Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રદૂત નેતાજી સુભાષચંદ્ર બોઝ

'તમારે ખીલેલા ગુલાબની મહેક માણવી છે તો કાંટાનો ડંખ સ્વીકારી લો. સ્મિત વેરતી ઉષાનું તમારે માધુર્ય જોઈતુ હોય તો રાત્રિના ઘનઘોર અંધકારમાંથી પસાર થવાની તૈયારી રાખો અને આઝાદીનો આનંદ તમારે જોઈતો હોય તો તેની કિંમત ચૂકવવા તૈયાર રહો. આઝાદીની આ કિંમત છે કષ્ટ વેઠવાની અને બલિદાન આપવાની.'

આવા ખુમારી ભર્યા અને પ્રેરક શબ્દો દ્વારા એમણે હિન્દની યુવાનીને હાકલ કરી હતી એ સમયે જ્યારે ભારત દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો ત્યારે રાષ્ટ્રની યુવાનીને જાગૃત કરવા, ચેતનવંતી બનાવવા એક નારો આવી પડયો... 'જય હિન્દ'...! આજે પણ જય હિન્દ શબ્દોચ્ચાર સાથે જ આપણામાં દેશપ્રેમ અને ખુમારીનો સંચાર થાય છે.

આ શબ્દ સાંભળતા જગ આપણા માનસ પટ પર આઝાદીના અગ્રદૂત સમા નેતાજી સુભાષચંદ્ર બોઝનો ખાખી ગણવેશ સજ્જ પ્રતિભાશાળી અને જાજરમાન વ્યકિતત્વ ધરાવતો ચહેરો ઉપસી આવે છે.

બાળક એ મનુષ્યનો પિતા છે એ ઉકિત સુભાષચંદ્ર બોઝે યથાર્થ કરી બતાવી. બાળપણથી યુવાની સુધી સુભાષચંદ્ર બોઝનું જે રીતે ઘડતર થયુ અને તેમણે જે રીતે ઈરાદાપૂર્વક પોતાની તેજસ્વી કારકિર્દીનો ભોગ આપ્યો, હિન્દી રાજકારણને પચ્ચીસ વર્ષ સુધી ખળભળાવી મુકવાનો માર્ગ ચિંધ્યો. કેમ્બ્રીજ વિશ્વ વિદ્યાલયમાં સુભાષચંદ્ર બોઝે પ્રવેશ મેળવ્યો. ઈંગ્લેન્ડ જવા રવાના થયા એ પહેલા જલીયાણા બાગ હત્યાકાંડ થઈ ચૂકયો હતો. કેમ્બ્રીજમાં સીવીલ પરીક્ષામાં સુભાષચંદ્રે સફળતા મેળવી, પરંતુ રાષ્ટ્રીય અને આધ્યાત્મિક આકાંક્ષાઓ સાથે સીવીલ સર્વિસની તાબેદારીનો મેળ બેસી શકશે નહિ તેવું તેમને લાગ્યું.

સુભાષબાબુ ૧૯૨૧માં ઈંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફર્યા, મહાત્મા ગાંધીજીનો સંપર્ક સાધ્યો, બ્રીટીશ શાસન સામે ક્રમશઃ અસહકારની દેશવ્યાપી ચળવળમાં જોડાયા.

બ્રીટીશ શાસકોએ સંખ્યાબંધ કોંગ્રેસીઓ સાથે સુભાષચંદ્ર બોઝને પણ પકડયા, તેમને બર્માની માંડલ જેલમાં ખસેડવામાં આવ્યા, અઢી વર્ષ બાદ ૧૯૨૭માં મુકત કરવામાં આવ્યા.

માત્ર એક વખત જ નહી પરંતુ અગીયાર વખત બ્રીટીશ શાસકોની જેલમાં જનારા શ્રી સુભાષબાબુ ૧૯૪૧ની જાન્યુઆરીમાં બ્રીટીશ જાપ્તા વચ્ચેથી અદ્રશ્ય થયા. સમગ્ર રાષ્ટ્રમાં મોટી હલચલ મચી, દેશભરમાં ઉત્તેજના છવાઈ, નેતાજીનો કયાંય પત્તો ન હતો.

પરંતુ એકાએક નવેક માસ બાદ જર્મન રેડીયો પરથી સુભાષબાબુનો અવાજ દેશ અને દુનિયાએ સાંભળ્યો. જર્મનીમાં ૧૯૪૧માં પ્રથમ મુકત ભારત સંઘ અસ્તિત્વમાં આવ્યો. સૌએ નેતાજીને નેતા તરીકે વધાવી લીધા. ૧૯૪૩ના જુલાઈમાં આઝાદ હિન્દ ફોજના સરસેનાપતિ સુભાષબાબુએ મુકિત ફોજને 'ચલો દિલ્હીની હાકલ કરી'.

આઝાદ હિન્દ ફોજ વ્યવસ્થિત બની ગઈ. પૂર્વ એશિયાના હિન્દુઓએ તેને અદભૂત આવકાર આપ્યો. આઝાદ હિન્દ ફોજની તવારીખમાં ૧૯૪૪ની માર્ચની ૧૮ તારીખ મહત્વની બની. આ દિને બ્રહ્મદેશની સરહદ પાર કરી આઝાદ હિન્દ ફોજ પ્રથમવાર ભારતની પવિત્ર ભૂમિ પર આવી પહોંચી. આ ફોજ ઈમ્ફાલના મેદાનમાં કોહીમાં નજીકના પ્રદેશોમાં મુકિત જંગ ખેલતી હતી.

દરમિયાન રશિયાએ જાપાન સાથે યુદ્ધ જાહેર કર્યુ. જાપાને શરણાગતિ સ્વીકારી આને લીધે આઝાદ હિન્દ ફોજ માટે વધુ સમય એકલે હાથે ઝઝુમવુ ખતરનાક બન્યુ. ફોજને પુરતી સફળતા મળી શકી નહીં પરંતુ એ જ્યાં જ્યાં લડી ત્યાં ત્યાં ગૌરવ મેળવ્યુ છે.

હિન્દની આઝાદી માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિન્દ ફોજે વેઠેલી યાતનાઓ અને અભૂતપૂર્વ બલિદાનો પ્રજાના આદર અને સન્માન મેળવી રહી, ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં એક ગૌરવવંતી ગાથા બની ગઈ.

નેતાજી સુભાષચંદ્ર બોઝની સંકલ્પ શકિત, અજોડ જુસ્સો અને તેમની આઝાદ હિન્દ ફોજની લડત દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:26 am IST)