Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શહેરમાં કેટલા મોબાઈલ ટાવરો ? તેનો કેટલો વેરો ?

મોબાઈલ ટાવરોના વેરા ઘટાડા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માહિતી અધિકાર હેઠળ પ્રશ્નો રજૂ કરતા તંત્રમાં દોડધામઃ સ્ટેન્ડીંગ કમિટી-જનરલ બોર્ડમાં વિરોધ સહિતની વિગતો માંગતા ખળભળાટ

રાજકોટ, તા. ૨૧ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં શહેરના મોબાઈલ ટાવરોનો વેરો ઘટાડવા નિર્ણય લેવાતા આ સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત દ્વારા માહિતી અધિકાર હેઠળ શહેરમાં કેટલા મોબાઈલ ટાવરો છે અને તેનો કેટલો વેરો આવે છે અથવા આવશે ? તે સહિતના કુલ ૧૯ મુદ્દાઓ રજૂ કરી પ્રશ્નો પૂછતા તંત્ર વાહકોમાં દોડધામ મચી છે.

આ અંગે મહેશભાઈ રાજપૂતે માહિતી અધિકાર હેઠળ પૂછેલા પ્રશ્નમાં જણાવ્યુ છે કે, શહેરમાં વોર્ડ નં. ૧ થી ૧૮માં કુલ કેટલા મોબાઈલ ટાવરો છે ? ટાવરની માલિકી ખાનગી અને સરકારી છે કે કેમ ? ટાવરની મંજુરી મેળવાઈ છે કે કેમ ? રાજકોટની કોર્પોરેશનની જગ્યા પર મોબાઈલ ટાવરો છે કે કેમ ? મોબાઈલ ટાવરોનો કારપેટ વેરા પદ્ધતિ બાદ કેટલો વેરો છે ? મોબાઈલ ટાવરો બાબતે જનરલ બોર્ડમાં મુકાયેલ દરખાસ્ત અને સ્ટેન્ડીંગ કમિટીમાં મુકાયેલ દરખાસ્તમાં તથા જનરલ બોર્ડમાં મુકાયેલ દરખાસ્તમાં વિરોધ હતો કે કેમ ? તેની મીનીટસ બુકની નકલ સહિત વિગતો આપવી તથા તમામ મોબાઈલ ટાવરો અંગે બજેટમાં જોગવાઈ થઈ હોય તો તેની આવક-જાવક સહિતની માહીતી આપવા શહેર કોંગ્રેસ પ્રમુખે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી છે.

નોંધનીય છે કે, તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં મોબાઈલ ટાવરોના વેરામાં ૩૦ ટકાનો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આ જ સ્ટેન્ડીંગ કમિટિએ વેરા ઘટાડાની દરખાસ્ત નામંજુર કરી હતી અને ત્યાર બાદ બારોબાર જનરલ બોર્ડમાં મોબાઈલ ટાવરના વેરા ઘટાડાની દરખાસ્ત મંજુર કરી દેવાઈ હતી. આમ મોબાઈલ ટાવરના વેરા ઘટાડો વિવાદાસ્પદ બન્યો છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે આ બાબતે માહિતી અધિકાર હેઠળ વિસ્તૃત વિગતો માંગતા ખળભળાટ મચી ગયો છે.

(3:50 pm IST)