Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

રાજકોટ જીલ્લાનો ૧ર કરોડનો પાણીનો માસ્ટર પ્લાનઃ કલેકટર

સિંચાઇ - પાણી - પુરવઠા - નર્મદા - મામલતદારો - ચીફ ઓફીસરો-કોર્પોરેશનની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઇઃ હાલ સ્થિતિ ગંભીર નથીઃ રૂડાના ૧૦ ગામોમાં ૧લી માર્ચ બાદ ટેન્કરો દ્વારા પાણીઃ રાજકોટ શહેરમાં નર્મદાનું પાણી ઓછુ મળશે તો પાણી કાપ ઝીંકાશેઃ વીછીંયા-જેતપુર-જસદણ-ધોરાજીમાં સ્થિતિ ખરાબઃ નવા કુવા બનાવવા આદેશોઃ દરેક ગામમાં ૩થી વધુ બોર કરાશેઃ પાણીના ટેન્કરોના ફેરા મંજૂર કરવા માટે મામલતદારો-પ્રાંતને સત્તા

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પાણીની સ્થિતિ સંદર્ભે અને તેને પહોંચી વળવા ૧૧.પ૦ કરોડ એટલે કે ૧ર કરોડ આસપાસનો માસ્ટર પ્લાન બનાવાયો છે, અને તેની અમલવારી શરૂ કરવા આદેશો કરાયા છે, તેમજ કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મળેલ પાણીની મીટીંગમાં મહત્વના નિર્ણયો લેવાયા છે, અને મળેલ પ્રથમ આ બેઠક અંગે સરકારમાં રીપોર્ટ મોકલી દેવાયો છે.

ગઇકાલે કલેકટર કચેરી ખાતે મળેલ પાણી સમીક્ષાની આ પ્રથમ બેઠકમાં સિંચાઇ - પાણી-પુરવઠા, નર્મદા, મામલતદારો-નગરપાલીકાના ચીફ ઓફીસરો, જીલ્લાના અન્ય અધિકારીઓ, રાજકોટ મહાનગર પાલીકાના અધિકારીઓ - રૂડા વિગેરે કચેરીના ઓફીસરો હાજર રહ્યા હતાં.

કલેકટરે ઉમેર્યુ હતું કે, રૂડાના ૧૦ જેટલા ગામોમાં ૧લી માર્ચ બાદ પાણીના ટેન્કર શરૂ કરી દેવાશે.

રાજકોટમાં હાલ નર્મદાનું પાણી મળે છે, પરંતુ જો ઓછુ મળશે તો એકાંતરા કે એક દિવસ પાણી કાપ આવી શકે છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે વીછીંયા, જેતપુર, જસદણ-ધોરાજીમાં પાણીની સ્થિતિ ખરાબ છે, આ ક્ષેત્રમાં કુવાઓ બનાવવા અને એક - એક ગામમાં જયા જરૂરીયાત છે ત્યાં, ૩ થી વધુ બોર શરૂ કરી દેવા સુચના આપી દેવાઇ છે, તેમજ બોરમાં પાણી ન મળે તો ટેન્કરના ફેરા શરૂ કરી દેવાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, ટેન્કરના ફેરાની માંગણી કરવામાં આવશે એટલે તુર્ત જ શરૂ કરી દેવાશે, આ માટે મામલતદાર - પ્રાંતને સત્તા આપતો હુકમ ટૂંકમાં કરાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, હાલ કયાંયથી પણ હજુ પાણીના ટેન્કરો અંગે ડીમાન્ડ આવી નથી, સ્થિતિ હાલ એટલી ગંભીર નથી, આમ છતાં અગમચેતીના તમામ પગલા લેવાયા છે. (પ-૧૩)

(11:43 am IST)