Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હેં..હોય... નહીં...

ફટકડી માંથી બનેલી ૧૩૫ કિલો અખાદ્ય જલેબી ઝડપાઇ

કોઠારીયા રોડ પર પરેશ વેકરિયા સંચાલિત જલેબીનાં કારખાનામાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ત્રાટકયોઃ ઇયળથી ખદબદતી ચાસણી અને જલેબી સહિતનાં જથ્થાનો નાશઃ ફુડ લાયશન્સ વગર કારખાનું ધમધમતું હતું: રોજની ૩૦૦ કિલો જલેબી રેકડી ફેરીયાઓને સપ્લાય થતી હતી

રાજકોટ તા. ૨૩: મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે આજે સવારે શહેરનાં કોઠારીયા રોડ ઉપરથી અખાદ્ય જલેબી બનાવીને શહેરનાં રેકડી-ફેરીયાઓને સપ્લાય કરવાનું જબરૂ કારસ્તાન ઝડપી લઇ આ સ્થળેથી ફટકડીનો ઉપયોગ કરીને બનાવાયેલી ૧૩૫ કિલો અખાદ્ય જલેબીનો નાશ કર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કરેલી સત્તાવાર વિગતો મુજબ આજે સવારે કોઠારીયા રોડ ઉપર પરેશભાઇ વેકરિયા સંચાલિત જલેબીનાં કારખાનામાં ફુડ ઇન્સપેકટરની ટુંકડીએ દરોડો પાડી ચેકીંગ હાથ ધયુંર્ હતું.

આ ચેકિંગ દરમિયાન જલેબી બનાવવાનાં આથા માટે ફટકડીનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું. તેમજ જલેબી માટેની જે ચકાસણી થઇ હતી તે વાસી હોવાનું અને તેમાં પણ ઇયળો ખદબદતી હોવાનું જોવા મળેલ.

એટલું જ નહી જલેબી બનાવવા માટેની ખાદ્ય ચીજો વોશીંગ પાઉડર તથા કેમીકલ સહિતનાં જથ્થાની સાથે રાખવામાં આવી હવાનું જોવા મળેલ.

આ કારખાનામાં અસહ્ય ગંદકી હોવાનું તેમજ ફુડ લાયશન્સ વગર આ કારખાનું ધમધમતું હોવાનું ખુલ્યું હતું.

ડો.રાઠોડના જણાવ્યા મુજબ ઉપરોકત અખાદ્ય ચીજવસ્તુઓમાંથી બનેલી જલેબી તેમજ ફટકડી વાસી ચાસણી સહિત કુલ ૧૩૫ કિલો અખાદ્ય ચીજવસ્તુઓનાં જથ્થાનો નાશ આ કારખાનામાંથી કરાય હતો. તેમજ આ જલેબીનો નમૂનો લઇ રાજ્ય સરકારની ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયેલ.

ઉપરોકત દરોડાની કાર્યવાહી નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ડિઝિગ્નેટેડ ઓફિસર શ્રી પંચાલ તથા ફુડ ઇન્સ્પેકટર કેતનભાઇ સહિતનાં સ્ટાફે હાથ ધરી હતી.(૧.૨૩)

(3:00 pm IST)