Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રુચિ-મૌસમ...બે દીકરીઓની પ્રેરક કમાલ

ગણાત્રા પરિવારની દીકરીઓ રુચિએ ધો. ૧રમાં બોર્ડમાં નવમું અને મૌસમે દશમું સ્થાન પ્રાપ્ત કર્યુ : માતા પિતા નીતાબેન-ભરતભાઇને દીકરા ન હોવાનો અફસોસ નથી : રઘુવંશી પરિવારની પ્રેરક સ્ટોરી

રાજકોટ તા. રર : સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે સમગ્ર સૌરાષ્ટ્રનું 'એજ્યુકેશન હબ' બની ગયું છે. રાજકોટમાં એક ગણાત્રા પરિવાર છે. શ્રીમતી નીતાબેન તથા ભરતભાઇ ગણાત્રા આ દંપતિની પ્રેરણાત્મક વાત એ છે કે એમને સંતાનમાં બે દીકરીઓ જ છે અને આ બન્ને દીકરીઓની શૈક્ષણિક કારકિર્દિના વિકાસ માટે માતા-પિતા ખૂબજ સપોર્ટ આપે છે. જી.કે. ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરેલી એમની બન્ને દીકરીઓ રૂચિ અને મૌસમે ધો.૧ર (સામાન્ય પ્રવાહ) માં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે સ્કુલના શિક્ષકો મેનેજમેન્ટ, કર્મચારીઓ વગેરે સૌનું માર્ગદર્શન અને ઘરે બેઠા જ અભ્યાસમાં તીવ્ર-નિરંતર ધ્યાન આપીને માતા-પિતાના પ્રેમ-હુંફ થકી લોહાણા સમાજની આ બન્ને દીકરીઓએ શાળા, પરિવાર તથા શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યુ છે. ગણાત્રા સિસ્ટર્સ રૂચિ અને મૌસમ બન્ને બહેનો અભ્યાસમાં અવ્વલ દરજજે રહી છે. મોટી બહેન રૂચિ અને નાની બહેન મૌસમ આ બન્ને બહેનોએ ધો. ૧ર માં એક પછી એક એમ બોર્ડમાં નવમું-દસમું સ્થાન હાંસલ કર્યુ છે. રૂચિએ ર૦૧૭ માં ધો. ૧ર ની પરીક્ષામાં, બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં નવમું સ્થાન અને મૌસમે ર૦ર૦ માં એટલે કે આ વર્ષમાં દસમું સ્થાન મેળવવાની વિરલ સિધ્ધિ પ્રાપ્ત કરીને રાજકોટનું તથા લોહાણા સમાજનું અને ગણાત્રા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોટી બહેન રૂચિ હાલમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ (સીએ) ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. નાનીબહેન મૌસમ પણ મોટી બહેનના પગલે ચાર્ટડ એકાઉન્ટન્ટના અભ્યાસમાં જ આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. એ રીતે આ બન્ને બહેનો વ્યાવસાયીક કારકીર્દી ઘડવા માંગે છે. ગણાત્રા સિસ્ટર્સની માતા શ્રી નીતાબહેન રાજકોટની, ભારત સરકારની એ. જી. ઓફીસમાં કલાસવન ઓફીસર તરીકે કાર્યરત છે. અને પિતા શ્રી ભરતભાઇ ગણાત્રા શીંગદાણાના જથ્થાબંધ વેપારી છે. માતા-પિતા બન્ને પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં એમણે બન્ને દીકરીઓના અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપીને એમને જબરદસ્ત પ્રોત્સાહન પુરૃં પાડયું છે અને હજુ પણ આગળ જેટલું ભણવું હોય એ માટે પુર્ણ સ્વાતંત્ર્ય આપ્યું છે.

આપણા સમાજમાં જે લોકોને પરિવારમાં સંતાન તરીકે દીકરીઓ જ છે એ સૌ કોઇ માટે આ 'ગણાત્રા સિસ્ટર્સ' પ્રેરણારૂપ છે અને દીકરાની જ ઝંખના સેવતા માતાઓ - પિતાઓ માટે પણ ભરતભાઇ અને નીતાબહેન દ્વારા દીકરીઓ પણ દીકરા કરતાં શ્રેષ્ઠ છે એવો હકારાત્મક સંદેશો અપાયો છે. એકવીસમી  છે એવો હકારાત્મક સંદેશો અપાયો છે. એકવીસમી સદીમાં હજુ આજે પણ દીકરા - દીકરી વચ્ચે ભેદભાવ રખાય છે.

એવા વાતાવરણમાં રૂચિ અને મૌસમ આ બન્ને બહેનોએ પોતાનું વ્યકિતત્વ સાબિત કરી સમાજને રાહ બતાવ્યો છે.

ર૦૧૭માં રૂચિએ બોર્ડમાં ૯ મું સ્થાન મેળવી યશસ્વી સિદ્ધિ હાંસલ કરેલ કરેલ તો આ વર્ષે ર૦ર૦માં નાનીબહેન મૌસમે પણ મોટી બહેનના પગલે આ વર્ષે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરીને ગણાત્રા પરિવારનું ગૌરવ આગળ ધપાવ્યું છે.

રૂચિ-મૌસમની આ શૈક્ષણિક સિદ્ધિ માટે લોહાણા સમાજ, જી.કે.ધોળકિયા સ્કુલ, તેમના સૌ ગુરૂજનો વગેરે ગૌરવ લઇ રહ્યા છેઅને ગણાત્રા પરિવારને તથા તેજસ્વી 'ગણાત્રા સિસ્ટર્સ'ને ખૂબ-ખૂબ શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે. 'અકિલા'ના વાચકો ભરતભાઇ ગણાત્રા (મો.૯૪ર૭પ ૬૩૬૭પ) ને આ બન્ને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી શકે  છે.

(4:02 pm IST)