Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વિક્રમભાઈએ પુત્રના નામે સંસ્થા શરૂ કરેલી : શામ પિત્રોડા સાથે કામ કરેલુ

ઈન્ટરનેટ પણ સૌથી પહેલા લાવેલા : હેમ રેડીયોનું લાઈસન્સ પણ તેઓની પાસે હતું :એસેમ્બલ કોમ્પ્યુટર પોતે જાતે બનાવતા, નેવીને પણ સપ્લાય કરતા : એન્ટીવાયરસનું કિલર બનાવેલું

રાજકોટ : કોમ્પ્યુટર જગતના મહામાનવ કહી શકાય તેવા વિક્રમભાઈ પંડ્યાનું આજે દુઃખદ નિધન થયુ છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર જયારે કોમ્પ્યુટરની કોઈને પણ જાણશુદ્ધા પણ ન હતી ત્યારે તેઓ તેને લઈ આવ્યા હતા. ઈન્ટરનેટ સુવિધા લાવવામાં પણ તેઓનો સિંહફાળો છે. શરૂઆતમાં જયારે કોમ્પ્યુટર દોઢ થી બે લાખ રૂપિયામાં વેચાતા હતા ત્યારે તેઓ જાતે જ કોમ્પ્યુટર બનાવી નેવીને સપ્લાય કરતા હતા.

આ મહામાનવી અંગે થોડુ જાણીએ તો રાજકોટ શહેરમાં કોમ્પ્યુટર હાર્ડવેરનો ધંધો શરૂ કરનારા તેઓ સૌપ્રથમ હતા. ડીસીએમ કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ તેઓએ મેળવી હતી. ઈન્ટરનેટ આજે લોકોના ઘરે - ઘરે પહોંચી ગયુ છે ત્યારે જે - તે સમયે સર્વપ્રથમ ઇન્ટરનેટ રાજકોટમાં લાવવાનો શ્રેય તેઓના નામે છે. નવી પેઢીએ જેનું નામ પણ નહિં સાંભળ્યુ હોય તેવુ હેમરેડીયોનું લાઇસન્સ પણ તેમની પાસે હતું. કોમ્પ્યુટરમાં ફેલાતા એન્ટીવાયરસને અટકાવવા એક સોફટવેર બનાવ્યો હતો.

૧૯૯૦ના દશકમાં વિક્રમભાઈએ યાજ્ઞિક રોડ ઉપર આવેલ કુબેર કોમ્પલેક્ષમાં સર્વપ્રથમ ઓફીસ શરૂ કરી હતી. લગભગ ૧૯૯૫માં તેઓએ બ્રાઉઝર બનાવ્યુ હતું. ટેલીફોનના પ્રણેતા શામ પિત્રોડા સાથે તેઓનો ઘરોબો હતો. યુકેની ઓફીસનું ઓપનીંગ તેઓના હસ્તે કરવામાં આવેલ.

વિક્રમભાઈના પુત્ર ઋષભનું ખૂબ જ નાની વયે લીમડી પાસે અકસ્માતમાં અકાળે મૃત્યુ નિપજ્યુ હતું. તેઓની યાદમાં તેઓએ ઋષભ પંડ્યા મેમોરીયલ ટ્રસ્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામની સંસ્થા શરૂ કરેલી. જેમાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવતી. પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવતુ હતું.

તેઓએ બીએસસી કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો. બાદમાં ડીપ્લોમાનો કોર્ષ કરેલો. શરૂઆતના સમયમાં કોમ્પ્યુટરના ભાવ જયારે દોઢ થી બે લાખ રૂપિયા હતા તે સમયે વિક્રમભાઈ એસેમ્બલ કોમ્પ્યુટર બનાવતા અને નેવીને પણ સપ્લાય કરતા હતા.

(3:42 pm IST)