Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રાજકોટની સફાઇના નામે ખજાનાની સફાઇ

કોર્પોરેટરો - અધિકારીઓ બેદિ' ઇન્દોરનાં અભ્યાસે જશે : મેયર સહિત ૧૯ કોર્પોરેટરો અને પાંચ અધિકારીઓ સ્વચ્છ શહેર નં.૧ નાં વિવિધ પ્રોજેકટ નિહાળશે

રાજકોટ તા. ૨૧ : શહેરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશનના તંત્રવાહકો દ્વારા નવા નવા આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હવે મેયર સહિતના ૧૯ કોર્પોરેટરો અને ૫ અધિકારીઓ કિલન સિટી ઇન્દોરના અભ્યાસે જશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૮માં કિલન સિટી તરીકે ઇન્દોરની પસંદગી કરવામાં આવી હતી ત્યારે રાજકોટને પણ ઇન્દોર જેવું બનાવવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ભારતમાં સ્વચ્છતામાં નંબર ૧ મેળવનાર ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન ગ્વાલિયર વગેરે શહેરને સ્વચ્છ બનાવાયા હોય કેન્દ્ર સરકારની નેશનલ ઇન્ફોમેટીકસ સેન્ટર સર્વિસ ઇન્કોર્પોરેટેડ એજન્સીને ૧૦ મહિના માટે ૯૩ હજારના ખર્ચે કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંકની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.

કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે મેયર સહિત ૧૫ મહિલા કોર્પોરેટર, ૪ ભાઇઓ કોર્પોરેટર, ૫ અધિકારીઓ તા. ૨૫ - ૨૬ સપ્ટેમ્બરના રોજ બે દિવસ ઇન્દોરની મુલાકાતે જશે. જેમાં ઇન્દોર મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેકટો અને સ્વચ્છતાની કામગીરીનો અભ્યાસ કરશે.

(3:10 pm IST)