Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પીડીયુ કોવિડના એટેન્ડેન્ટ અને હાઉસકિપીંગ સ્ટાફની કામગીરીને બિરદાવતાં દર્દીઓ

હું બેડ પરથી પડી ન જાવ તેની ચિંતા સ્ટાફ કરે છેઃ દર્દી અસ્મિતાબેન

રાજકોટઃ રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ પાસે તેના પરીવારજનો ન રહેતા હોવાથી જિલ્લા તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની અંગત સંભાળ માટે તેમજ હાલવા- ચાલવાની કે વોશીંગરૂમમાં જવાની મદદ માટે એટેન્ડેન્ટ સ્ટાફ અને હાઉસકીપીંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સાજા થયેલા દર્દીઓ આ નાના કર્મચારીઓની મોટી સેવાને બિરદાવી રહયા છે.

   પીડીયું હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા અસ્મિતાબેન ખુંટે જણાવ્યું હતું કે એટેન્ડેન્ટ સ્ટાફ મને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે રહે છે. દરેક દર્દીની અંગત સંભાળ લે છે. મને આ સ્ટાફ પ્રત્યે માન છે. હું બેડ નીચે ઉતરતી વખતે નબળાઇને લીધે પડી ન જાવ તેની ચિંતા કરીને મારો હાથ પકડી બહેનો મને મદદ કરે છે. હોસ્પિટલના સ્ટાફની સેવાને લીધે મને હોસ્પિટલ ઘર જેવી જ લાગે છે. આ તો એક બહેનનો પ્રતિભાવ છે પણ તમામ દર્દીઓ જમવા, પાણી પીવા કે દવા લેવડાવવામાં મદદ કરતા આ સ્ટાફની સેવાની કદર કરે છે.

  એટેન્ડેન્ટ તરીકે કામ કરતા મારડીયા ક્રિષ્નાબેને જણાવ્યું હતું કે હું બે મહિનાથી સેવા આપું છુ. દર્દીઓ સાજા થઇને ઘરે જાય છે ત્યારે ભાવુક થઇને અમને પ્રોત્સાહન આપે છે. અમને તેમના આશીર્વાદ મળે છે. ચૌહાણ દિશાબેને પણ જણાવ્યું હતુ કે અમારે તબીબ કે સ્ટાફ નર્સના જણાવ્યા પ્રમાણે દર્દીની સારવારમાં સાથે હેલ્પ કરવાની હોય છે. અમે દર્દીઓને સમયસર જમવાનું મળી જાય તે કામ પણ કરીએ છીએ.સાગર વાડોદરાએ પણ દર્દીઓને કોઇપણ પ્રકારની મુશકેલી ન પડે તે માટે અમે કામ કરીએ છીએ તેમ જણાવ્યું હતુ.સીમરનબેને જણાવ્યું હતું કે અમને દર્દીઓની સેવા કરવાની મજા આવે છે.ખુશીબેને કહયું કે દર્દીઓ અમને કહે છે તમે દીકરા દીકરીઓ જે રીતે સેવા કરે તે રીતે દર્દીઓની સેવા કરો છો. રાજકોટની કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ સ્ટાફની  આ સેવા પરાયણતા દર્દીઓને સધિયારો આપે છે.

(4:06 pm IST)