Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઋષિરાજસિંહની હત્યા પોલીસમેન ભાઇની હત્યાનો બદલો લેવા રાજેશ ગઢવીએ કરી'તીઃ ઝડપી લેવાયો

ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડ્યોઃ પિસ્તોલ-બાઇક કબ્જે : હત્યા બાદ ચોટીલા ત્યાંથી બરોડા ભાગી ગયેલઃ પરત ચોટીલા આવી અમદાવાદ ગયોઃ ત્યાંથી આજે પાછો આવતાં ઝડપાઇ ગયો : રાજેશ ગઢવીની કબુલાતઃ એક તો મારા ભાઇની હત્યા કરી ને માથે જતાં કોર્ટ મુદ્દતે આવતો ત્યારે પણ ધમકાવતો એટલે મારી નાંખ્યો

શકિત ઉર્ફ પેંડાના સાગ્રીત ઋષિરાજસિંહ સરવૈયાની રવિવારે થયેલી હત્યામાં પકડી લેવાયેલ રાજેશ ગઢવી (કપડુ ઓઢાડેલું છે તે) તથા માહિતી આપતાં એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. કાનમીયા અને ટીમ તથા કબ્જે થયેલી પિસ્તોલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: કોઠારીયા ગામમાં ગોલ્ડન ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને બી-ડિવીઝનના પોલીસમેન ભરતદાન ગઢવીની હત્યામાં ચારેક મહિના પહેલા જામીન પર છૂટ્યા બાદ મોરબી રોડ પર મિત્ર પ્રતાપ રાજપૂત સાથે રહી કારખાનામાં કામ કરતાં શકિત ઉર્ફ પેંડાના સાગ્રીત ઋષિરાજસિંહ અશોકસિંહ સરવૈયા (ઉ.૨૧)ની રવિવારે થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે ઉકેલી નાંખ્યો છે. કોન્સ. ભરતદાન ગઢવીના મોટા ભાઇ  રાજેશ અશ્વિનભાઇ ગઢવીએ જ આ હત્યા કર્યાનું ખુલતાં ક્રાઇમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરી પિસ્તોલ અને બાઇક કબ્જે લીધા છે. કોર્ટ મુદ્દત વખતે ઋષિરાજસિંહ સતત પોતાને તથા પરિવારજનોને ધમકી આપતો હોઇ જેથી તેની હત્યા કર્યાનું હાલ રાજેશ ગઢવીએ કબુલ્યું છે.

 રવિવારે સવારે મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં બુકાનીધારી શખ્સ વાંસામાં ગોળી ધરબી હત્યા કરી ભાગી જતાં પોલીસે તેને શોધવા દોડધામ શરૂ કરી છે. હત્યાનો ભોગ બનનારને અનેક શખ્સો સાથે માથાકુટ ચાલતી હતી. સંક્રાંતના દિવસે યશ વલકુભાઇ દેથરીયા અને વિશાલ કાનગડ સાથે પણ માથાકુટ થઇ હતી. હત્યા બાદ મૃતક પોલીસમેનનો ભાઇ રાજેશ (રાજૂ) ગઢવી ગાયબ થઇ ગયો હોઇ તેની આ ગુનામાં સંડોવણી તો નથી ને? ખૂન કા બદલા ખૂન જેવું તો થયું નથી ને? તે અંગે તપાસ શરૂ થઇ હતી. દરમિયાન રાજેશની જ હત્યામાં સંડોવણી હોવાની પાક્કી માહિતી મળતાં તેને આજે વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકડીએથી બાઇક તથા પિસ્તોલ સાથે પકડી લેવાયો છે.

આ અંગે પત્રકારોને માહિતી આપતાં એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. વી. કે. ગઢવી સહિતે જણાવ્યું હતું કે ઋષિરાજસિંહની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ અને ૨એ સુચના આપી હોઇ ક્રાઇમ બ્રંાંચ અને ભકિતનગર પોલીસ તેમજ બી-ડિવીઝન અને આજીડેમ પોલીસની જુદી-જુદી ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમ્યિાન પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, પી.એસ.આઇ. પી.એમ. ધાખડાને મળેલી માહિતી પરથી રાજેશ અશ્વિનભાઇ ગઢવી (ઉ.૩૧-રહે. શ્વાતિ પાર્ક-૭, કોઠારીયા રોડ)ને ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડી લીધો હતો.

તેની પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને બાઇક કબ્જે લેવાયા છે. પ્રાથમિક પુછતાછમાં રાજેશ ગઢવીએ કબુલ્યું છે કે ભાઇ ભરતદાન ગઢવીની હત્યાની કોર્ટ મુદ્દતમાં આરોપી ઋષિરાજસિંહ જ્યારે પણ આવતો ત્યારે પોતાને અને પરિવારજનોને ધમકીઓ આપતો હતો. એક તો ભાઇની હત્યા કરી હતી અને માથે જતાં પોતાને ધમકીઓ મળતી હોઇ પોતે  ખુબ અપસેટ થઇ ગયેલ અને આ કારણે પોતાની દૂકાન પણ બંધ કરી દીધી હતી. દરમિયાન ઋષિરાજસિંહ મોરબી રોડ પર રહેતો હોવાની માહિતી મળતાં રવિવારે તક જોઇને તેને ઢાળી દીધો હતો.

હત્યા બાદ બાઇક ગ્રીનલેન્ડ ચોકડીએ રેઢુ મુકી ચોટીલા અને ત્યાંથી બરોડા જતો રહેલ. બાદમાં ચોટીલા આવી પરત ત્યાંથી અમદાવાદ જતો રહ્યો હતો. અમદાવાદથી રાજકોટ આવતાં પકડાઇ ગયો હતો. તેણે પિસ્તોલ કયાંથી લીધી? તેની સાથે હત્યાના કાવત્રામાં કોઇ સામેલ છે કે કેમ? સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

આ કાર્યવાહીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, પી.એસ.આઇ. ધાખડા, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ, કૃપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સંતોષભાઇ મોરી, રવિરાજસિંહ જાડેજા, સંજય રૂપાપરા, સલિમભાઇ મકરાણી સહિતએ કરી હતી.

(3:46 pm IST)