Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

માસ્ક વગર રખડતાં ભિક્ષુકો-મદારીને દંડ ફટકારતાં ઉદિત અગ્રવાલ

મ્યુ.કમિશનર માસ્કની પેનલ્ટી વસુલ કરવા ખુદ મેદાનમાં ઉતર્યાઃ ભિક્ષુકોએ ભીખ માંગી દંડ આપ્યો !: બે દિ'માં ૮૫૬ લોકો પાસેથી ૧.૭૧ લાખ વસુલ્યા

રાજકોટ,તા.૨૨: કોરોના સંક્રમણ અટકાવવાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારને રૂ.૨૦૦નો દંડ ફટકારવાની કામગીરીમાં આજે ખુદ મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલ જોડાયા હતા. અને માસ્ક વગરના ભિક્ષુકો -મદારી વગેરેને પણ દંડ ફટકાર્યો છે.

સતાવાર યાદી મુજબ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં લોકોને એકત્ર નહી થવા અવારનવાર વિનતીસહ સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ છતાં કેટલાક લોકો બેદકારીપૂર્ણ રીતે વર્તતા હોવાનું ધ્યાને આવેલ છે. આ સંજોગોમાં ચેપ પ્રસરવાનો ભય રહે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ વોર્ડમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમ્યાન છેલ્લા બે દિવસમાં કુલ ૮૫૬ લોકો પાસેથી રૂ. ૧,૭૧,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વિશેષમાં આજે ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા. માસ્ક પહેર્યા વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસુલી પોતે જ દંડની પહોંચ લખી હતી. જેમાં ભિક્ષુકો અને મદારી જેવા વ્યકિતઓનો સમાવેશ થતો હતો અને ભુક્ષિકોએ અન્ય પાસે ભિક્ષા માંગી દંડ ભરવાનો વખત આવ્યો હતો.

માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ આવા નાગરિકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવા સમયાંતરે ઝુંબેશ ચલાવવા આદેશ આપાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પણ માસ્ક પહેરવા જાગૃત રહે તે માટેનો છે. માસ્ક નહી પહેરનાર લોકો પોતાના અને સામેવાળા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહે છે. સૌ જાહેર સ્વાસ્થ્યના હિતમાં માસ્ક પહેરે, વખતો વખત હાથ ધોવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ વખતો વખત તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે.

(4:06 pm IST)