Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી થતાં કોકલીયર ઇમ્પલાન્ટ ઓપરેશન બંધ

કોરોનાકાળ પછી બીજી સર્જરીઓ ચાલુ થઇ, પણ આ ઓપરેશન ચાલુ કરવામાં શું નડતર આવ્યું તે અંગે સવાલ : જન્મથી જ મુંગા-બહેરા હોય તેવા બાળકોના ઓપરેશન તે પાંચ વર્ષનું હોય ત્યાં સુધીમાં કરીને તેને સાંભળતા-બોલતા કરી શકાયઃ સિવિલમાં ડો. મનિષ મહેતાએ આવા ૧૦૭ ઓપરેશન સફળતા પુર્વક કર્યાઃ લાંબા સમયથી આ સર્જરી બંધ : બહાર આવા ઓપરેશનનો ખર્ચ આઠેક લાખ જેવો થાયઃ સિવિલમાં વિનામુલ્યે સુવિધા હતીઃ ઓપરેશન કરાવવા અનેક બાળકો વેઇટીંગમાં

રાજકોટ તા. ૨૩: શહેર ઉપરાંત આસપાસના ગામો, અન્ય જીલ્લા, તાલુકાના દર્દીઓનો સહારો એવી સિવિલ હોસ્પિટલમાં આમ તો દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. સોૈથી મોટા અને સુવિધાથી સંપન્ન મલ્ટી સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં કોરોનાની સારવાર પણ સતત થઇ રહી છે. તો એઇમ્સ માટેના ખાસ વર્ગો પણ અહિ જ ચાલુ થયા છે. દર્દીઓ માટે આશીર્વાદ સમાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં જો કે લાંબા સમયથી કોકલીયર ઇમ્પલાન્ટ સર્જરી બંધ થઇ જતાં જન્મથી જ મુંગા બહેરા હોય તેવા બાળ દર્દીઓના વાલીઓ-સ્વજનોની હાલત કફોડી થઇ ગઇ છે. કોન્ટ્રાકટ રીન્યુઅલની વહિવટી પ્રક્રિયા ખોરંભે પડી હોવાથી આવા ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં અગાઉ તબિબી અધિક્ષક તરીકે ફરજ બજાવતાં ડો. મનિષ મહેતા કાન-નાક-ગળાના સર્જન પણ હોય તેમના કાર્યકાળમાં ખુદ તેઓ જ સ્પીચ થેરાપીસ્ટ સહિતની ટીમની આગેવાની લઇ જન્મથી જ મુંગા-બહેરા હોય તેવા બાળકોના  ઓપરેશન (કોકલીયર ઇમ્પાલન્ટ સર્જરી) સફળતા પુર્વક અને વિનામુલ્યે સિવિલ હોસ્પિટલમાં કરતાં હતાં. તેમણે આવા ૧૦૭ ઓપરેશન-સર્જરી સફળતા પુર્વક કર્યા હતાં.

જે બાળક જન્મ સાથે જ મુંગુ અને બહેરૂ જન્મ્યું હોય તે બાળક જો પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના પર કોકલીયર ઇમ્પલાન્ટ સર્જરી કરવામાં આવે તો તે બોલતું સાંભળતું થઇ જાય છે. સોૈરાષ્ટ્રમાં માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આ પ્રકારના ઓપરેશનની સુવિધા ખુબ જ આશીર્વાદરૂપ હતી. આ પ્રકારના ઓપરેશનનો બહાર ખાનગીમાં અંદાજે આઠ લાખ કે એથી પણ વધુ ખર્ચ થતો હોય છે. પરંતુ ડો.મનિષ મહેતાએ આવા ઓપરેશન સિવિલમા તદ્દન વિનામુલ્યે થાય તે પ્રકારની સુવિધા ઉભી કરી હતી. એટલુ જ નહિ દર્દીના સ્વજનો જો ખુબ ગરીબ હોય તો તેને જરૂર પડ્યે બહારથી લેવી પડતી દવા સહિતનો ખર્ચ પણ રોગી કલ્યાણ સમિતીમાંથી અપાતો હતો.

જન્મથી જ મુંગા બહેરા હોય એવા બાળકને જો સિવિલમાં સર્જરી માટે લાવવામાં આવે તો નિયમ મુજબ પહેલા ઓડિયોલોજી, સેટઅપ, સ્પીચ થેરાપી, કાઉન્સેલીંગ, સિટી સ્કાન, વેકસીન સહિતની વિધીમાંથી પસાર કરી બાદમાં ગાંધીનગરથી એનઓસી માટે એપ્લીકેશન કરવામાં આવે છે. ત્યાંથી એનઓસી મળ્યા પછી જે તે બાળ દર્દીને ઓપરેશન માટે લઇ જવામાં આવી છે. આટલી જટીલ પ્રક્રિયા હોવા છતાં ડો. મહેતા અને તેની ટીમે આવા ૧૦૭ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડ્યા હતાં. કોરોના પહેલા ડો. મહેતાની બદલી થઇ ગઇ હતી અને કોરોનાકાળમાં આમ પણ મોટા ભાગના ઓપરેશન બંધ થઇ ગયા હતાં.

હવે બીજા બધા ઓપરેશન, સર્જરી ચાલુ થઇ ગયાને પણ ખાસ્સો સમય વિતી ગયો છે. આમ છતાં કોકલીયર ઇમ્પાલન્ટ સર્જરી ચાલુ કરવામાં આવી નથી. ઓપીડીમાં આ માટેના રૂમના તાળા ખુલતા જ નથી. આવા ઓપરેશન કરાવવા માટે ૩૦ જેટલા બાળ દર્દીઓ કતારમાં-વેઇટીંગમાં છે.

 ડો. મહેતાની આગેવાનીમાં જ આ સર્જરી થતી હતી. તેની સાથેની ટીમ સીએમ સેતુ સેવાથી ભરતી થઇ હતી. હવે આ ટીમનો પુરો થયેલો કોન્ટ્રાકટ કોઇપણ કારણોસર રીન્યુ થયો ન હોઇ તે કારણે અત્યંત ઉપયોગી અને સોૈરાષ્ટ્રભરમાં જે સુવિધા માટે સિવિલનું નામ છે એ ઓપરેશન સાવ ઠપ્પ થઇ ગયા છે.  સંબંધીત સત્તાધીશો સત્વરે આ પ્રશ્નનો નિવેડો લાવે તે જન્મથી મુંગા-બહેરા બાળદર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશીર્વાદરૂપ ગણાશે.

  • પોણા પાંચ વર્ષની પ્રિયલના દાદાએ કહ્યું-માંડ મેં પ્રાથમિક પ્રક્રિયા પુરી કરી ત્યાં લોકડાઉન આવ્યું: હવે રાજકોટમાં ઓપરેશન કરતા'ય નથી ને ફાઇલ પણ આપતા નથી

. અનેક એવા બાળ દર્દીઓ વેઇટીંગમાં છે જેના કોકલીયર ઇમ્પલાન્ટ ઓપરેશન અટકી ગયા છે. જે પૈકીના મોરબીના આમરણના વીરજીભાઇ પરમારે જણાવ્યું હતું કે મારી પોૈત્રી પ્રિયલ મનોજભાઇ જે પોણા પાંચ મહિનાની થઇ ગઇ છે તે જન્મથી મુંગી બહેરી હોઇ ઓપરેન માટેની મેં તમામ પ્રાથમિક અને ખુબ લાંબી પ્રક્રિયા પુરી કરી લીધી હતી. ત્યાં જ લોકડાઉન આવી ગયું હતું. હવે ફરીથી ઓપરેશન ચાલુ થયા છે અને હું એક મહિનાથી સિવિલના કાન નાક ગળાના વિભાગમાં ધક્કા ખાઇ રહ્યો છું. પરંતુ મને યોગ્ય સંતોષકારક જવાબ મળતો નથી. ઓપરેશન અહિ થઇ શકે તેમ ન હોય તો મને અમદાવાદ જવા માટે મારી ફાઇલ આપો, તેવું મેં કહેતાં ફાઇલ શોધવામાં સમય લાગશે તેવો જવાબ અપાયો છે.  જો મારી પોૈત્રીની ઉમર પાંચ મહિના ઉપર થઇ જાય તો પછી તેનું ઓપરેશન થઇ શકે નહિ અને કાયમને માટે તે મુક બધીર રહી જાય તેવો ભય છે. કાં તો અહિ ઓપરેશન કરી આપવું જોઇએ કાં મને અમદાવાદ જવા ફાઇલ સહિતના રિપોર્ટ આપવા જોઇએ તેવી મારી માંગણી છે. તેમ વધુમાં વિરજીભાઇએ કહ્યું હતું.

(3:31 pm IST)
  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST

  • સુરેન્દ્રનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણઃ મુળી તાલુકામાં કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન, ઉમરડા ગામના સરપંચ સહિત ૧૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું access_time 12:53 pm IST

  • અમદાવાદમાં પણ સવારે ધુમ્મસભર્યું વાતાવરણઃ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી : રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સવારે ઝાળકવર્ષા જોવા મળે છે. દરમિયાન આવે વ્હેલી સવારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળેલ તો અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર ધુમ્મસના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. લાઇટો ચાલુ રાખી ધીમી સ્પીડે કાર ચાલકો વાહન ચલાવતા જોવા મળ્યા હતા. access_time 11:33 am IST