Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

SBIની ૧૫૦ ફૂટ બ્રાન્ચનો વહીવટ તપાસવા યોગ્ય : અનેકવિધ મુશ્કેલીઓના ઢગલા

સ્ટેટ બેન્કની ૧૫૦ ફૂટ રીંગ રોડ શાખામાં ગ્રાહકોને થતી હેરાનગતિમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એક કામ માટે ૩ દિવસ સુધી ધક્કા ખવડાવ્યા પછી પણ કામ પૂરૂ થતુ નથી. બપોરે રીસેષ ભોગવવા બધો સ્ટાફ એક સાથે ચાલ્યો જતો હોવાથી રેઢા રાજ જેવુ થઈ જાય છે. બેન્કની સીંગલ વિન્ડો સિસ્ટમના ધજાગરા ઉડાડી દેવાતા જોવા મળે છે. કાઉન્ટર પરના કલાર્ક રીસેશ ભોગવીને આવે ત્યાં સુધી બેન્કનું કામકાજ ઠપ્પ થઈ જાય છે.

શાખાના મેનેજર પણ હાજર હોતા નથી અને જો હાજર હોય અને કોઈ ગ્રાહક રજૂઆત કરવા જાય તો કાઉન્ટર કલાર્ક આવે પછી જ કામ થશે તેવુ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દયે છે. ફરીયાદ કરવા માટે રીજીયન ઓફીસનો કોન્ટેક નંબર કે પોતાનું નામ આપવાનો પણ ઈન્કાર કરી દયે છે. બ્રાંચમાં સીનીયર સીટીઝનો માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. બાંધી મુદતની થાપણ ઉપરના વ્યાજ માટેના દરનંુ બોર્ડ પણ ખાલી જોવા મળે છે. બેન્કની નીચે આવેલા એટીએમ મશીન ઉપર પણ ધુળના ઢગ જોવા મળે છે. જેમાં ઘણી વખત પૈસા પણ હોતા નથી. પાસબુક પ્રિન્ટર અવારનવાર બંધ હાલતમાં હોય છે.

દેશની સૌથી મોટી ગણાતી આ બેન્કની ઉપરોકત શાખાનો વહીવટ બેન્કની છબી ખરડાવનારો બની રહ્યો હોવાથી ઉચ્ચ અધિકારીઓ આ અંગે તાત્કાલીક ઘટતુ કરે તેવી ગ્રાહકોની લાગણી છે.

(3:21 pm IST)