Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પોપટપરાના કિરીટસિંહ ગોહિલને પોલીસના નામે આંતરી ત્રણ શખ્સોએ છરીને અણીએ લૂંટી લીધા

આજી નદીના પટમાં ડિલીવરીમેનના ૪૦ હજાર લૂંટી લેવાયાની ઘટના બાદ મોબી રોડ પર વધુ એક લૂંટ : કારનો હપ્તો ભરવા જતા'તા ત્યારે ત્રણ સવારીમાં આવેલા શખ્સોએ 'અમે પોલીસના માણસો છીએ, જેના પર શંકા પડે તેને અટકાવીએ' કહી છરી બતાવી ૧૧ હજાર પડાવી લીધા : દાનવીરના દિકરાઓએ જતાં-જતાં કહ્યું- લ્યો ૫૦ રૂપિયા રાખો કામ આવશે, અને હવે આ બાજુ આવતાં નહિ

રાજકોટ તા. ૨૩: છ દિવસ પહેલા કેસરી પુલ નીચે આજી નદીના પટમાં લાતી પ્લોટની નૂડલ્સની એજન્સીના સેલ્સમેન અને ડ્રાઇવરની ડિલીવરીવેનને આંતરી છરી બતાવી બે શખ્સો રૂ. ૪૦ હજારની રોકડ લૂંટી ગયા હતાં. ત્યાં મોરબી રોડ પર ભરબપોરે વધુ એક લૂંટની ઘટના બની છે. જેમાં પોપટપરામાં ક્ષત્રિય પ્રોૈઢના એકટીવાને આંતરી ત્રણસવારીમાં એકટીવા પર આવેલા શખ્સોએ 'અમે પોલીસના માણસો છીએ, શંકા પડે તેને તપાસવા માટે અમારી નિમણુંક થઇ છે' તેમ કહી છરી બતાવી રૂ. ૧૧ હજાર લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે.

પોલીસ માટે પડકારરૂપ એવી આ ઘટનામાં ભોગ બનેલા પોપટપરા આગળ  ક્રિષ્નાપાર્ક-૨ શેરી નં. ૪માં રહેતાં અને અલીયાબાડામાં ખેતીવાડી ધરાવતાં કિરીટસિંહ બચુભા ગોહિલ (ઉ.૫૪)એ વિગતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે હું મારું એકટીવા નં. ૯૫૦ લઇને મિત્ર ભીખુભાઇ કુંભારના ઘરે જવા નીકળ્યો હતો. મારે ઇકો કારનો હપ્તો ભરવા ભીખુભાઇને લઇને જવાનું હોઇ જેથી સાથે ૧૧ હજારની રોકડ પણ લીધી હતી.

દરમિયાન જુના મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલ નજીક પહોંચ્યો ત્યારે એકટીવા પર ત્રણ સવારીમાં આશરે ૨૧ થી ૨૫ વર્ષના ત્રણ શખ્સો આવ્યા હતાં અને મને ઉભા રહેવાનું કહેતાં મેં મારુ ંવાહન ઉભુ રાખ્યું હતું અને શું કામ છે? તેમ પુછતાં  આ ત્રણેયે 'અમે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનનના માણસો છે, અમને જેના ઉપર શંકા પડે તેને અટકાવીને તપાસ કરીએ છીએ, આ માટે જ અમારી નિમણુંક થઇ છે, તમને તપાસ કરવા પોલીસ સ્ટેશને લઇ જવા પડશે' તેમ કહેતાં મેં કહેલ કે જો તમે પોલીસના મણસો હો તો લઇ જાવ મને પોલીસ સ્ટેશન. ત્યારબાદ મારા એકટીવામાં એક જણો બેસી ગયો હતો અને મને વચ્ચે બેસાડી પાછળ બીજો બેસી ગયો હતો. બાદમાં નજીકના ખુણામાં લઇ જઇ એકટીવા ઉભુ રાખી જે પૈસા હોય તે આપી દેવા બંનેએ છરી બતાવતાં મેં ગભરાઇને હપ્તો ભરવાના ૧૧ હજાર હતાં તે આપી દીધા હતાં.

મારો મોબાઇલ ફોન પણ આ શખ્સોએ સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો. બાદમાં જતાં જતાં મને ૫૦ રૂપિયા આપી આ રાખો કામ આવશે અને હવે આ બાજુ આવતાં નહિ તેમ કહી ત્રણેય ભાગી ગયા હતાં. એ વખતે એક બહેન આવ્યા તેણે કહેલું કે તમે બચી ગયા નહિતર આ લોકો મારી લે તેવા છે. કિરીટસિંહે વધુમાં કહ્યું હતું કે લૂંટારા શખ્સો તેની દાઢી પરથી મુસ્લિમ-ખાટકી જેવા લાગતાં હતાં. તે ભાગી ગયા બાદ મેં મારા ફોનને ચાલુ કરી સો નંબરમાં જાણ કરી હતી. એ પછી હું બી-ડિવીઝન પોલીસ મથકે ગયો હતો અને રાત્રે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ બનાવમાં આઇપીસી ૩૯૨, ૩૯૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. લૂંટારાઓને ઝડપી લેવા દોડધામ પી.આઇ. આર. એસ. ઠાકર અને ડી .સ્ટાફે તપાસ શરૂ કરી છે. (૧૪.૯)

 

(12:41 pm IST)