Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સિવિલ હોસ્પિટલમાં મને વેન્ટીલેટર પર રખાયો ન હતોઃ નટુભાઇ કોટક

રઘુવંશી સમાજના અગ્રણી કહે છે, મારી તબિયત નોર્મલ છે, મારા અંગે ખોટા સમાચાર ફેલાયાઃ સીવીલમાં બે દિવસ નથી રહ્યો, ર૪ કલાક જ રહ્યો છું: કોવિડ અને ઓકિસજન રિપોર્ટ નોર્મલ જ આવ્યા, ર૪ કલાકમાં રજા મળી ગઇઃ VIP વિભાગમાં પણ પ્રસંશનીય સુવિધા ન હતીઃ ભોજન પણ અયોગ્ય

તસ્વીરમાં VIP  રૂમ પાસે પડેલો મેડિકલ વેસ્ટેજ, કોવિડ પોઝીટીવ દર્દીઓની ચાદરનો ઢગલો નજરે પડે છે. એક ઘટડો અપાતું હળદરવાળું દૂધ દર્શાય છે. VIP સુવિધા આવી હોય તો જનરલ સુવિધા કેવી હશે ?

રાજકોટ તા. રર :.. રઘુવંશી અગ્રણી અને શ્રી કૃષ્ણ ચિકિત્સાલયના સંચાલક નટુભાઇ કોટકે જણાવ્યું હતું કે, હુ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં બે દિવસ રહ્યો અને વેન્ટીલેટર પર રખાયો હતો. આવા સમાચારો આવ્યા છે, જે સાચા નથી.

શ્રી કોટક કહે છે કે, હું સિવિલમાં દાખલ થયો અને મારી તબિયતનું ઇન્વેસ્ટીગેશન થયું તેમાં મારું ઓકિસજન લેવલ નોર્મલ આવ્યું હતું. વેન્ટીલેટર પર રાખવાની જરૂર જ ન હતી. કોવિડ રિપોર્ટ પણ નેગેટીવ આવતા ર૪ કલાકમાં મને રજા આપી દેવાઇ હતી. સિવિલ હોસ્પિટલમાં મારી તબિયત અંગે ઇન્વેસ્ટીગેશન વ્યવસ્થિત થયું હતું.  રિપોર્ટ નોર્મલ આવતા મને કોઇ સારવારની જરૂર જ ન હતી. આ સ્થિતિમાં વેન્ટીલેટર પર રખાયાના સમાચાર તંત્ર દ્વારા રિલીઝ થયા, જેમાં જરા પણ તથ્ય નથી.

નટુભાઇ કોટકે કહ્યું હતું કે, સિવીલ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પ્રસંશનીય સ્થિતિ નથી. દર્દીઓ પાસે વ્યવસ્થા અંગે સારું બોલવા આગ્રહ રખાય છે, પણ મેં જે અનુભવ્યું છે તે અંગે વાત કરું તો  VIP  વિભાગમાં પણ યોગ્ય વ્યવસ્થા ન હતી. VIP રૂમ સામે મોતના સામાન જેવા મેડિકલ વેસ્ટના પોટલા આખી રાત્રી પડયા હતાં.

આ અંગે નટુભાઇએ ઉચ્ચ અધિકારીને વિવેકપૂર્વક રજૂઆત કરતા એ અધિકારીએ ક્ષતિ સ્વીકારી હતી.

નટુભાઇ કહે છે કે, કોવિડ પોઝિટીવ દર્દીઓની ચાદરો પણ VIP  રૂમ સામે જ રખાઇ હતી. સ્ટાફમાં આ અંગે ગંભીરતાનો અભાવ હતો.

આ ઉપરાંત નટુભાઇએ જણાવ્યું હતું કે, સીવીલમાં પૌષ્ટિક ભોજન અપાતું હોવાનો પ્રચાર થાય છે, પરંતુ મારો અનુભવ કહું તો સવારે ઠંડી અડધી ચા અને બે થેપલાં અપાયા હતાં. બપોરનું ભોજન પણ બરાબર ન હતું. આ ઉપરાંત હળદરવાળું દૂધ માત્ર અડધો કપ હતું. નટુભાઇ કહે છે કે, મેં ભોજન કર્યુ ન હતું. પણ આ અંગે વિવેકપૂર્વક રજૂઆત કરી હતી.

સવાલ એ થાય છે કે VIP  વિભાગમાં આવી વ્યવસ્થા હોય તો જનરલ વિભાગની દશા કેવી હશે ? આવો સવાલ ઉઠાવીને શ્રી કોટકે કહયું હતું કે, દર્દીઓ પાસે સારા અભિપ્રાયનો આગ્રહ રાખવામાં આવે છે.

મારા અંગે તો સાવ ખોટા સમાચાર જ તંત્ર દ્વારા રીલીઝ થયા. વેન્ટીલેટર પર રખાયાના ખોટા સમાચારોના કારણે મારા સગા-સંબંધીઓ, મિત્રો ચિંતાતુર બન્યા હતાં.

નટુભાઇ અંતમાં કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં મારા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં. મને સારવારની જ જરૂરી ન પડી. ર૪ કલાકમાં રજા આપી દેવાઇ હતી. ૭૮ વર્ષની વયે સંપૂર્ણ નોર્મલ અને સ્વસ્થ છું.

(4:12 pm IST)