Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજકોટના રોણકી ગામે કોળી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજીને ફગાવતી કોર્ટ

રાજકોટ, તા. ર૩:  રોણકી ગામે કોળી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ એક આરોપીની જામીન અરજી અને બીજાની વચગાળાની જામીન પર છુટવાની અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે, રાજકોટ ખાતે રોણકી મુકામે રહેતા અજય રણછોડભાઇ ડાભી નામના કોળી શખ્સનું આજથી આશરે એકાદ માસ પહેલા અજુભા ઝાલા નામના શખ્સે તેઓના મીત્રોની સાથે મળી ગુજરનાર અજય ડાભીને ઢોરમાર મારી હત્યા કરેલી જે ગુન્હામાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૦ર, ૩૬૪ (ક), ૧ર૦ (બી), ર૦૧, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબનો ગુન્હો ગુજરનારના ભાઇ લાલજીભાઇ રણછોડભાઇ ડાભીની ફરીયાદ ઉપરથી ગુન્હો દાખલ થયેલ અને આ ગુન્હામાં કુલ-૯ આરોપીઓની કુવાડવા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી. જે તમામ આરોપીઓ હાલ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે રહેલ છે.

આ આરોપીઓ પૈકી આરોપી મોમભાઇ કરશનભાઇ વરૂ નામના આરોપીએ એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જમીન અરજી દાખલ કરેલ તેમજ અન્ય આરોપી બીપીન ઉર્ફે મુકેશ રણજીતભાઇ ડોડીયા નામના આરોપીઓ વચગાાળના જામીન માટે અરજી કરેલી જે બન્ને અરજીઓ જજશ્રી એચ.બી.ત્રિવેદી જજ કોર્ટમાં સાંભળવા ઉપર આવેલ જેમાં આરોપીઓ દ્વારા આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી દેવામાં આવેલ છે અને આરોપી સામે કોઇ પ્રથમદર્શનીય કેસ નથી તેવી રજુઆત કરવામાં આવેલ સરકાર પક્ષે આરોપી સામે ગંભીર પ્રકારનો મનુષ્ય વધનો ગુન્હો છે તથા આરોપીઓ એકસંપ કરીને પુર્વઆયોજીત કાવતરૂ રચી આરોપી અજુભા ઝાલાની બહેન સાથેના પ્રેમસંબંધના કારણે મારી નાખવાના ઇરાદે અપહરણ કરી જઇને ગંભીર પ્રકારનો ગુન્હો કેરલ છે તેવી રજુઆત કરવામાં આવેલી તેમજ સરકાર પક્ષે મુળ ફરીયાદી વતી તેમના એડવોકેટ દ્વારા આ કામના આરોપીઓનો ઇરાદો ગુજરનારને મારી નાખવાનો હોય તેથી જ ગુજરનારને અપહરણ કરીને લઇ ગયેલા અને અતીશય ક્રૂરતા પૂર્વક ગુજરનારને ઢોરમાર મારવામાં આવેલ તેમજ આરોપીઓ ગુજરનારના રહેણાંકની આજુબાજુના વિસ્તારના હોય અને ફરીયાદીને ધાકધમકી આપે તેમ હોય તથા તપાસ હજુ બાકી હોય જેથી જામીન ઉપર મુકત કરવા જોઇએ નહીં.

ઉપરોકત દલીલ ધ્યાને રાખી એડીશનલ ડીસ્ટ્રીકટ જ્જ એચ.બી. ત્રિવેદી એ બન્ને આરોપીઓની જામીન રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે સરકાર તરફથી એ.પી.પી.શ્રી સ્મીતાબેન એન. અત્રી રહેલ તથા મુળ ફરીયાદી તરફે પ્રાઇવેટ એડવોકેટ તરીકે જાણીતા એડવોકેટ શ્રી હરેશ બી. પરસોડા, પિયુષ ડી. ઝાલા, દુર્ગેશ જી. ધનકાણી, ઋષીરાજ જે. ચૌહાણ, વિવેક સાતા અને જસ્મીન ગઢીયા રોકાયેલા હતા.

(4:04 pm IST)