Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સિલ્ક અને ખાદીમાં જંગલમાં છલાંગો મારતા હરણ અને આકાશમાં ઉડતા પક્ષીઓ

દેશભરમાંથી આવેલા બહેતરીન સિલ્ક કારીગરો દ્વારા વિવિધ પ્રકારના અલભ્ય સિલ્કની કારીગરીવાળી સાડીઓ અને કપડાઓનું સિલ્ક ઈન્ડિયા પ્રદર્શન : હોટલ ફર્ન ખાતે તા.૨૬ સુધી ચાલશે

રાજકોટ : દેશના બહેતરીન હસ્તશિલ્પીઓ દ્વારા રાજકોટમાં આયોજીત સિલ્ક ઈન્ડિયા પ્રદર્શનમાં દેશભરમાંથી આવેલા સિલ્કના કારીગરો દ્વારા દક્ષિણના મંદિરોની કલાત્મક ડિઝાઈનો અને આનંદ અને ઉત્સવોના દૃશ્યોને દોરાથી એવી રીતે રજૂ કર્યા છે જાણે તેને સિલ્કના કેનવાસ પર ચિત્રકાર દ્વારા છબી બનાવેલ હોય.

આ અંગે વધુ વિગત આપતા પ્રદર્શનના સંચાલક શ્રી ટી. અનિંદ જણાવે છે કે રાજકોટ ડિલકસા સિનેમા ચોક સ્થિત ફર્ન રેસીડેન્સી હોટલ પર આ છ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા સિલ્ક કારીગરો પોતાની ઉતમ કારીગરીના નમૂનાઓ અહીં પ્રદર્શિત કરી રહ્યા છે. જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વખણાતુ ઢાકા સિલ્ક પણ અહીં પ્રદર્શિત કરવા લાવ્યા છે. સિલ્ક ઈન્ડિયા પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મદનીપુરના વણકર ગૌતમની કલા કાબીલેદાદ છે. કોલકતાથી આવેલ વણકરોએ સિલ્ક કલાને પેઈન્ટીંગ જેવો ઓપ આપ્યો છે તેમણે આનંદ અને ઉત્સવના તમામ અવસરોને રંગબેરંગી કલરથી દર્શાવ્યા છે. તેમજ જંગલો, દક્ષિણ ભારતીય મંદિરોના શિખરો અને રણપ્રદેશને રેશમી દોરાઓથી સિલ્ક પર સુંદર વણાટકામ કર્યુ છે. અહીં જ્યુટ સિલ્ક પરની કારીગરીના પણ ઘણા નમૂનાઓ છે. અહીં પર્શીયન ભાષાના ૪૦૦ વર્ષ જૂના ડિઝાઈનીંગના પુસ્તક મુજબની પશ્મીના શાલ પણ પ્રસ્તુત છે. આ પશ્મીના શાલ બનાવવાની કલા ઈરાનના ઉસ્તાદો દ્વારા આ અતિ જૂના પુસ્તકોમાં કેદ હતી, જે પર્શીયન કોડીંગને ઉકેલી હિમાલયની ઘાટીઓમાં આ કલા ખૂબ પ્રચલિત છે.

પ્રદર્શનમાં બંગાળી કારીગર શાંતનુંએ વિષ્ણુપુરી સિલ્ક અને ખાદી સિલ્ક ઉપર જંગલમાં છલાંગો મારતા હરણ અને આકાશમાં ઉડતા પક્ષીઓને દર્શાવ્યા છે. જયારે વણકર શુભાશીષ પોતાની સાથે આરી સ્ટીચ વર્કની સાડીઓ લાવ્યો છે. આ કલામાં પ્રથમ સિલ્ક પર ચિત્રકામ કરી પછી તેના પર દોરાથી ભરતકામ કરાય છે. જે સાડીને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગે છે. અહીં પ્રસ્તુત આરી સિલ્કના કામમાં કોલકતાના ગ્રામ્ય જીવનની ઝાંખી થાય છે. કાશ્મીરથી આવેલ શૌકત સિફોન અને ચિનાન સિલ્કની સાડીઓ પર બ્લોક પ્રિન્ટ કરી લાવ્યો છે. ચિનાન આખી દુનિયામાં ફકત કાશ્મીરમાં જ થાય છે. તેમની પાસે કેપની વર્કવાળી સાડીઓ પણ છે. દોઢ વર્ષે બનતી  આ સાડીઓની કિંમત દોઢ લાખ જેવી છે. પ્રદર્શનના આયોજક શ્રી ટી અભિનંદના જણાવ્યા અનુસાર પ્રદર્શન તા.૨૬ સુધી ચાલશે. પ્રદર્શનનો સમય સવારે ૧૦:૩૦ થી રાત્રે ૯ સુધી છે. દેશભરમાંથી આવેલા બહેતરીન સિલ્ક કલાશિલ્પીઓ દ્વારા વિવિધ પ્રકારના અલભ્ય શિલ્કની કારીગરીવાળી કલાના નમૂના જોવા અને આ કલાકારોની કારીગરીને બિરદાવવા શહેરીજનોને આમંત્રીત કરાયાનું શ્રી નિરેનભાઈ બારભાયા (મો.૯૮૨૫૦ ૩૭૧૩૩)ની યાદીમાં જણાવાયુ છે.

(1:07 pm IST)