Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

પોલીસ કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી રાજકોટ યાર્ડ બંધ રહેશે

સોમવારથી યાર્ડ ચાલુ કરવા મુદ્દે યાર્ડના વેપારીઓ અને પદાધિકારીઓની યોજાયેલ મીટીંગમાં વેપારીઓની એક જ માંગઃ યાર્ડના પદાધિકારીઓનું પ્રતિનિધિ મંડળ આવતા સપ્તાહે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશેઃ ચેરમેન ડી.કે. સખીયા : આજે પાંચમા દિવસે પણ યાર્ડ બંધઃ વેપારીઓની હડતાલ લાંબી ચાલે તેવા એંધાણઃ બંધથી યાર્ડને કરોડોનું નુકશાનઃ ખેડૂતોની કફોડી હાલત

યાર્ડના પદાધિકારીઓ અને વેપારીઓ વચ્ચે યોજાયેલ મીટીંગની તસ્વીર(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.  ૨૨ :.  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમ-૨ના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને આજે પાંચમાં દિવસે યાર્ડના વેપારીઓએ  બંધ પાળ્યો હતો. આજે યાર્ડના પદાધિકારીઓ સાથે વેપારીઓની યોજાયેલ મીટીંગમાં વેપારીઓએ જ્યાં સુધી વેપારીઓ સામેના પોલીસ કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરતા સોમવારથી યાર્ડ ચાલુ કરવાના યાર્ડના પદાધિકારીઓનો પ્રયાસ ભાંગી પડયો હતો.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને ગત સોમવારે હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી ચક્કાજામ કરનાર વેપારી સહીત ૩ર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને વેપારીઓ દ્વારા રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે પાંચમાં દિવસે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહ્યુ હતું. યાર્ડ બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયુ છે. વેપારીઓ, દલાલો અને ખેડૂતો તથા મજુરોને પણ આર્થિક મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

દરમિયાન સોમવારથી યાર્ડ ચાલુ કરવા માટે યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટો તથા મજુરો સાથે આજે યાર્ડના પદાધિકારીઓ સાથે મીટીંગ યોજાય હતી. આ મીટીંગમાં સોમવારથી યાર્ડ ચાલુ કરવા યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા તથા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ અપીલ કરી હતી પરંતુ યાર્ડના વેપારીઓએ તેની સામેના પોલીસ કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરતા સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

આ મીટીંગમાં વેપારીઓએ એવી માંગણી કરી હતી કે યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવનો પ્રશ્ન હલ કરવાની જવાબદારી યાર્ડના સંચાલકોની છે પરંતુ વેપારીઓ અને મજુરોએ આંદોલન કરતા તેની સામે પોેલીસે કેસ થયા છે. આ પોલીસ કેસ પાછા ખેંચવાની જવાબદારી પણ યાર્ડના સંચાલકોએ લેવી જોઈએ. યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ વેપારીઓના પ્રતિનિધિ મંડળ સાથે જ્યાં જરૂર પડે ત્યાં રજુઆત કરવા આવશે તેવુ જણાવ્યુ હતુ પરંતુ વેપારીઓએ પોલીસ કેસ પાછા ખેંચવા મુદ્દે યાર્ડના પદાધિકારીઓ જ સરકારમાં રજૂઆત કરે તેવી માંગણી કરી હતી.

દરમિયાન કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યુ હતુ કે, ગાંડી વેલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. હવે વેપારીઓની એક જ માંગ છે કે તેની સામેના પોલીસ કેસ પાછા ખેંચવા જોઈએ. વેપારીઓ સામેના પોલીસ કેસ પાછા નહી ખેંચાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે.

યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે વેપારીઓની માંગણી અન્વયે વેપારીઓ સામેના પોલીસ કેસો પાછા ખેંચવા મુદ્દે યાર્ડના પદાધિકારીઓનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા આવતા સપ્તાહે ગાંધીનગર જશે.

આજે યાર્ડના વેપારીઓ સાથેની મીટીંગમાં યાર્ડ ચાલુ કરવા મુદ્દે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા યાર્ડમાં હડતાલ લાંબી ચાલે તેવા એંધાણો મળી રહ્યા છે.

(3:37 pm IST)