Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ડી. એચ. કોલેજ પાસે ઝોન-૩ સબ રજીસ્ટ્રાર કચેરીનાં કોમ્પ્યુટર રૂમમાં ભીષણ આગ

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણઃ ફર્નીચર, વાયરીંગ, કાગળો, ત્રણ કોમ્પ્યુટર અને બે પ્રિન્ટર બળી ગયા

સબ રજીસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર રૂમમાં લાગેલી આગમાં ટેબલ, ખુરશી, અને કોમ્પ્યુટર સળગી ગયા હતા નીચે કચેરીનો સ્ટાફ અને એ. ડીવીઝન પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. ર૩ :.. યાજ્ઞિક રોડ પાછળ ડી. એચ. કોલેજ કમ્પાઉન્ડમાં એનસીસી ની ઓફીસ પાસે આવેલી રતનપર સબ રજીસ્ટ્રારની કચેરીના કોમ્પ્યુટર રૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ પર ડી. એચ. કોલેજના ગ્રાઉન્ડમાં આવેલી રતનપર  સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૩ માં આવેલા કોમ્પ્યુટર રૂમમાં આગ લાગતા કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી બંધ ઓફીસના બે દરવાજાના તાળા તોડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બનાવની જાણ થતા કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દોડી આવ્યા હતાં.

આગ કોમ્પ્યુટર રૂમમાં લાગી હતી. તેમાં બે ટેબલ, ત્રણ કોમ્પ્યુટર, બે પ્રિન્ટર, વાયરીંગ, પંખા, ખુરશી તથા કાગળો બળી ગયા હતાં. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કચેરીના અધિકારીએ જણાવ્યું હતું. જાણ થતા એ. ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. કોમ્પ્યુટર રૂમની બાજુમાં આવેલો રેકોર્ડ રૂમ બચાવી લેવાયો હતો.

(12:00 pm IST)