Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જામનગરની જી.જી. હોસ્‍પિટલને હેમેટોલોજી એનેલાઈઝર અને અત્‍યાધૂનિક ઈલેકટ્રોલાઈટ એનેલાઈઝર મશીન અર્પણ

કલાકના ૬૦થી વધુ રીપોર્ટની ક્ષમતાઃ રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઈમનું અનુદાન

રાજકોટ,તા.૨૨: રોટરી રાજકોટ પ્રાઈમ દ્વારા હેમેટોલાઈટ એનાલાઈઝર મશીન અને ઈલેકટ્રોલાઈટ એનાલાઈઝર મશીન જામનગરની સિવીલ (જી.જી.હોસ્‍પિટલ) હોસ્‍પિટલમાં ડોનેશન કરવામાં આવેલ છે.

અંદાજીત ખર્ચ રૂા.૬,૬૦,૦૦૦/- (છ લાખ સાઈઠ હજાર પૂરા)ના પ્રોજેકટ તળેના મશીનોનું ઓપનિંગ રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઈમના પ્રેસિડેન્‍ટ મેહુલભાઈ જામંગ દ્વારા કરવામાં આવેલ.

હિમેટોલોજી એનાલાઈઝર મશીનનો ઉપયોગ સંપૂર્ણ બ્‍લડ ટેસ્‍ટ (સીબીસી) કરવા માટે થાય છે, જે સામાન્‍ય રીતે દર્દીની સામાન્‍ય આરોગ્‍ય સ્‍થિતી નકકી કરવા માટે ડોકટરો દ્વારા કરાયેલ પ્રથમ ટેસ્‍ટ છે. સંપૂર્ણ  બ્‍લડ ટેસ્‍ટ માટે RBC , WBC, હિમોગ્‍લોબિન અને પ્‍લેટલેટની ગણતરીઓ તેમજ હિમેટોક્રિટ સ્‍તરનો સમાવેશ થાય છે. આ મશીન એક કલાકમાં ૬૦થી વધુ રિપોર્ટની ક્ષમતાં ધરાવે છે.

ઈલેકટ્રોલાઈટ એનાલાઈઝર મશીન જેનો ઉપયોગ માનવ શરીરમાં ઈલેકટ્રોલાઈટ્‍સ  માપવા માટે થાય છે. તેઓ મુખ્‍યત્‍વે સમગ્ર રકત, સીરમ અથવા પ્‍લાઝમામાં સોડિયમ, પોટેશિયમ અને કલોરાઈડના જથ્‍થાત્‍મક માપન માટે વપરાય છે.

આ તકે જીજી હોસ્‍પિટલ, જામનગરના ડીન, મેડિકલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ અને તમામ વરિષ્‍ઠ ડોકટરોએ ખાસ ઉદ્‌ઘાટન સમારોહનું આયોજન કર્યુ  અને રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઈમનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત કર્યુ.

આ મશીનથી દરરોજ અંદાજે ૩૦૦થી વધુ દર્દીનું નિદાન ઝડપથી અને કાર્યક્ષમ રીતે થઈ શકાશે.

આ કાર્યક્રમ માટે રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઈમ તરફથી ખાસ જામનગર હાજરી આપેલ પ્રેસિડેન્‍ટ મેહુલ જામંગ, સેક્રેટરી ક્રીડન પંડીયા, રોટેરિયન વ્‍યોમેશ  દ્વિવેદી, રોટેરિયન તુષાર સિમરિયા, રોટેરિયન સીએ પરીન પટેલ, રોટેરિયન રાજન પોપટ તથા ઈરવિન હોસ્‍પિટલ જામનગર તરફથી ડો.વિજય સાતા, ડો.મનીષ મહેતા તથા ડો.ધારા ત્રિવેદીની ખાસ ઉપસ્‍થિતિ હતી.

(11:50 am IST)