Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

જીલ્લા ગાર્ડનમાં મધરાતે પાંચ વાહન સળગાવાયા ઇમ્તિયાઝ ધાનાણીનું એકટીવા, બાઇક, પડોશી રફિકભાઇનું એકટીવા અને બાઇક તથા નોૈશાદભાઇની સીએનજી રિક્ષામાં કુલ ૨,૩૫,૦૦૦નું નુકસાન

રાજકોટમાં થોડા દિવસ પહેલા યાજ્ઞિક રોડ પર કર્ફયુના સમયમાં બે કચરાપેટીને આગ લગાડાઇ હતી, ત્યાં હવે બીજી ઘટના : ભકિતનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યોઃ વાહન માલિકોએ કહ્યું-અમારે કોઇની સાથે કોઇપણ માથાકુટ નથીઃ આરોપીઓને શોધવા મથામણ

કોઇ વિઘ્નસંતોષીએ લગાડેલી આગમાં બળીને ખાક થઇ ગયેલા વાહનો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨: કર્ફયુની રાતે થોડા દિવસ પહેલા યાજ્ઞિક રોડ પર અલગ-અલગ સ્થળે આર.એમ.સી.ની બે કચરા પેટીઓ કોઇએ સળગાવી નાંખી હતી. ત્યાં હવે મધરાતે જીલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટરમાં કોઇ ચાર બાઇક અને એક રિક્ષાને સળગાવી ભાગી જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આવુ કૃત્ય કરનારાઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે. ચાર બાઇક અને એક રિક્ષામાં આગથી રૂ. ૨,૩૫,૦૦૦નું નુકસાન થયું છે. જેના વાહનો સળગાવાયા તેમને કોઇ સાથે કોઇપણ પ્રકારનું મનદુઃખ કે માથાકુટ નથી. ત્યારે આવુ કોણ કરી ગયું? તેની તપાસ થઇ રહી છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે જીલ્લા ગાર્ડન ચોક સ્લમ કવાર્ટર નં. ૨૩૨ની સામે સ્તિારામ ચોકમાં રહેતાં અને બાપુનગરમાં જ આવેલા આસિફભાઇના કારખાનામાં કામ કરતાં ઇમ્તિયાઝ હારૂનભાઇ ધાનાણી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૪૩૫, ૧૧૪ મુજબ  કોઇ રાગદ્વેષની ભાવના રાખી ઇમ્તિયાઝ તથા પડોશીઓના વાહનોને આગ લગાડી કુલ રૂ. ૨,૩૫,૦૦૦નું નુકસાન કરવા સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇમ્તિયાઝે વિગતો આપતા જણાવ્યું હતું કે હું રાતે અગિયારેક વાગ્યે ઘરમાં સુતો હતો. મારું એકટીવા જીજે૦૩કેએસ-૭૮૬૯ રૂ. ૬૦ હજારનું મેં લોક કરી ઘરની બહાર રાખ્યું હતું. તેમજ બીજુ એક બાઇક જીજે૦૩એલએચ-૪૦૮૯ રૂ. ૪૫ હજારનું પણ ઘર બહાર રાખ્યું હતું. એ પછી રાત્રીના સાડા ત્રણેક વાગ્યે અચાનક ફટાકડા ફૂટતા હોય તેવા અવાજો થતાં હું તથા ઘરના લોકો જાગી ગયા હતાં. બહાર નીકળી જોતાં અમારા બંને વાહન સળગતા દેખાયા હતાં.

આ ઉપરાંત અમારા પડોશી સામેના ઘર વાળા રફિકભાઇ અલીભાઇ મલેકના બે વાહનો એકટીવા જીજે૦૩એલએચ-૦૧૪૫ રૂ. ૬૦ હજારનું તથા સુઝુકી બાઇક જીજે૦૩જેએફ-૧૧૪૫ રૂ. ૬૦ હજારનું પણ સળગતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત નોૈશાદભાઇ હુશેનભાઇ કુરેશીની માલિકીની સીએનજી રિક્ષા જીજે૦૩એયુ-૪૬૯૦ પણ સળગતી જોવા મળી હતી. આ બધા વાહનો સંપુર્ણ અને થોડાઘણા બળી જતાં કુલ મળી રૂ. ૨,૩૦,૦૦૦નું નુકસાન થયું હતું.

કોઇએ મારા કે પછી મારા પડોશીઓ રફિકભાઇ, નોૈશાદભાઇ પ્રત્યે કોઇપણ કારણોસર રાગદ્વેષની ભાવના રાખી વાહનો પર જ્વલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધાની શકયતા છે. તેમ ઇમ્તિયાઝ ધાનાણીએ જણાવતાં તેના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

બનાવ અંગે પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં એએઅસાઇ નરેન્દ્રભાઇ જી. ભદ્રેચા અને મયુરભાઇ ઠાકરે ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફના પીએસઆઇ જે. બી. પટેલ, રણજીતસિંહ પઢારીયા સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આસપાસમાં તપાસ કરતાં અને જેના વાહનો બાળી નાંખવામાં આવ્યા તેમની પુછતાછ કરતાં પોતાને કોઇ સાથે માથાકુટ ચાલતી નહિ હોવાનું કહ્યું હતું. પોલીસે આરોપીઓને શોધી કાઢવા મથામણ શરૂ કરી છે.

શહેરમાં અગાઉ પણ અનેક વખત અમુક વિઘ્નસંતોષીઓએ કે પછી અમસ્તો વિકૃત આનંદ મેળવવાના ઇરાદે આ રીતે લાગલગાટ અનેક વાહનોમાં તોડફોડ કર્યાના કે આગ લગાડ્યાના બનાવો બની ચુકયા છે. જે તે વખતે પોલીસે એવા શખ્સોને શોધી પણ કાઢ્યા હતાં. જેમાં અનેક સારા પરિવારના બાબુડીઓ પણ સામેલ હતાં. થોડા દિવસ પહેલા કર્ફયુના સમયમાં ડો. યાજ્ઞિક રોડ પર બે સ્થળે આર.એમ.સી.ની કચરા પેટીઓને પણ કોઇ સળગાવી ગયું હતું. ત્યાં હવે જીલ્લા ગાર્ડન ચોકમાં મધરાતે કર્ફયુના સમયમાં એક સાથે પાંચ વાહન સળગાવી દેવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.

દૂરના કેમેરામાં એક શખ્સ દેખાયો

. જ્યાં વાહનો સળગાવાયા ત્યાં સીસીટીવી કેમેરા નથી. પરંતુ આગળના ચોકમાં એક શખ્સ આગ લાગી એ પહેલા આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. જો કે આ શખ્સ પોતે લઘુશંકા કરવા નીકળ્યો હોવાનું કહ્યું હોઇ પોલીસે તેની વિશેષ પુછતાછ યથાવત રાખી છે.

ટાયરો ફાટતા ફટાકડા ફૂટતા હોય એવા અવાજો થયો, જાગીને જોતાં આગ દેખાઇ

. ઇમ્તિયાઝ ધાનાણીએ કહ્યું હતું કે રાત્રીના સાડા ત્રણેક વાગ્યે અચાનક ફટાકડા ફૂટતા હોય તેવા અવાજો થતાં અમને કોઇ લગ્નનું ફુલેકુ નીકળ્યું કે શું? તેમ લાગતાં જાગીને બહાર નીકળી જોતાં અમારા વાહનો સળગતાં દેખાયા હતાં અને તેના ટાયરો આગને કારણે ફાટતાં અવાજ થયાની ખબર પડી હતી. એ પછી અમે ભેગા થઇ થોડી ઘણી આગ હતી તે બુઝાવી નાંખી હતી અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

એક મકાનના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ હતી

. વાહનો સળગાવવામાં પેટ્રોલ કે બીજા કોઇ જ્વલંતશીલ પ્રવાહીનો ઉપયોગ કરાયાની શકયતા છે. આગ ઝડપથી પ્રસરી ગઇ હતી અને જોતજોતામાં ચાર ટુવ્હીલર ખાક થઇ ગયા હતાં. રિક્ષામાં હુડ, સીટો, એન્જીનના કવરો સળગી ગયા હતાં. એક ઘરના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ હતી. લોકોએ સમયસુચકતા વાપરી પાણી છાંટી આગ બુઝાવી નાંખતાં આગળ ફેલાતી અટકી હતી.

(3:02 pm IST)