Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ક્રિસ્ટલ મોલમાં પરિવારજનો સાથે ફિલ્મ જોવા ગયેલી બાળાને જોઇ અભદ્ર શબ્દ બોલાયા બાદ બઘડાટીઃ સામ-સામી અરજીઓ

સામા કાંઠાના વેપારીએ દિકરીને જોઇ કોમેન્ટ કરનારા બે શખ્સોને સમજાવતાં ચડભડઃ બધા ફિલ્મ જોવા બેસી ગયા પછી બહાર બોલાવી હુમલો : ધમાલને પગલે ક્રિસ્ટલ મોલ પર અને બાદમાં યુનિવર્સિટી પોલીસ મથક પર ટોળેટોળાઃ મોડી રાતે મામલો શાંતઃ પોલીસ ફૂટેજ ચેક કર્યા બાદ કાર્યવાહી કરશે : સામા પક્ષે હોસ્પિટલમાં દાખલ મુળ પોરબંદરના સાવન પરમારે કહ્યું-ગુલાબી ટી-શર્ટ ખરીદવાની વાત બે મિત્રો કરતા'તા એમાં ગેરસમજ થતાં હુમલો થયો...

જ્યાં ડખ્ખો થયો તે મોલ, અંદર સીસીટીવી ફૂટેજમાં ધમાલના દ્રશ્યો, પોલીસ બંદોબસ્ત ,પોલીસ મથક બહાર ટોળુ અને હોસ્પિટલમાં દાખલ સાવન (માથા નીચે હાથ છે તે) તથા મિત્ર રવિ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨: કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં રાતે આઠથી દસના શોમાં ફિલ્મ જોવા ગયેલા સામા કાંઠાના આહિર પરિવારજનોની ૧૨ વર્ષની દિકરીએ પહેરેલા કપડા જોઇને મોલમાં ઉભેલા બે શખ્સોએ અભદ્ર શબ્દ બોલતાં બાળાના પિતાએ બંનેને સમજાવી ઠપકો આપ્યા બાદ બધા ફિલ્મ જોવા બેસી ગયા એ પછી બાળાના પિતાને એક શખ્સે બહાર બોલાવી ચડભડ કર્યા બાદ બીજા સાત-આઠ શખ્સોએ મળી હુમલો કરતાં અને વચ્ચે પડેલા તેના પુત્ર, પત્નિ સહિતના પરિવારજનો સાથે પણ ઝપાઝપી કરી લેવાતાં ભારે ધમાલ મચી ગઇ હતી. મામલો ગરમ થઇ જતાં માથાકુટ કરનારા તરફથી બીજા યુવાનોના ટોળા ઉમટી પડતાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતાં. સામા પક્ષે પોરબંદરનો અને હાલ રાજકોટ રહી અભ્યાસ કરતો યુવાન પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. પોલીસે બંને પક્ષની અરજી નોંધી છે. એક તબક્કે વાત વણસી ગઇ હતી. મોડી રાતે પોલીસે મામલો શાંત પાડ્યો હતો.

સામા કાંઠાના વેપારીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે  હું મારા પત્નિ અને પુત્રી તથા પુત્ર તેમજ મારા બહેન-બનેવી સહિતના પરિવારજનો સાંજે આઠથી દસના શોમાં ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતાં. અમે ઉપરના માળે ચાલીને જતાં હતાં ત્યારે ત્યાં ઉભેલા બે છોકરાઓએ મારી બાર વર્ષની દિકરીએ પહેરેલા કપડા જોઇ 'ગુલાબી' એવો શબ્દ બોલી અભદ્ર કોમેન્ટ કરતાં મેં તેમને આ દિકરીને જોઇ તમને આવું બોલતા શરમ નથી આવતી? તેમ કહી પિતા તરીકે સમજાવી ઠપકો આપ્યો હતો.

એ પછી અમે ટિકીટ બારીએ ઓનલાઇન બૂકીંગ હોઇ ટિકીટ કન્ફર્મ કરી અંદર ફિલ્મ જોવા બેસી ગયા હતાં. ત્યારબાદ એક શખ્સ આવ્યો હતો અને 'સર તમને બહાર બોલાવે છે' એવું કહેતાં હું મોલમાં પોપકોર્ન ફાસ્ટફૂડ વેંચાય છે ત્યાં ગયો હતો. પાછળ મારો સગીર વયનો દિકરો પણ આવ્યો હતો. એ વખતે ત્યાં સાત-આઠ શખ્સો હતાં અને સીધા જ મારી સાથે તૂકારાથી વાતો કરી ગાળાગાળી કરવા માંડતા મેં તેને સભ્યતા રાખવા અને ગાળો નહિ બોલવા સમજાવતાં મારામારી ચાલુ કરી દીધી હતી. મને તથા મારા પુત્રને પણ મારકુટ કરતાં અમે પ્રતિકાર કરતાં પાંચેક શખ્સો ભાગી ગયા હતાં.

બાકીના બે-ત્રણ છોકરા ઉભા હતાં તેણે શાંતિથી વાત કરી હતી. મેં તેને સમજાવ્યા હતાં કે ખરેખર શું બન્યું હતું. ત્યાં જ બીજા ૧૫-૧૭નું ટોળુ આવી ગયું હતું. એ વખતે મારા પત્નિ સહિતના પણ બહાર આવી ગયા હોઇ અમારા બધા પર આ શખ્સોએ હુમલો કર્યો હતો. કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી જતાં બધા ભાગી ગયા હતાં. એ પછી અમે યુનિવર્સિટી પોલીસ મથકે ગયા હતાં અને અરજી આપી હતી. તે વખતે પોલીસ મથકના ગેઇટ પર પણ સોએક છોકરાઓનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. હાલ તો અમે અરજી આપી છે. પોલીસ ફૂટેજ જોયા બાદ આગળ કાર્યવાહી કરશે.

બીજી તરફ મુળ પોરબંદરનો અને હાલ ગોંડલ રોડ આંબેડકરનગરમાં રૂમ રાખી મિત્ર સાથે રહેતો અને સિપ્રા કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતો સાવન રાજેશભાઇ પરમાર (વણરકર) (ઉ.૨૦) પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને પોતાને ક્રિસ્ટલ મોલમાં મહેશભાઇ સોનારા સહિતે પાઇપ ઢીકાપાટુનો માર માર્યાનું કહેતાં તે મુજબની એન્ટ્રી ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી છે. સાવને એવું કહ્યું હતું કે હું અને મારો મિત્ર મુળ કોડીનારનો રવિ ધીરૂભાઇ વારજીયા ક્રિસ્ટલ મોલમાં કપડા ખરીદવા ગયા હતાં અને કપડા જોતા હતાં ત્યારે રવિએ મને પિન્ક ટીશર્ટ અને જીન્સ સારુ લાગશે તેમ કહેતાં તે વખતે જ એક છોકરી ત્યાંથી નીકળી હશે અને તેના પિતા કે વડિલ અમારી વાત સાંભળી અમે છેડતી કરી એવું સમજતાં માથાકુટ થઇ હતી અને મારામારી કરવામાં આવી હતી. પોતાને ઇજા થઇ હોઇ પોતે સારવાર માટે દાખલ થયો હતો.  તેણે અરજી કરી તેમાં પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે. બનાવને પગલે ભારે ગરમા ગરમી થઇ ગઇ હતી અને ટોળેટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતાં. પી.આઇ. આર. એસ. ઠાકર તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમોએ મોડી રાતે મામલો શાંત પાડ્યો હતો. બંને પક્ષને સાંભળી, સીસીટીવી ફૂટેજ જોયા બાદ આગળ કાર્યવાહી થશે તેમ જાણવા મળે છે.

(1:01 pm IST)
  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • સ્કૂલે જતા 10 બાળકોમાંથી 1 ને ડાયાબિટીસ : સુગર, ચોકલેટ, તથા મીઠાઈ તથા જંક ફુડનું અધિક સેવન અને શ્રમનો અભાવ જવાબદાર : સ્વાસ્થ્ય મંત્રાલયનો સર્વે access_time 11:58 am IST