Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સિનર્જી હોસ્પિટલમાંથી બે કર્મચારીએ ૭.૩૦ લાખની ચોરી કરી!

બિલીંગ વિભાગમાં કામ કરતાં દેવનગરના વિજય રાઠોડે દેણું થઇજતાં પૈસાની જરૂર છે, પાછા આપી દેશે તેવું કહી મહિલા કર્મચારી કિરણ કારીયાને ભોળવતાં તેણીએ એક વખત રોકડ આપીઃ પછી બે વખતે વિજયએ ખાના-તિજોરમાંથી રોકડ ચોરી લીધીઃ ગાંધીગ્રામ પોલીસે ડો. સુરસિંહ બારડની ફરિયાદ પરથી ગુનો નોંધ્યોઃ બંને આરોપીની પુછતાછ

રાજકોટ તા. ૨૧: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોકમાં આવેલી સિનર્જી હોસ્પિટલમાં બિલીંગ વિભાગમાં કામ કરતાં એક યુવાન અને એક મહિલા કર્મચારીએ મળી બિલીંગમાં આવેલી રકમ રૂ. ૭,૩૦,૦૦૦ ચોરી લેતાં બંને સામે ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પોલીસે દેવનગરમાં રહેતાં શખ્સ અને મુંજકા રહેતી મહિલા સામે ગુનો નોંધી બંનેની પુછતાછ હાથ ધરી છે. યુવાને પોતાને દેણું થઇ ગયું હોઇ પૈસાની જરૂર હોઇ થોડા દિવસમાં પાછા આપી દેશે તેવી વાત કરી મહિલા કર્મચારીનો ભોળવી કટકે-કટકે બે વખત પૈસા લઇ લીધા બાદ તિજોરીનો પાસર્વડ મેળવી રાત્રીના સમયે આવી ત્રીજી વખત રોકડ કાઢી લીધાનું સીસીટીવી કેમેરાને આધારે સામે આવ્યું હતું.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે  ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોકથી આગળ સિનર્જી હોસ્પિટલ નજીક કલાઉડ નાઇન ફલેટ નં. બી-૧૦૦૪માં રહેતાં અને સિનર્જી હોસ્પિટલમાં સેન્ટર હેડ તરીકે આઠ વર્ષથી નોકરી કરતાં ડો. સુરસિંહ ભાવસિંહ બારડ (ઉ.૩૫)ની ફરિયાદ પરથી આ હોસ્પિટલમાં જ નાના મવા રોડ દેવનગર-૧માં રહેતાં વિજય કાંતિલાલ રાઠોડ તથા મુંજકા ટીટોડીયા કવાર્ટર ૧૫૭માં રહેતાં કિરણબેન દિનેશ કારીયા સામે આઇપીસી ૩૮૧, ૧૧૪ મુજબ એકબીજાની મદદ કરી હોસ્પિટલના બિલીંગ વિભાગમાં નોકરી દરમિયાન તિજોરી તથા ટેબલના ખાનામાંથી રૂ. ૭,૩૦,૦૦૦ની ચોરી કરવા સબબ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

ડો. સુરસિંહ રાઠોડે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મુળ ગીર સોમનાથના સુત્રાપાડાના છગીયા ગામનો વતની છું. મારા પરિવાર સાથે હાલ રાજકોટ રહુ છું અને આઠ વર્ષથી અયોધ્યા ચોક પાસે આવેલી સિનર્જી હોસ્પિટલમાં સેન્ટર હેડ તરીકે નોકરી કરૂ છું. મારી ફરજમાં હોસ્પિટલનો તમામ વહિવટી વિભાગ આવે છે, તેની કામગીરી સંભાળવી અને દેખરેખ રાખવાનું મારું કામ છે. મારી નોકરીનો સમય સવારના ૧૦થી સાંજના ૬:૩૦ સુધીનો છે.

બુધવારે સવારે હું સિનર્જી હોસ્પિટલ ખાતે મારી નોકરીએ આવ્યો તે વખતે મારા બિલીંગ વિભાગના કર્મચારી રોની જોન ડિલીમા તથા ઓપરેશન વિભાગની કામગીરી સંભાળતા કોૈશલભાઇ મારૂએ મારી પાસે આવીજાણ કરી હતી કે આપણા બિલીંગ વિભાગમાં રૂપિયાનો હિસાબ મેળતાં રૂ. ૭,૩૦,૦૦૦નો હિસાબ મળતો નથી. આથી અમે બિલીંગ વિભાગમાં કામ કરતાં અને રૂપિયાનો વહિવટ સંભાળતા કિરણબેન દિનેશભાઇ કારીયાને પુછતાં તેણે કહ્યું હતું કે તા. ૧૦/૧૧/૧૯ના રોજ બપોરે બે વાગ્યે સાથે બિલીંગ વિભાગમાં કામ કરતાં વિજયભાઇ રાઠોડે પોતાને પૈસાની જરૂર હોઇ બિલીંગના પૈસા આવેલ છે તેમાંથી આપવા અને બાદમાં રૂપિયા પરત આપી દેશે તેમ કહેતાં તેણીએ તેને રૂ. બે લાખ આપ્યા હતાં.

કિરણબેને આગળ જણાવ્યું હતું કે બીજા દિવસે હું જમવા ગઇ ત્યારે મેં ટેબલની ચાવી વિજયભાઇને આપી હતી અને કહ્યું હતું કે પૈસા સરખા રાખી દેજો. એ પછી હું જમીને આવી અને ટેબલમાં જોતાં જેટલા પૈસા મેં રાખ્યા હતાં તેમાં ઓછા હતાં. આ અંગે વિજયભાઇને પુછતાં તેણે ફરીથી ૩ લાખ લીધા હોવાનું અને એક-બે દિવસમાં પાછા મુકી દેશે તેમ કહ્યું હતું. જેથી મેં કોઇને હોસ્પિટલમાં જાણ કરી નહોતી.

ત્યારબાદ વિજયભાઇએ બિલીંગ વિભાગમાં રાખાવમાં આવેલી તિજોરીનો પાસવર્ડ માંગતા મેં તેને પાસવર્ડ પણ આપ્યો હતો. વિજયભાઇ એ પછી રજા ઉપર ઉતરી ગયા હતાં. તેનો સંપર્ક થઇ શકયો નહોતો. કિરણબેને આ માહિતી આપ્યા બાદ મેં (ડો. સુરસિંહે) હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતાં વિજયભાઇએ ૧૬/૧૧ના રાતે પોણા અગિયાર વાગ્યે બિલીંગ વિભાગમાં  આવી તિજોરીમાંથી પૈસા કાઢ્યાનું દેખાયું હતું. જેથી ખબર પડી હતી કે બાકીના ૨,૩૦,૦૦૦ પણ તે લઇગયો હતો. આમ કુલ રૂ. ૭,૩૦,૦૦૦ની ચોરી થઇ હતી.

આ બનાવની મેં બાદમાં હોસ્પિટલના સંચાલકોને જાણ કરી હતી. બિલીંગ વિભાગમાં તિજોરીનો પાસવર્ડ માત્ર કિરણબેન પાસે જ રહેતો હતો. ટેબલના ખાનાની ચાવીઓ પણ તે સંભાળતા હતાં. તેણે અને વિજયભાઇએ મળી હોસ્પિટલના બિલીંગના પૈસા એકબીજાને મદદ કરી ગેરકાયદેસર રીતે કાઢી લીધા હોઇ બંને સામે ફરિયાદ નોંધાવવાનું નક્કી થતાં અમે પોલીસને જાણ કરી હતી.

વિજય કાંતિલાલ રાઠોડ દેવનગર-૧માં રહે છે અને કિરણ દિનેશભાઇ કારીયા મુંજકા ટીટોડીયા કવાર્ટરમાં રહે છે. ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, રશ્મીનભાઇ, હીરાભાઇ અને ડી. સ્ટાફની ટીમે તપાસ હાથ ધરી બંનેની પુછતાછ હાથ ધરી છે.

(3:20 pm IST)