News of Friday, 22nd November 2019
રાજકોટ , તા., રરઃ રાજકોટના જાણીતા વેપારી ભવાની આર્ટના માલીક નિતેષચંદ્રભાઈ પાલાએ આણંદ મુકામે આવેલ નેકસ્ટ ઓમ જવેલર્સના માલીક નિરાલી યોગેશભાઈ સોનીને તેઓની માંગણી મુજબ રૂ.૨,૬૦,૦૦૦/- ના સોનાના દાગીના મોકલેલ હતા જે લેણી રકમ પેટે નિરાલી યોગેશ સોનીએ નેકસ્ટ ઓમ જવેલર્સના માલીક દરજજે ધંધાકીય વ્યવહાર પેટે રૂ.૧,૩૦,૦૦૦/- નો ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતાં ફરીયાદીએ જયુડી. મેજી. કોર્ટ, રાજકોટમાં સને-૨૦૧૮ ની સાલમાં ફરીયાદ તેમના એડવોકેટ મારફત કરેલ હતી, જે કેસ ચાલી જતાં જયુડી. મેજી. (સ્પે. નેગોશીએબલ) કોર્ટ, રાજકોટ દ્વારા આરોપી નિરાલી યોગેશ સોની, આણંદવાળાને સજા ફટકારેલ હતી.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, સને-૨૦૧૮ ની સાલમાં રાજકોટની જાણીતી ભવાની આર્ટના નામથી ચાલતી પ્રોપરાઈટરી પેઢીના માલીક નિતેષ ચંદ્રભાઈ પાલાએ આણંદ મુકામે આવેલ મેસર્સ નેકસ્ટ ઓમ જવેલર્સના માલીક નિરાલી યોગેશ સોની સાથે ધંધાકીય વ્યવહાર પેટે સોનાના દાગીનાઓ મોકલેલ હતો જે પેટે ફરીયાદીને આરોપી પાસેથી કુલ રૂ.૧,૩૦,૦૦૦/- જેટલી મોટી રકમ લેવાની બાકી નીકળતી હોય જે પેટે અવારનવાર માંગણી કરતાં આરોપી દ્વારા ફરીયાદીને રૂ.૧,૩૦,૦૦૦/- નો ચેક આપવામાં આવેલ હતો આ ચેકની રકમ વસુલાત ન થતાં ફરીયાદીએ આરોપી સામે રાજકોટની અદાલતમાં સને-૨૦૧૮ ની સાલમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી જે ફરીયાદના અનુસંધાને આરોપી કોર્ટમાં હાજર થઈ સમાધાનના વિવિધ બહાનાઓ તળે અવારનવાર મુદતો લઈ સતત ગેરહાજર રહેતા હતા. આ સમય દરમિયાન અદાલતે આરોપીની વર્તણુકને ધ્યાને લઈ આગળની કાર્યવાહી ચાલુ રાખતાં ફરીયાદ પક્ષ દ્વારા અલગ અલગ હાઈકોર્ટોના જજમેન્ટો રજુ કરેલ હતા અને કાયદેસરનું વેપારી લેણું છે તે અંગેના પુરાવાઓ રજુ કરતાં મેસર્સ નેકસ્ટ ઓમ જવેલર્સના માલીક નિરાલી યોગેશ સોનીને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને અલગથી વળતરની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે ધારાશાસ્ત્રીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, તુષાર એન. ધ્રોલીયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.