Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જામનગરના એડવોકેટ કીરીટ જોષી હત્યા કેસમાં સ્પે.પી.પી.તરીકે અનિલભાઇ દેસાઇની નિમણુંક

રાજકોટ તા. રર : સમગ્ર ગુજરાત ભરમાં ચકચાર જગાવનાર અને વકીલ સમાજમાં ખળભળાટ મચાવનાર જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યા કેસમાં રાજકોટના જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇની સ્પે.પી.પી. તરીકે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, આજથી એકાદ વર્ષ પહેલા અંદાજે ૧૦૦ કરોડની કિંમતી જમીનના વિવાદના કારણે ભાડુતી માણસો દ્વારા જામનગરના એડવોકેટ કિરીટ જોષીની ઉપરાછાપરી છરીના અનેક ઘા મારીને હત્યા થયેલ હતી.

આ બનાવમાં સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા હતાં. ખાસ કરીને વકીલ આલમમાં તેમજ બ્રહ્મસમાજમાં આ બનાવથી ઘેરો રોષ ફાટી નીકળ્યો હતો.

પોલીસ તપાસ દરમ્યાન બે શખ્સો ઉપર શંકાની સોય તકાઇ હતી તપાસ બાદ મુખ્ય સુત્રધાર જયેશ પટેલનું નામ બહાર આવ્યું હતું. આ જયેશ પટેલ હાલ વિદેશ નાસી ગયાનું જાણવા મળે છે.

આ ચકચારી કેસમાં ગુજરાત સરકાર દ્વારા જામનગર બી.ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ૧૧પ/ર૦૧૮ ના ગુનામાં સ્પે.પી.પી.તરીકે રાજકોટના પૂર્વ ડી.જી.પી.અને જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાતના ડેપ્યુટી સેક્રેટરી ડી.એમ. ભાભોરના સહીથી જારી થયેલા આદેશાનુસાર ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા આ નિમણુંક જાહેર કરાઇ છે.

એડવોકેટ અનિલભાઇ દેસાઇની સ્પે.પી.પી. તરીકે નિમણુંક થતા આ અંગેની જાણ ગુજરાત સરકાર દ્વારા જામનગરના જીલ્લા સરકારી વકીલ, જીલ્લા મેજીસ્ટ્રેટ, જીલ્લા જજ જામનગર વિગેરેને કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા અગાઉ પણ અનિલભાઇ દેસાઇની સ્પે.પી.પી. તરીકે ધણા કેસોમાં નિમણુંકો કરી  હતી. જેમાં મોરબીના ચકચારી રવેસીયા મર્ડર કેસમાં તે વખતના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતીયા, વિરૂધ્ધના કેસમાં તેમજ રાજકોટ નજીકના કાળીપાટના બે દરબારોના ડબલ મર્ડર કેસમાં તથા અમરેલીના કાઠી દરબારના ખુન કેસ સહિત ઘણા કેસોમાં શ્રી દેસાઇની સ્પે.પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવી છે.

જામનગરમાં એડવોકેટ કીરીટભાઇ જોષીની હત્યાની ઘટનાએ જામનગર બ્રહ્મસમાજ તથા ગુજરાતના વકીલ સમાજમાં પ્રચંડ રોષ જગાવ્યો હતો આ કેસમાં ગુજરાત સરકારે સ્પે.પી.પી.તરીકે અનિલભાઇ દેસાઇની નિમણુંક કરતા હવે તેઓ આ કેસની કાનુની કાર્યવાહી આગળ ચલાવશે.(૬.૧૨)

 

(11:45 am IST)