Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

આજી ચોકડીએ પુલ તૂટવામાં ગંભીર તકનીકી ખામી : મુખ્યમંત્રીને રિપોર્ટ : રેમ્યા મોહન ગાંધીનગર દોડી ગયા

દિવાલની ૧.૭૫ની જાડાઇ માત્ર ૦.૭૫ની જ રખાઇ હતી : મેઇન્ટેનન્સ થતુ નહતું : સ્ટ્રકચર પણ નબળુ : બાંધકામ ઇજનેરો સહિત ૧૦ નિષ્ણાંતોની કમિટિએ તૈયાર કર્યો રિપોર્ટ : હવે દિલ્હીથી નેશનલની તપાસનીશ ટીમ આવશે

રાજકોટ તા. ૨૨ : શહેરના આજી ડેમ ચોકડીએ નેશનલ હાઇવે ઓથોરીટીના હાઇ લેવલ બ્રીજની દિવાલ તૂટતા બે નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો હતો. આ ઘટના કેમ બની ? પુલનું બાંધકામ નબળુ હતું કે કેમ? વગેરે બાબતોની ઉંડી તપાસ માટે કલેકટર રેમ્યા મોહન દ્વારા ઉંડી તપાસ કરાવવામાં આવતા. આ પુલના બાંધકામમાં ગંભીર તકનીકી ખામીઓ બહાર આવ્યાનું ખુલ્યું છે. જેનો મુદ્દાસર રિપોર્ટ તૈયાર કરી આજે કલેકટરશ્રીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સુપ્રત કર્યો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસો અગાઉ આજી ડેમ ચોકડીનાં પુલની દિવાલ એકાએક તૂટી પડતા પુલ પાસેથી પસાર થતાં બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટનાના રાજ્ય અને કેન્દ્રની સરકારો સુધી પડઘા પડયા હતા.

દરમિયાન કલેકટર રેમ્યા મોહને બાંધકામ ઇજનેરો સહિત ૧૦ જેટલા નિષ્ણાંતો પાસે આ પુલ તૂટવાની ટેકનીકલ તપાસ કરાવી હતી. આ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે આ ગોઝારા પુલનંુ બાંધકામ જ નબળુ થયું હતું. કેમકે જે દિવાલ તૂટી તેની જાડાઇ ૧.૭૫ ફુટને બદલે ૦.૭૫ ફુટની જ રાખવામાં આવી હતી.

એટલું જ નહી પુલમાં આવી નાની-મોટી ક્ષતીઓ દુર કરવા નિયમિત મેઇન્ટેનન્સ પણ થયું નહતું અને દિવાલનું સ્ટ્રકચર પણ નબળુ હતું.

આમ, આ તમામ ગંભીર બેદરકારીઓ અને તકનીકી ખામીઓ હોવાનું ખુલતા મોટો ખળભળાટ મચી ગયો છે. કલેકટર રેમ્યા મોહન ખુદ આ રિપોર્ટ લઇને ગાંધીનગર દોડી ગયા હતા અને મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.નોંધનિય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટીએ આ ઘટનાની તપાસ કરાવી હતી તે ઉપરાંત કલેકટરશ્રીએ પણ આ તપાસ કરાવેલ અને હજુ દિલ્હીથી કેન્દ્ર સરકારની ટીમ બુધવારે આ ઘટનાની વધુ તપાસ માટે આવી રહી છે.

આ ગોઝારી ઘટનામાં બે-બે વ્યકિતઓના જીવ ગયા છે છતાં હજુ સુધી આ બાબતે કોઇ સામે ફોજદારી કે અન્ય કાયદાકીય પગલાઓ પણ લેવાયા નથી. સંભવતઃ હવે આ રિપોર્ટના આધારે સરકાર જવાબદારો સામે પગલા લેવાનું શરૂ કરશે.

(4:07 pm IST)