Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પ્રમુખમાર્ગઃ ભકિતનો મારગ

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

ન તપોભિઃ ન વેદૈશ્‍ચ ન જ્ઞાનેનાપિ કર્મણા &

હરિઃ સાધ્‍યતે ભક્‍તયા પ્રમાણં તત્ર ગોપિકાઃ &&

તપથી કે વેદોથી કે જ્ઞાનથી કે વિવિધ કર્મોથી (વિધિ-વિધાનથી) ભગવાનનો સાક્ષાત્‍કાર નથી થતો પણ ભકિતથી જ થાય છે, તેનું પ્રમાણ ગોપીઓ છે.

આ લોકની દ્રષ્ટિએ ગોપીઓએ વનમાં જઈ તપશ્ચર્યા કરવાની કે યોગ સાધવાની વિશિષ્ટ સાધના નહોતી કરી પણ તેઓએ પ્રત્‍યક્ષ ભગવાન શ્રીકૃષ્‍ણ ભગવાનને ઓળખી લીધા, તેમનામાં અખંડ દિવ્‍યભાવ રહ્યો અને મનની બધી જ વૃત્તિ પ્રગટ ભગવાન શ્રીકૃષ્‍ણમાં સતત જોડી દીધી તો પરમસ્‍થિતિને પામ્‍યા.

ભગવાનનું સતત સ્‍મરણ રહેવું તે જ ખરેખર ભક્‍તિ છે. સંત કબીરજીએ કહ્યું છે,: ‘રેન દિન તાર નિરધાર સો ભાગી રહે કહત કબીર તબ ભકિત પાઈ &' રાત-દિવસ એક ભગવાનની સ્‍મૃતિ રહેવી તે સામાન્‍ય સિદ્ધિ નથી. ભગવાનનો મહિમા યથાર્થ સમજાય ત્‍યારે જ આવી ભક્‍તિ થઈ શકે છે.

સુખમાં કે દુઃખમાં, માનમાં કે અપમાનમાં, હાલતા કે ચાલતા, રાત્રે કે દિવસે પ્રમુખસ્‍વામી મહારાજને અખંડ ભક્‍તિ કરતા સૌએ જોયા છે.

કોઈપણ કાર્યમાં તેઓને પ્રથમ ભગવાનની એટલે કે પોતાની સાથે રાખતા ઠાકોરજીની સ્‍મૃતિ રહેતી. જેટલી સંભાળ સામાન્‍ય માનવી દેહની રાખે છે તેટલી અને દ્યણીવાર તો  તેથીય અધિક સંભાળ પ્રમુખસ્‍વામી મહારાજ ઠાકોરજીની લેતા.

૧૯૮૭માં પ્રમુખસ્‍વામી મહારાજ કેદારનાથની યાત્રાએ પધાર્યા હતા. ભગવાન કેદારનાથના દર્શન કરી તેઓ પાછા પધાર્યા ત્‍યારે સેવકોએ ગૌરીકુંડમાં ગરમપાણીમાં સ્‍નાન કરવા વિનંતી કરી. કેદારનાથની યાત્રા પગે ચાલીને કે ડોલીમાં કરવી પડે છે. તેથી થાક તો કોઈપણ વ્‍યક્‍તિને અનુભવાય. ગૌરીકુંડમાં આવેલ કુદરતી ગરમપાણીનો કુંડ ભગવાનની યાત્રિકો ઉપર એક મોટી કૃપા છે. સૌ યાત્રિકો આ ગરમપાણીમાં સ્‍નાન કરી થાક ઉતારે છે. પ્રમુખસ્‍વામી  મહારાજ સાથે પધારેલા સંતો-ભકતો પણ આ કુંડમાં સ્‍નાન કરી થાક ઉતારતા હતા. ત્‍યાં પ્રમુખસ્‍વામી મહારાજને સૌ દોરી ગયા. સૌની વિનંતીથી પ્રમુખસ્‍વામી  મહારાજ કુંડમાં ઉતર્યા પણ સ્‍નાન કરવા બેઠા નહીં, ઊભા જ રહ્યા. તેઓએ સેવકોને જણાવ્‍યુ ‘ઠાકોરજી લઈ આવો.' ઠાકોરજીને લઈને તેઓ કેદારનાથ પધારેલા. તે સમયે ઠાકોરજી તો સિંહાસન પર જ બીરાજેલા હતા. તેઓ ક્‍યાં ચાલ્‍યા હતા કે તેમને થાક લાગે ?  આવો તર્ક સહેજ  જ સૌને થઈ ઉઠે પણ પ્રમુખસ્‍વામી મહારાજ તો દેહ કરતા પણ વધારે સંભાળ ઠાકોરજીની લેતા. તેમણે કહ્યું કે ‘ઠાકોરજીને પણ થાક લાગ્‍યો હોય તેમને સ્‍નાન પહેલા કરાવીએ.'

કળશમાં કુંડના ગરમપાણીમાં થોડું ઠંડું પાણી ઉમેરાવી પ્રમુખસ્‍વામી મહારાજ ઠાકોરજીને અભિષેક કરવા લાગ્‍યા. નાની એવી હરિકૃષ્‍ણ મહારાજની મૂર્તિના અંગો-અંગ ચોળતા તેઓ ગદ્‌ગદ્‌ ભાવે સ્‍નાન કરાવતા રહ્યા. તે દરમ્‍યાન પુરૂષસુક્‍તના મંત્રો બોલાવતા રહ્યા. આ સમયે સૌને મૂર્તિમાન ભક્‍તિના દર્શન હતા.

એકવાર મુંબઈમાં ભક્‍તોની વિનંતીથી પ્રમુખસ્‍વામી મહારાજ સમુદ્રસ્‍નાન માટે પધાર્યા હતા. સમુદ્રમાં સૌ પ્રથમ તેઓએ ઠાકોરજીને સ્‍નાન કરાવ્‍યું. ત્‍યારબાદ સંતો ભક્‍તો સાથે પોતે સ્‍નાન કર્યું. સ્‍નાન કરીને તેઓ ઠાકોરજીના દર્શન કરતા હતા ત્‍યારે સેવકને પૂછ્‍યું ‘ઠાકોરજીને સમુદ્રસ્‍નાન પછી સાદા પાણીથી સ્‍નાન કરાવ્‍યું? સમુદ્રના ખારાપાણીના સ્‍નાન કર્યા બાદ શરીર ચચરે તેથી આ ખ્‍યાલ રાખવો.'

ભરૂચ જિલ્લામાં વિચરણ દરમ્‍યાન ધૂળિયા રસ્‍તે જ મુસાફરી થતી. આ સમયે પણ તેમણે કહેલું કે  ‘ઠાકોરજીને પણ ધૂળ ઉડી હોય, મુસાફરીનો થાક લાગ્‍યો હોય તેથી તેમને બપોરે તથા સાંજે થાળ ધરાવતા પહેલા સ્‍નાન કરાવવું.'

૧૯૮૦ના અમેરિકાના પ્રવાસ દરમ્‍યાન બોસ્‍ટનથી મોતિયાની તપાસ કરાવી પ્રમુખસ્‍વામી મહારાજ ન્‍યુયોર્ક પધારતા હતા. આ આવન-જાવનમાં આઠ કલાકની મુસાફરી થતી હોવાથી તેઓ માટે વાનની વ્‍યવસ્‍થા ભકતોએ કરી હતી. વાનની પાછલી સીટ પર પ્રમુખસ્‍વામી મહારાજને પોઢાડ્‍યા હતા. વાનની ઉપરની બૂથ પર ઠાકોરજીને પેટી જેવા પલંગમાં પોઢાડ્‍યા હતા. પૂરપાટ જતી વાનમાં કંઈક પડ્‍યાનો અવાજ આવ્‍યો. પ્રમુખસ્‍વામી મહારાજ સફાળા બેઠા થઈ ગયા. ઠાકોરજી પલંગ સહિત ઉપરથી નીચે પડી ગયા હતા. પ્રમુખસ્‍વામી મહારાજ આ જોઈ હેબતાઈ ગયા. તપાસ કરતા ખ્‍યાલ આવ્‍યો કે ઠાકોરજી પલંગ પર જ છે. પણ પડખાભેર આડા થઈ ગયા હતા. પરંતુ પ્રમુખસ્‍વામી મહારાજની આંખમાં આંસુ ઉભરાઈ આવ્‍યા. વારંવાર ઠાકોરજીની મૂર્તિ પર હાથ ફેરવતા ‘મહારાજ માફ કરો, માફ કરો...' બોલવા લાગ્‍યા અને ચાલુ વાનમાં જ નાદુરસ્‍ત તબિયતમાં પણ ઠાકોરજીને પચ્‍ચીસ જેટલા દંડવત્‌ પ્રણામ કર્યા. ઠાકોરજીનું દુઃખ તેઓ રુંવાડે રુંવાડે અનુભવતા હતા.

એકવાર કોઈએ કહ્યું કે ‘આપ ઠાકોરજીનું બહુ ધ્‍યાન રાખો છો.' ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજનો જવાબ હતો કે  ‘આપણે શું ધ્‍યાન રાખીએ છીએ? એ આપણું ધ્‍યાન રાખે છે. જે કંઈ છે તે હરિકૃષ્‍ણ મહારાજ જ છે. આપણે તેના દાસ છીએ.'

ભગવાનની આવી ભકિત કરીને પ્રમુખસ્‍વામી મહારાજે આપણા માટે ભક્‍તિમાર્ગ કંડારી આપ્‍યો છે તે સૌના માટે પ્રમુખમાર્ગ છે.(૩૦.૭)

સાધુ નારાયણમુનિદાસ

(3:21 pm IST)