Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વિશેષાંક અવલોકન ધન્વી માહીં

માહિતી ખાતા દ્વારા કાવ્ય, નવલિકા, નાટક, હસ્ય લેખોથી સભર દળદાર દીપોત્સવી અંક પ્રકાશિત

રાજય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ દીપાવલી પૂર્વે 'ગુજરાત દીપોત્સવી અંક' પ્રસિધ્ધ કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ વિક્રમ સંવત ૨૦૭૪ નો દળદાર અને માહીતીઓથી રસપ્રચુર અંક પ્રસિધ્ધ કરેલ છે. અશોક કાલરીયાના તંત્રી સ્થાને અને અરવિંદ પટેલના સહતંત્રી તથા પુલક ત્રિવેદીની સંપાદક તરીકેની સેવાઓ સાથે કુલ ૫૪૮ પાના પ્રસિધ્ધ કરાયેલ આ અંકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની કલમે શુભેચ્છા સંદેશ સાથે વૈવિધ્ય સભર સામગ્રી પીરસવામાં આવી છે. ૨૩ જેટલા અભ્યાસ લેખોમાં ગુણવંત શાહ, વિષ્ણુ પંડયા, ડો. બળવંત જાની, જય વસાવડા, ડો. ભગવાનદાસ પટેલ, દોલત ભટ્ટ, વી. એસ. ગઢવીની કલમે લખાયેલ લેખો આવરી લેવામાં આવ્યા છે.

જયારે નવલિકા સંપુટમાં ભગવતીકુમાર શર્મા લિખિત 'પાંખો', મહમ્મદ માંકડ લિખિત 'શ્રધ્ધા', ડો. દિનકર જોષી લિખિત 'વાત એક રાતની', વર્ષા અડાલજા લિખિત 'એ.સી. બેડરૂમ', રજનીકુમાર પંડયા લિખિત 'બીજી બાંયધરી', મોહનલાલ પટેલ લિખિત 'પાટી' સહીતની રચનાઓ રજુ થઇ છે. ઉપરાંત નટવર પટેલ, દશરથ પરમાર, માવજી મહેશ્વરી, રેખાબા સરવૈયા, પ્રવિણ ગઢવી સહીત લેખકોની મળીને ૩૩ નવલિકાઓ રજુ થઇ છે.

વિનોદિકા સંપુટમાં રતિલાલ બોરીસાગર, નિરંજન ત્રિવેદી, પ્રવીણ દરજી, હર્ષદ પંડયા, હરીકૃષ્ણ પાઠક, પરાગ મ. ત્રિવેદી, ડો. જગદીશ ત્રિવેદી, અધીર અમદાવાદી, જીતેન્દ્ર ઠકકર જેવા ધુંવાધાર હાસ્ય લેખકો દ્વારા લખાયેલ ૨૦ જેટલા લેખો આલેખવામાં આવ્યા છે.

નાટીકા સંપુટમાં પ્રકાશ લાલા કૃત 'સાવ અચાનક', વિનોદ સી. દવે કૃત 'ષડયંત્ર', રવીન્દ્ર પારેખ કૃત 'ભાઇની બાઇ', શૈલેષ ટેવાણી કૃત 'તે અહીં છે' અને દુર્ગેશ ઓઝા કૃત 'ગુગલનો બાપ'નો સમાવેશ કરાયો છે.

કાવ્ય સંપુટમાં રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, ભાનુપ્રસાદ ત્રિવેદી, રાજેન્દ્ર શુકલ, માધવ રામાનુજ, વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, રાજેશ વ્યાસ, હરીશ મીનાશ્રુ, મણીલાલ પટેલ, ધીરેન્દ્ર મહેતા, નીતિન વડગામા, યોગેશ જોષી, ધૂની માંડલિયા સહીતના સર્જકોની ૯૪ જેટલી કૃતિઓ આ અંકમાં રજુ કરવામાં આવી છે.

ઉપરાંત કલરફુલ મોહક ફોટોગ્રાફસ અને ચિત્રો અંકને વધુ રોચક બનાવી રહ્યાછે.

મુલ્ય : રૂ. ૪૦ રાખેલ છે. વિતરણ વ્યવસ્થા ઇશ્વર ઠાકોર, જયેશ દવે, કીર્તી પરમાર, રમેશ પરમાર, પ્રકાશન શાખા ગાંધીનગર તથા જિલ્લા માહીતી કચેરીઓ દ્વારા સંભાળવામાં આવી છે.

(4:49 pm IST)