Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

હું ભટકી ગયો હતો, આપવાળા ‘કટ્ટર ઇમાનદાર' નહી ‘કટ્ટર ભ્રષ્‍ટાચારી' છે : ઇન્‍દ્રનીલ રાજગુરુએ જાહેરસભામાં કોંગ્રેસની માફી માગી

મારા સમગ્ર પરિવારની નસેનસમાં કોંગ્રેસ વસે છે પણ હું દોરવાઇ ગયો હતો : આજીવન કોંગ્રેસી બની રહીશ

રાજકોટ : પૂર્વની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજગુરુએ ગઇકાલે રાહુલ ગાંધીની જાહેરસભામાં જાહેરમાં હજારો લોકોની વચ્‍ચે કોંગ્રેસની નેતાગીરી સમક્ષ પોતે થોડો સમય આપમાં જોડાયા હતા તે બદલ માફી માગી હતી અને હવે પોતે આજીવન કોંગ્રેસી બની રહેશે તેવું વચન આપ્‍યું હતું. ઇન્‍દ્રનીલભાઇની આ સરળતા કોંગી દિગ્‍ગજ રાહુલ ગાંધીને સ્‍પર્શી ગઇ હતી અને આવી નિખાલસતા દર્શાવવાની હિંમત દાખવવા બદલ અભિનંદન આપ્‍યા હતા.

કોંગ્રેસના તેજતર્રાર નેતાએ શરૂઆતમાં જ કોંગ્રેસની અને રાહુલ ગાંધીની માફી માગી હતી. તેમણે કહ્યું કે, ‘હું ખોટી જગ્‍યાએ ભટકી ગયો હતો. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી. વચ્‍ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્‍યો ગયો હતો ત્‍યાં જઇ ખબર પડી કે, વો કટ્ટર ઇમાનદાર નહિ હૈ, વો કટ્ટર ભ્રષ્‍ટાચારી હૈ, વો કટ્ટર દેશ ભક્‍ત નહી હૈ, વો દેશ વિરોધી હૈ.'

ઇન્‍દ્રનીલભાઇની આટલી નિખાલસતા સ્‍ટેજ ઉપર બેઠેલા નેતાઓ અને તેમણે સાંભળી રહેલા હજારો લોકોને સ્‍પર્શી ગઇ હતી. રાહુલજીએ જીત માટે શુભેચ્‍છા આપી હતી.

ઇન્‍દ્રનીલ રાજગુરુ થોડા સમય પહેલા આપમાં જોડાયા હતા અને રાષ્‍ટ્રીય જોઇન્‍ટ સેક્રેટરી બન્‍યા હતા. તેમણે આપનો પ્રચાર પણ કર્યો હતો પરંતુ પછી કેજરીવાલ અને અન્‍ય નેતાઓની વાસ્‍તવિકતા જાણી જતા તેઓએ આપમાંથી રાજીનામુ આપી દીધું હતું. આપ છોડયા પછી થોડા સમય પહેલા તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા અને કોંગ્રેસે પણ તેમનામાં વિશ્વાસ મુકીને તેમને રાજકોટ - પૂર્વની મહત્‍વની ટીકીટ પણ આપી હતી. શ્રી રાજગુરૂ ૨૦૧૨નું પુનરાવર્તન કરે તેવી ભારે ચર્ચા થઇ રહી છે.

રાહુલજીની સભામાં સ્‍ટેજ પર કેન્‍દ્રીય કોંગી નેતાઓ કે.સી. વેણુગોપાલ, મિલિન્‍દ દેવરા, ડો. રઘુ શર્મા, રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ રાઠોડ, રાજ્‍યસભાના સભ્‍ય શકિતસિંહ ગોહિલ, પોરબંદરના કોંગી ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ કોંગી અધ્‍યક્ષ સિધ્‍ધાર્થ પટેલ સહિતના નેતાઓ ઉપસ્‍થિત હતા.

(3:12 pm IST)