Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કોઠારીયા રોડ પર ગૂંડાગીરી સામે વેપારીઓમાં રોષઃ બંધ પાળી પોલીસ કમિશ્નરને આવેદન

કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની આગેવાનીમાં ઘાયલ વેપારીના કુટુંબીજનો પણ રજૂઆતમાં જોડાયાઃ દારૂડીયા તત્વોની સતત રંજાડઃ પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગણી

રાજકોટઃ ગત સાંજે હુડકો બસ સ્ટોપ પાસે પટેલ વેપારી ભૂપતભાઇ વાગડીયા પર ચાર શખ્સોએ હીચકારો હુમલો કર્યાની ઘટનાના આ રોડના વેપારીઓમાં ઘેરા પડઘા પડ્યા છે. આજે સવારથી બપોર સુધી પચાસથી વધુ વેપારીઓએ પોતાના વેપાર-ધંધા રોષભેર બંધ રાખ્યા હતાં અને બપોરે વોર્ડ નં. ૧૭ના કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી લુખ્ખાગીરી-ગૂંડાગીરી કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવાયું છે કે સાંજ પડતાં જ દારૂડીયા તત્વો દૂકાનો આસપાસ અડ્ડો જમાવી બેસી જાય છે. સાંજના સાતથી મોડી રાત સુધી આવા તત્વો પડ્યા પાથર્યા રહે છે અને વેપારીઓને તથા આવતા જતાં લોકોને કારણવગર કનડગત કરે છે. કોઇને શાંતિથી ધંધો કરવા દેતા નથી. દારૂ, ગાંજો, અફીણ સહિતના નશીલા પદાર્થો જાહેરમાં વેંચાય છે અને સેવન થાય છે. પોલીસ આવા તત્વોને શા માટે પકડતી નથી? તેવો સવાલ વેપારીઓએ ઉઠાવ્યો હતો. તસ્વીરમાં બંધ દૂકાનો તથા રજૂઆત કરવા પહોંચેલા વેપારીઓ અને લત્તાવાસીઓ તથા હુમલામાં ઘાયલ થયેલા વેપારીના કુટુંબીજનો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:00 pm IST)