Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સોની બજારમાંથી ૫૦ લાખનું સોનુ લઇ કારીગર 'છૂ'

બંગાળી કારીગર 'કળા' કરી ગયોઃ ભોગ બનનાર વેપારીએ પોલીસને અરજીથી જાણ કરતાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૨: શહેરની સોની બજારમાંથી અવાર-નવાર બહારના ખાસ કરીને બંગાળી કારીગરો જે તે વેપારીઓનો વિશ્વાસ કેળવ્યા બાદ તેમની પાસેથી દાગીના બનાવવા માટે સોનુ મેળવી રાતોરાત ભાગી જતાં હોવાના કિસ્સા બને છે. અનેક વખત આવા બનાવો પોલીસ ચોપડે ચડી ચુકયા છે. ત્યાં વધુ એક વખત એક બંગાળી કારીગર ત્રણ-ચાર વેપારીઓને છેતરીને અંદાજે પચાસેક લાખનું સોનુ લઇ નોૈ દો ગ્યારહ થઇ ગયાની ભારે ચર્ચા જાગી છે. બજારના આધારભુત વર્તુળોના કહેવા મુજબ આ અંગે પોલીસને લેખિત અરજી આપવામાં આવી છે.

સોની બજારમાં વેપારીઓમાં થઇ રહેલી ચર્ચા મુજબ સવજીભાઇની શેરીમાં આવેલી સુવર્ણ કલા કોમ્પલેક્ષ નામની ચેમ્બરમાં બેસતાં બંગાળી કારીગરે દાગીના બનાવવા માટે અલગ-અલગ વેપારીઓ પાસેથી સોનુ લીધું હતું. પ્રારંભે ઇમાનદારીથી કામ કરી સમયસર દાગીના બનાવીને પરત આપી દીધા હતાં. પરંતુ છેલ્લે દાનત બગડી હોઇ તેમ એક વેપારીનું ૮૦૦થી ૯૦૦ ગ્રામ અને બીજા બે વેપારીનું મળી કુલ એકાદ કિલો આસપાસ સોનુ લઇ આ કારીગર ભાગી ગયો છે. આશરે અડધા કરોડનું સોનુ લઇને કારીગર છનનન થઇ જતાં બજારમાં દેકારો મચી ગયો છે.

ફીચડીયા અટક ધરાવતાં વેપારીનું વધુ સોનુ હોવાનું પણ જાણકારો કહે છે. તેમજ તેમણે પોલીસ મથકમાં કાચી અરજીથી જાણ કરી દીધાનું પણ કહેવાય છે.

અગાઉ પણ અનેક વખત બંગાળી કારીગરો અને બીજા અમુક લોકલ કારીગરો આ રીતે અલગ-અલગ વેપારીઓ પાસેથી સોનુ મેળવી બાદમાં દાગીના બનાવી પરત આપવાને બદલે સોનુ ખાઇ જતાં હોવાના અને ભાગી જતાં હોવાના બનાવો બની ચુકયા છે. અમુક કેસમાં પોલીસ બહારના રાજ્યમાંથી પણ આવા શખ્સોને શોધી લાવી હતી. ત્યાં હવે ફરીથી અંદાજે અડધા કરોડનુ સોનુ લઇ કારીગર રફુચક્કર થઇ ગયાની વાતે સોની બજારમાં ભારે ચર્ચા જગાવી છે.

ત્રણ દિવસ પહેલા ભાગી જનારો બગાળી કારીગર સોની બજારની તેની દૂકાને ઉપરાંત રામનાથપરામાં ભાડાની રૂમમાં રહેતો હતો ત્યાં પણ ન મળતાં વેપારીએ ઘરમેળે શોધખોળ બાદ પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી. આ અંગે અરજીથી જાણ કરવામાં આવ્યાનું વેપારીએ જણાવ્યું હતું.

(3:40 pm IST)