Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીનો સંદેશો

કોરોનાનો ડર્યા વગર સામનો કરીએ અને આફતને અવસરમાં પલ્ટાવીએ

રાજકોટ : સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ની મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટના દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી કહે છે કે, રાજકોટને કોઈપણ પરિસ્થિતિમાં આફતને અવસરમાં પલટાવતા આવડે છે, રાજકોટીયન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.

છેલ્લા સાતેક મહિનાથી આપણે સૌ કોરોનાની મહામારીનો સામનો કરી રહયાં છીએ. રાજકોટ હવે ધીરે ધીરે હોટસ્પોટમાંથી બહાર આવી ગયું છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા, સોશીયલ ડીસ્ટન્સ જાળવવા અને આપણા હાથને વારંવાર સાફ રાખવાના આપેલા ત્રણ સૂત્રનું આપણે સૌએ અચૂક પાલન કરવાનું છે. આ સૂત્રનું આપણે ચૂસ્તપણે પાલન કરીશું તો આ મહામારીમાંથી આપણે બહું ઝડપભેર બહાર આવી શકીશું.

કોરોના મહામારી અંત કયારે આવશે તે હજુ આપણને ખબર નથી, તેથી આપણે તેની સાથે જીવતાં શિખવું પડશે. હું રાજકોટમાં છેલ્લા ૨૨ વર્ષથી દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ચલાવું છું, અમારા વૃધ્ધાશ્રમના ૯ માવતરોને કોરોનાની અસર થઈ હતી. જેમાંથી અમે ૭ માવતરોને બચાવી શકયા પરંતુ કમનસીબે ૨ વડીલોને અમે બચાવી ન શકયા તેનું અમને દુઃખ છે.રાજય સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને કોરોનાથી સંક્રમિત થતાં બચાવવા માટે ખૂબ જ સારા પગલાંઓ લીધા છે, ત્યારે આ પરિસ્થિતિનો આપણે સૌ સામુહિક રીતે સામનો કરીશું, તો આપણે ઝડપભેર કોરોનામાંથી બહાર આવી શકીશું. અને 'હારશે કોરોના, જીતશે રાજકોટ'.

(4:05 pm IST)