્યાં સુધી પોતાની જાતને સુરક્ષીત રાખવા જરૂરી ન હોય તો ઘરમાં જ રહેવું જોઇએ. આમ કરીને તેઓ પોતાની અને પરિવારજનોની સુરક્ષા જાળવી શકશે. તસ્વીરમાં ક્રાઇમ બ્રાંચની ટીમોએ કારણ વગર નીકળેલા લોકોને ઉઠક-બેઠક કરાવી એ દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:10 pm IST)