Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

બેંગકોકથી આવેલો વિનાયકનગરનો યુવાન મહેન્દ્ર કવોરન્ટાઇન હોવા છતાં પાન ખાવા મવડી ચોકડીએ પહોંચી ગયોઃ ફોજદારી

રાજકોટમાં ધી એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ પ્રથમ ગુનો નોંધાયોઃ ઘરેથી પથિકાશ્રમમાં લઇ જવાયોઃ માલવીયાનગર પોલીસે ડો. સમર્થ સવલાણીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટ તા.૨૩: કોરોના વૈશ્વિક મહામારી જાહેર થઇ ચુકી છે આમ છતાં અમુક નાગરિકો ગંભીરતા દાખવતા નથી. વિદેશથી પરત આવેલા નાગરિકોને ફરજીયાત ૧૪ દિવસ કવોરન્ટાઇન (અલાયદા) રહેવાનું હોય છે. જો તેનું પાલન ન કરે તો ફોજદારી ગુનો નોંધાય છે. મવડી વિનાયકનગરમાં રહેતો સિંધી યુવાન બેંગકોકથી આવ્યો હોઇ તેને કવોરન્ટાઇન કરાયો હોવા છતાં તે પાન ફાકી ખાવા નીકળી જતાં તેની સામે પોલીસે ધી એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ તથા બીજી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઘરેથી જામનગર રોડ પથીકાશ્રમમાં કવોરન્ટાઇનમાં મુકી દીધો છે.

આ બારામાં માલવીયાનગર પોલીસે મવડી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કાલાવડ રોડ શકિતનગર-૩માં ૨૦૩-રાજનંદીની એપાર્ટમેન્ટમાં રહેતાં ડો. સમર્થ દિલીપભાઇ સવલાણી (ઉ.૨૬)ની ફરિયાદ પરથી મવડી રોડ વિનાયકનગર-૧૦માં રહેતાં મહેન્દ્ર સુરેશભાઇ આયલાણી સામે આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૧૮૮, ધી એપેડેમિક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ ૩ મુજબ આરોપી મહેન્દ્ર આયલાણી બેંગકોકથી પોતાના ઘરે પરત આવેલ હોઇ જેથી તેને હાલના કોરોનાની મહામારી સંદર્ભે તેના ઘરમાં જ ૧૪ દિવસ માટે કવોરન્ટાઇન કરેલ હોઇ અને પોતાના તરથી કોરોના વાયરસનો ફેલાવો થશે તેવી સંભાવનાની તેને જાણ હોવા છતાં તેણે ઘરની બહાર નીકળી જઇ ગુનો આચર્યો હતો.

ડો. સમર્થ સવલાણીએ એફઆઇઆરમાં લખાવ્યું છે કે કોરાના વાયરસની વૈશ્વિક સમસ્યા અનુસંધાને ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ સચિવાલય  ગાંધીનગર દ્વારા ૧૩/૩/૨૦૨૦ના રોજ ધી એપેડેમીક ડિસીઝ ૧૮૯૭ની જોગવાઇ અંતર્ગત કોરનાગ્રસ્ત બિમારીમાં સપડાયેલા હોય તેમજ વિદેશથી આવેલા તમામ નાગરિકોને હોમ કોરોન્ટાઇનનું પાલન કરવાનું હોય છે. આવા તમામ નાગરિકો તેનું સચોટ પાલન કરે છે કે કેમ તે ચેક કરવાનું અને સુપરવિઝનનું કામ મને રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં મવડી  વિસ્તારમાં સોંપાયુ છે. જો કોઇ નાગરિક જાહેરનામાનું પાલન ન કરે તો તેના વિરૂધ્ધ અમારે ફરિયાદ નોંધાવવાની હોય છે.

ગત ૧૯/૩ના રોજ એક વ્યકિત મહેન્દ્ર સુરેશભાઇ અયલાણી (સિંધી) (ઉ.વ.૨૩) કે જે વિનાયકનગર-૧૦માં રહે છે તે બેંગકોકથી પોતાના ઘરે આવ્યો હોઇ તેને વૈશ્વિક બિમારી કોરોના થવાની સંભાવના હોઇ તેના કારણે બીજા નાગરિકોમાં પણ બિમારી ફેલાવાનો ભય હોઇ તેનું સ્ક્રીનીંગ કરાવી તેના ઘરમાં જ ૧૪ દિવસ માટે કવોરન્ટાઇનમાં રહેવા જણાવાયું હતું. તેને કોઇપણ પ્રસંગે બહાર જવું નહિ તેવી સ્પષ્ટ સુચના અપાઇ હતી. આમ છતાં રવિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે હું તથા મારી સાથેના મેડિકલ ઓફિસરો વિજયભાઇ, ચિરાગભાઇ સહિતના મહેન્દ્રના ઘરે તપાસ કરવા જતાં તે ઘરે મળ્યો નહોતો. ફોન કરીને પુછતાં પોતે મવડી ચોકડીએ પાન ફાકી ખાવા નીકળી ગયાનું અને થોડીવારમાં ઘરે આવશે તેવી વાત કરી હતી. આથી અમે અધિકારી ડો. રિંકલભાઇ વિરડીયાને જાણ કરી હતી. તેમણે સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવા કહેતાં મહેન્દ્ર આયલાણીને અમે જામનગર રોડ પથિકાશ્રમમાં મુકી આવ્યા હતાં. તેમજ તેના વિરૂધ્ધ બેદરકારી દાખવવા સબબ ગુનો દાખલ કરાવ્યો છે.

માલવીયાનગર પીઆઇ એન. એન.  ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ જે. એસ. ચંપાવત અને સ્ટાફે કાર્યવાહી કરી છે. કવોરન્ટાઇન પિરીયડ પુરો થયા બાદ પોલીસ ધરપકડની કાર્યવાહી કરશે. હાલ પથિકાશ્રમ ખાતે પોલીસ બંદબોસ્ત હેઠળ તેને રખાયો છે.

(1:06 pm IST)