Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજકોટના બહુચર્ચિત 'આશિષ' હત્યા કેસના બે આરોપીને આજીવન કેદ

વિકલાંગ શિક્ષક ગણેશભાઇ સખીયાના દત્તક પુત્ર આશિષનું ખંડણી માટે અપહરણ કરી બાદમાં હત્યા કરી ખાખડાબેલા ગામના કુવામાં લાશ ફેંકી દીધી હતીઃ સાંયોગીક પુરાવાની સાંકળ સાબીત માની કોર્ટે સજા ફટકારીઃ ર૦૧ર ની ઘટનાનો ચુકાદો આપતી કોર્ટઃ આરોપીઓએ હત્યા બાદ પુરાવાનો પણ નાશ કર્યો હતો

રાજકોટ : સરકાર પક્ષે કેસ લડનાર એ. પી. પી. મહેશભાઇ જોષી અને મુળ ફરીયાદીના એડવોકેટ મોહનભાઇ સાયાણી અને એવોડેકટ  પિયુષ કારીયા તસ્વીરમાં નજરે પડે છે.

 

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ જીલ્લામાં ભારે ચકચાર જગાવનાર વિકલાંગ શિક્ષક દંપતિના દત્તક પુત્ર આશિષનું ખંડણી માટે અપહરણ કરીને પડધરી નજીકના ખાખડાબેલા ગામે ગળા ટૂંપો દઇ હત્યા કરી આશિષની લાશને કુવામાં ફેંકી દેવાના ચકચારી ગુનામાં પકડાયેલ આરોપીઓ સુરેશ જેઠાભાઇ લુણાગરીયા અને સંજય રણછોડ સભાડીયાને આજીવન કેદની સજા એડી. સેસ. જજ શ્રી ત્રિવેદીએ ફરમાવેલ છે.

આ બનાવ અંગે યુનિ. રોડ ઉપર જલારામ-૪ માં રહેતા વિકલાંગ શિક્ષક ગણેશભાઇ ખોડાભાઇ સખીયાએ કુવાડવા રોડ ઉપર નાથદ્વારા સોસાયટીમાં રહેતાં આરોપી સુરેશ જેઠાભાઇ લુણાગરીયા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતી પાર્કમાં રહેતા સંજય રણછોડ સભાડીયા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવની ટૂંક વિગત એવી છે કે, ગઇ તા. ૧પ-૬-ર૦૧ર ના બપોરના સમયે આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રાના ભાગરૂપે મરણ જનાર જે માત્ર ૧૯ વર્ષની વયના હતા તેનું ખંડણી પડાવવા માટે અપહરણ કરેલુ. અને તેને ખોટા નંબર પ્લેટ વાળી કારમાં લઇ જઇ અને છેવટે ખંડણીનો હેતુ બર નહી આવતા અને ગુનો જાહેર ન થાય તે માટે કારમાં જ આશીષને ગળાટુંપો દઇ મોત નીપજાવી અને તેની લાશ ખાખડાબેલ ગામની સીમમાં પથ્થર સાથે બાંધી ફેંકી દઇ અને એ રીતે ઘાતકી ગુનાને લાગતા પુરાવાઓનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો.

આ કામે મરણ જનાર આશીષને કારમાં બેસાડી અને યુનિવર્સિટી રોડ ઉપરથી ઉપાડી જવામાં આવેલ અને મોબાઇલ ફોન થી ઘણી મોટી રકમ  ખંડણી પેટે તેના પિતાશ્રી પાસેથી માંગવામાં આવેલ અને અવાર નવાર ફોન કરવામાં આવેલ ત્યારબાદ ફોન કોલ્સ બંધ થઇ ગયેલા અને અપહરણના ત્રણ દિવસ બાદ ખાખડાબેલાથી સીમમાં આવેલ એક કુવામાંથી મરણ જનારની લાશ મળી આવેલી  જેથી ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલી અને આ કામમાં સુરેશ જેઠા તથા સંજય રણછોડની ધરપકડ કરવામાં આવેલી પોલીસે તપાસ કરી કુલ ૭૭ સાક્ષીઓ સાથેનો બન્ને આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરેલુ અને તેમાં આઇ. પી. સી. ક. ૩૦ર, ૩૬૪ (અ), ૧ર૦ બી, ર૦૧, વિગેરે જેવી કલમો લગાડવામાં આવેલી બનાવમાં આરોપીઓએ ડમી સીમ કાર્ડોનો પણ વપરાશ કરેલો.

ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહિત સાબીત કરવા માટે ૪૭ મૌખીક પુરાવાઓ રજૂ કરેલા જેમાં ફરીયાદી મરણ જનારના જન્મ આપનાર માતા તથા પાલક માતા, ડોકટર, પંચો, મોબાઇલ કંપનીના અધિકારીઓ, પોલીસ, ઓળખ પરેડના મામલતદારશ્રી વિગેરેનો સમાવેશ થાય છે. તદઉપરાંત ૧૦૦ થી પણ વધારે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલા હતાં.

ફરીયાદ પક્ષ તરફથી હાલના સાંયોગીક પુરાવાના કેસમાં એવી દલીલો કરવામાં આવેલી કે રજૂ પુરાવાના આધારે માત્ર ને માત્ર આ કામના આરોપીઓએ જ ઘાતકી હત્યાને અંજામ આપી મરણ જનાર આશીષ સખીયાનું બેરહેમીથી મોત નીપજાવી અને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરેલ છે. અને ખંડણી માંગવાનું કારણ આરોપીઓની આર્થિક સંકળામણ હતા અને સાંયોગીક પુરાવાના કેસમાં ફરીયાદ પક્ષે તમામ કડીઓની સાંકળ મજબુત રીતે પુરવાર કરેલ છે. જેથી આરોપીઓને ગંભીર કલમો હેઠળ સજા કરવી જોઇએ.

ઉપરોકત હકિકતોને ધ્યાને લઇને એડી. સેશન્સ જજ શ્રી એચ. બી. ત્રિવેદીએ આરોપીઓને દોષીત ઠેરવી અને આઇ. પી.  સી. કલમ ૩૦ર તથા ૩૬૪ (અ) ના કામમાં આજીવન કેદની સજા ફટકારેલ છે. તથા આ કેસની તમામ કલમોમાં પણ દોષીત ઠેરવી સજા ત્થા દંડનો હુકમ ફરમાવેલ છે.

આ કામે સરકાર પક્ષે એ. પી. પી. શ્રી મહેશ સોમનાથભાઇ જોષી રોકાયેલ હતાં. જયારે મુળ ફરીયાદી તરફે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી મોહનભાઇ સાયાણી તથા તેમની સાથે યુવા ધારાશાસ્ત્રી પીયુષ કારીયા તથા મદદમાં મહેશભાઇ જટાશંકરભાઇ જોષી રોકાયેલ હતા. (પ-ર૧)

(4:13 pm IST)