Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગાંધીગ્રામની યુવતિને 'ફેસબૂક ફ્રેન્ડ' જુનેદે વાળ ખેંચી માર માર્યોઃ પરિવારને પતાવી દેવાની ધમકી

દોઢ વર્ષ પહેલા ઓળખાણ થઇ...ફોન પર વાતો ચાલુ થઇ...પણ જુનેદનું વર્તન સારું ન હોઇ યુવતિએ મિત્રતા તોડી નાંખતા ડખ્ખો : એરપોર્ટ નજીક બગીચામાં બોલાવી નિર્લજ્જ હુમલો કર્યોઃ રાત્રીના સમયે ઘર પાસે આવી કહ્યું-મિત્રતા નહિ રાખ તો મારી નાંખીશ!

રાજકોટ તા. ૨૩: ગાંધીગ્રામ વિસ્તારની એક મેમણ યુવતિએ ફેસબૂક મારફત ફ્રેન્ડ બનેલા ગાંધીગ્રામના જ મુસ્લિમ શખ્સના ખરાબ વર્તનને કારણે મિત્રતા તોડી નાંખતા આ શખ્સે ધરાર મિત્રતા રાખવાનું અને મળવા આવવાનું કહી તેણીના આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપતાં તેમજ એરપોર્ટ રોડના બગીચામાં બોલાવી નિર્લજ્જ હુમલો કરી વાળ પકડી મારકુટ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ૨૫ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી જુનેદ હારૂનભાઇ લીયા (ઉ.૨૭) સામે આઇપીસી ૩૫૪, ૩૨૩, ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કર્યો છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા માતા,  નાના ભાઇ તથા તેના પત્નિ સાથે રહુ છું.  મારા પિતાનું અવસાન થયું છે. દોઢેક વર્ષ પહેલા ફેસબૂકના માધ્યમથી જુનેદ સાથે મારે મિત્રતા થઇ હતી. અમે ફેસબૂકમાં વાતો કરતાં હતાં અને એ મારફત જ મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. પછીથી મોબાઇલ ફોન દ્વારા વાતો શરૂ કરી હતી. અમે બંને અવાર-નવાર મળવા પણ માંડ્યા હતાં. પરંતુ બાદમાં જુનેદનું વર્તન મને સારુ નહિ લાગતાં મેં તેને ફોન કરવાનું અને મળવાનું બંધ કરી દીધુ હતું અને હવે પછી કયારેય ફોન નહિ કરુ અને મળવા પણ નહિ આવું તેમ કહી દીધુ હતું.

પરંતુ આમ છતાં જુનેદ મને વારંવાર ફોન કરતો હતો. હું ફોન ઉપાડતી નહોતી. ૧૬/૨ના રાત્રે નવેક વાગ્યે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવતાં મેં ફોન રિસીવ કરતાં જુનેદે વાત કરી હતી અને મને જામનગર રોડ એરપોર્ટની દિવાલ પાસેના ગાર્ડનમાં આવવાનું કહેલ. તેમજ જો તું નહિ આવ તો હું મરી જઇશ તેમ કહેતાં હું ડરી જતાં મારું એકટીવા લઇને ત્યાં ગઇ હતી. એ વખતે જુનેદે મને જેમ તેમ બોલી કેમ મારો ફોન નથી ઉપાડતી તેમ કહી જાહેરમાં જ મારા પર નિર્લજ્જ હુમલો કરી માથાના વાળ ખેંચી ઢીકા-પાટુ માર્યા હતાં. બીજા ભાણસો ભેગા થઇ જતાં જુનેદ હું જતી રહી હતી. બદનામી ન થાય એ હેતુથી મેં ઘરે કોઇને વાત કરી નહોતી.

એ પછી ૨૧/૨ના રાત્રે અગિયારેક વાગ્યે જુનેદે ફરીથી ફોન કરી કહેલ કે તું ઘરની બહાર નીકળ, હું લેવા આવુ છું. જેથી હું બહાર નીકળતાં તેણે તું મારી સાથે સંબંધ નહિ રાખ તો તારા આખા પરિવારને મારી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી અને ભાગી ગયો હતો. હવે મેં મારા માતાને વાત કરતાં અંતે ફરિયાદ નોંધાવી છે.

ગાંધીગ્રામના પી.એસ.આઇ. જી.એન. વાઘેલાએ ફરિયાદ નોંધી જુનેદ હારૂનભાઇ લીયા (ઉ.૨૭-રહે. ગાંધીગ્રામ, અક્ષરનગર)ની ધરપકડ કરી આકરી પુછતાછ કરી છે.

(1:03 pm IST)