Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સૌરાષ્ટ્રમાં કોમ્પ્યુટર યુગનો પાયો નાખનાર વિક્રમભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન

રાજકોટ - સૌરાષ્ટ્રમાં જયારે કોમ્પ્યુટર શું છે તે કોઇ જાણતું પણ ન હતું ત્યારે તેઓ કોમ્પ્યુટર લઈ આવ્યા હતા : વ્હેલી સવારે સિવીયર હાર્ટએટેક આવ્યો : કોંગી આગેવાનોએ પુષ્પાંજલી અર્પી : સાંજે સ્મશાનયાત્રા : અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી અજીતભાઈ ગણાત્રા, નિમીષભાઈ ગણાત્રા અને અકિલા : પરિવારે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી સદ્દગત વિક્રમભાઈના મોટાભાઈ ગૌરવભાઈ કોંગી અગ્રણી છે : પુત્રી તિસ્તા ફ્રાન્સમાં અભ્યાસ કરે છે : પુત્ર ઋષભનું દસેક વર્ષ પહેલા અકાળે અવસાન થયુ હતું : અકિલા ન્યુઝ ડોટ કોમની વેબસાઈટ વિક્રમભાઈએ ૧૯૯૭માં બનાવી હતી : સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રાઃ કાલે શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થનાસભા : કોમ્પ્યુટર - ઈન્ટરનેટ ટેકનોલોજીના નિષ્ણાંતને આખરી સલામ : શ્રદ્ધાંજલી અર્પણ

રાજકોટ : કોમ્પ્યુટર - ઈન્ટરનેટ ટેકનોલોજીના નિષ્ણાંત વિક્રમભાઈ પંડ્યાનું ૫૪ વર્ષની નાની વયે હૃદયરોગનો હુમલો આવતા આજે સવારે દુઃખદ અવસાન થયુ હતું. પુષ્પાંજલી અર્પવા વિક્રમભાઈના નિવાસસ્થાને સગા સંબંધીઓ, મિત્રો તેમજ કોંગી આગેવાનો દોડી ગયા હતા. ઉકત તસ્વીરોમાં ''અકિલા''ના પરીવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ પુષ્પાંજલી અર્પણ કરી દુઃખની લાગણી વ્યકત કરી હતી. વિક્રમભાઈના પરિવારજનોને પણ સાંત્વના આપી હતી. આ તકે જીતુભાઈ ભટ્ટ, પિયુષભાઈ મહેતા, બાલેન્દુભાઈ વાઘેલા સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ : સૌરાષ્ટ્રમાં કોમ્પ્યુટર યુગનો પ્રારંભ કરાવનાર માહેના ટોચના સ્થાને રહેલા શ્રી વિક્રમ પંડ્યા (ઉ.વ.૫૪)નું આજે વ્હેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયુ છે. તેઓ એઆઈસીસીના સભ્ય શ્રી ગૌરવભાઈ પંડ્યાના લઘુબંધુ થાય છે તેમની પુત્રી ફ્રાન્સમાં અભ્યાસ કરી રહી છે, તેમને પણ જાણ કરાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં જયારે કોમ્પ્યુટર શું છે તે કોઈ જાણતુ ન હતું ત્યારે શ્રી વિક્રમભાઈ કોમ્પ્યુટર લઈ આવ્યા હતા. અકિલા ન્યુઝ ડોટ કોમ વેબસાઈટ ૧૯૯૭માં વિક્રમભાઈએ બનાવી આપેલ હતી.

જેપીજી ફોર્મેટમાં અકિલાની વેબસાઈટ તેમણે બનાવી આપેલ જે વિશ્વભરમાં જબ્બર પ્રચલિત બની હતી. આજસુધી વિક્રમભાઈ અકિલાને સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. 'અકિલા' પરિવારના કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, નિમિષભાઈ ગણાત્રા અને સમગ્ર પરીવારે ઘેરા શોકની લાગણી અનુભવી છે.

થોડા સમય પહેલા જ વિક્રમભાઈ અકિલા કાર્યાલયે તેમના પરમમિત્ર અને દેશમાં ટેકનો ક્રાંતિ સર્જનાર શ્રી શામ પિત્રોડા દંપતિ સાથે આવ્યા હતા. અકિલા ન્યુઝ ડોટ કોમ ઉપર તેમની સાથેની લાઈવ મુલાકાત વિશ્વભરમાં હજારો લોકોએ નિહાળી હતી.

હેમંતભાઈ પંડ્યાના ત્રીજા નંબરના પુત્ર વિક્રમભાઈ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. સ્કુલનો અભ્યાસ રાજકોટમાં અને કોલેજનો અભ્યાસ અમદાવાદમાં કરેલ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કમ્પ્યુટર સોફટરવેરના પાયોનિયર કહી શકાય. તેમાનાં ત્રણ વ્યકિતઓમાના એક તેઓ હતા. કોમ્પ્યુટરાઈઝેશનની જાગૃતિ માટે તેઓનું મોટુ યોગદાન હતું. જયારે કોઈને કોમ્પ્યુટરની જાણકારી ન હતી ત્યારે તેઓ વિદેશની કંપનીઓનું જોબવર્ક કરતા ખૂબ સેવાભાવી સ્વભાવના લીધે રાજકોટમાં કેટલાય યુવાનોને સોફટવેર અંગે નિઃશુલ્ક ગાઈડન્સ અને પ્રેકટીસની વ્યવસ્થા તેઓએ પૂરી પાડેલી છે.

વિક્રમભાઈના એક પુત્ર સ્વ. ઋષભનું અકસ્માતે મૃત્યુ થતાં તેમની પાછળ એક ટ્રસ્ટ બનાવી અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના કોર્ષ અને પ્રેકટીસ માટે કોમ્પ્યુટર પૂરા પાડવાની ફ્રી સેવા તેમણે ચાલુ રાખી હતી.

રાજકોટના કોમ્પ્યુટર ઈન્ટરનેટ ટેકનોલોજીના નિષ્ણાંત વિક્રમ હેમંતભાઈ પંડ્યા (ઉ.વ.૫૪)ની સ્મશાનયાત્રા સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી (૨- કલ્યાણ સોસાયટી, ટાગોર રોડ) નીકળશે.

વિક્રમ પંડ્યા કોંગ્રેસ અગ્રણી સ્વ. હેમંતભાઈ પંડ્યા તેમજ લેખિકા અને નાટ્યકાર સ્વ. રમાબેન હેમંતભાઈ પંડ્યાના પુત્ર હતા. અમદાવાદમાં તેમણે ઈજનેરની ડિગ્રી મેળવી હતી અને કોમ્પ્યુટર ક્ષેત્રે અને ઈન્ટરનેટ ક્ષેત્રે મોટુ નામ કાઢ્યુ હતું. જે તે સમયે તેઓએ નેવી સહિતની અનેક જગ્યાએ કમ્પ્યુટરના શરૂઆતના સમયમાં કોમ્પ્યુટર બનાવી સપ્લાય કર્યા હતા. આમ તેઓને કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઈન્ટરનેટ ક્ષેત્રે મોટુ નામ હતું. આ ઉપરાંત તેમને શામ પિત્રોડા સાથે અંગત ઘરોબો હતો અને પરદેશમાં તેમની સાથે કામ કર્યુ હતું. તાજેતરમાં તેઓ રાજકોટ આવ્યા હતા ત્યારે ખાસ મુલાકાત લીધી હતી અને સાથે જ રહ્યા હતા.

સ્વ. વિક્રમભાઈના મોટા ભાઈ ગૌરવ પંડ્યા (વલસાડ) કોંગ્રેસના અગ્રણી છે. તેમના બહેન વેલેન્ટીના વિનોદભાઈ ઉમરાણીયા મહિલા કોલેજમાં પ્રોફેસર છે. તેમના અવસાનથી કોમ્પ્યુટર નિષ્ણાંતની મોટી ખોટ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર ઋષભનું નાની વયે લીમડી પાસે દસેક વર્ષ પહેલા અકસ્માતમાં અકાળે મૃત્યુ નિપજ્યુ હતું. તેમની પુત્રી તીસ્તા હાલ ફ્રાન્સ ખાતે અભ્યાસ કરી રહી છે. તેમની સ્મશાનયાત્રામાં કોંગ્રેસ અગ્રણીઓ, આઈ. ટી. નિષ્ણાંતો જોડાયા હતા.

તેમની પ્રાર્થનાસભા તા.૨૩ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિક્રમભાઈ હેમંતભાઈ પંડ્યા (ઉ.વ.૫૪) તે સ્વ. રમાબેન તથા સ્વ. હેમંતભાઈ પંડ્યાના પુત્ર તથા રેનુબેનના પતિ તે તીષ્તાના તથા સ્વ. ઋષભના પિતા ગૌરવભાઈ પંડ્યા (વલસાડ)ના ભાઈ તેમજ પ્રોફેસર વેલેન્ટીના વિનોદભાઈ ઉમરાણીયાના બહેન તે પર્લ ગૌરવભાઈ પંડ્યાના કાકા તથા ડો. વનાલી વિનોદભાઈ ઉમરાણીયા, આર્કીટેકટ વનશ્રી વિનોદભાઈ ઉમરાણીયાના મામા તેમજ નિમીષાબેન ગૌરવભાઈ પંડ્યાના દિયરનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા તા.૨૨ના રોજ સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાને ''બીલીપત્ર'' શેરી નં. ૨, કલ્યાણ સોસાયટી, ટાગોર રોડ, રાજકોટ ખાતેથી નીકળશે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩ને શનિવારના રોજ ૪:૩૦ થી ૬ રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિક્રમભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન થતાં કોંગ્રેસની આજની મીટીંગ મોકૂફ

કોંગ્રેસ પરિવારના આત્મીયજન અને સૌના પ્રિય શ્રી વિક્રમભાઈ હેમંતભાઈ પંડ્યાના દુઃખદ અવસાનને કારણે આજે બોલાવવામાં આવેલી આગેવાનીની મીટીંગ મોકૂફ રાખવામાં આવેલ છે. હવે પછીની તારીખ હવે જાણ કરવામાં આવશે. તેમ ડો. હેમાંગ વસાવટાની યાદીમાં જણાવાયુ છે.

(3:46 pm IST)