Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સદ્ગુરૂ : ઇનર એન્જીનિયરીંગની જીવનમાં ઉતારવા જેવી વાતો

.   જીવનના નટ અને બોલ્ટ સમજો

    જીવનમાં બધુ સારું થઈ જશે એ વાત ૧૦૦% ખોટી છે.. આપણે એ શીખવાનું છે કે ગમે તે થાય હું સારો જ રહીશ.

    આ કોઈ સુખી થવાની પદ્ઘતિ નથી પણ હા બુનિયાદી વાતો છે જેને આપણે જાણતા કે અજાણતા ભૂલી જતા હોઈએ છીએ.. આ વાતોની જાણકારી તો બધા પાસે હોય જ છે.

    જીવનમાં એક પણ વસ્તુ ૧૦૦% તમારી ઈચ્છા અનુસાર નથી થવાની પણ હા આ બુનિયાદી વાતોનું જીવનમાં વલણ કરશો તો તમે એ વસ્તુ ને ઘણી ખરી રીતે કંટ્રોલ કરી શકશો.

.   એકમાત્ર બંધન

    ઈચ્છા નથી તો જીવન નથી.

    ઇચ્છાને બે દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે-

    - ઈચ્છા એ બધી જ સમસ્યાનું કારણ છે..

    - પણ ઈચ્છા એ જ તમને જીવંત રાખવા માટેની બુનિયાદી વસ્તુ છે..

    તો ઈચ્છા તે હદ સુધી સારી છે કે જયાં સુધી તે તમારી વિવશતા કે મજબૂરી ન બની જાય.

    તમારૃં મન તમને નવી વસ્તુ જોઈ એને પામવાની દોડમાં લગાવી દે છે અને તમને એ ન મળી જાય ત્યાં સુધી તેની પાછળ લગાડો રાખે છે. આ સમયે તમને એમ લાગે છે કે એ વસ્તુ પામવાથી આપણને સુખ અને સંતોષની પ્રાપ્તિ થશે.. પણ એવું થતું નથી અને તમને તમારૂ મન છેતરી જાય છે. તમે એ વસ્તુ પ્રાપ્ત કરો કે તરત જ બીજી વધારે સારી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે..

    એટલા માટે તમારા મનનું નહીં પણ શરીરનું કહેવું સાંભળવું.

    ઈચ્છાઓ અપાર હોય છે અને એ કોઈ દિવસ પૂરી નથી થતી.

.   જીવન જીવો પૂર્ણતાથી

    ફળાહાર સૌથી શ્રેષ્ઠ આહાર છે.

    શરીરથી વધુ કઈ મહત્વપૂર્ણ નથી અને એના સિવાય કઈ બચાવીને રાખવાની જરૂર નથી.

    જે કોઈ પણ કાર્ય કરો તેને ૧૦૦% તલ્લીન થઈને કરશો તો જ તમને એને માણવાની મજા આવશે અને શ્રેષ્ઠ પરિણામ મળશે.

    જીવન જીવવાનો આનંદ લ્યો.

    ઉંમર થતાં તમારું શરીર ભલે ઓછું કામ કરી શકે પણ તમારી જીવંતતા કયારે પણ ઓછી ન થવી જોઈએ.

    ગુસ્સો એ એક એવું ઝેર છે જે તમે પીવો છો અને બીજો માણસ મરે તેવી આશા રાખો છો.

    કર્મોનું ફળ તો મળશે જ.

    તમારી જવાબદારી અસીમિત છે પણ કાર્ય સીમિત છે. અહીં જવાબદારી અને દોષ વચ્ચેનો અંતર જાણવો જરૂરી છે. જો તમે કોઈ માણસને તમારી સામે મરતા જોવો અને તમે તેને પાણી આપો તો તે તમે જવાબદાર છો એ દર્શાવે છે પણ એનાથી તમે દોષી નથી થઈ જતા. આપણે બધા અસીમિત જવાબદારી ને જ ચૈતન્ય કે ભગવાન માનીએ છીએ કારણકે જયારે કોઈ પ્રસંગ આપણી સાથે થાય અને તેની કોઈ જવાબદારી નો લ્યે ત્યારે આપણે એમ જ કહેતા હોય છીએ કે એના માટે ભગવાન જ જવાબદાર છે.

.   તમે એ નથી જે તમે વિચારો છો

    ખુશીની સૌથી સરળ અને સાચી પરિભાષા એ છે કે ખુશી એટલે જે કઈ પણ થઇ રહ્યું છે તેના પ્રત્યે પૂર્ણ સ્વીકૃતિ.

    હમણાં એક વાકય બહુ પ્રચલિત થયું હતું કે 'LIVE IN THE MOMENT'. પણ આ તો સનાતન સત્ય છે અને આ ક્ષણમાં જીવવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. આ ક્ષણ અટલ છે અને તેમાં જ જીવવું જોઈએ. આનો મતલબ એમ નહીં કે ફયુચર પ્લાનિંગ નહીં કરવાનું અને અતીતનું સ્મરણ નહીં કરવાનું પણ ગમે તે થાય ભ્રમિત નહીં થવાનું અને જીવવાનું તો સદાય આ ક્ષણમાં જ.

    તો આપણે ખુશીની પરિભાષા તો સમજી લીધી.. હવે દુઃખનો વારો આવ્યો. આપણે દુઃખી એટલે જ છીએ કારણકે આપણે દુખ અને દર્દ વચ્ચેનો અંતર નથી જાણતા. દર્દ ઉપર આપણો કંટ્રોલ નથી હોતો અને તે બહારની વસ્તુને કારણે થાય છે જેમકે તમે બાઇક પરથી પડી ગયા અને તમને પગમાં વાગ્યુ અને દર્દ થયું. પણ દુઃખ મનઘડિત છે અને તેના ઉપર તમારો પૂર્ણ કંટ્રોલ હોય છે કારણકે તે તમારા મનમાં સર્જાય છે. જેમકે ઉપરના ઉદાહરણમાં તમે જો એમ વિચારશો કે પગ તૂટી ગયો અને હવે હું કેમ ચાલીશ, કેમ હોસ્પિટલ એ પહોચીશ, વગેરે.. તો આનાથી તમારું દર્દ ઓછું નહીં થાય પણ હા દુઃખમાં જરૂર વધારો થશે. એટલે તમારે દુઃખી થવું કે નહીં એ ૧૦૦% તમારી ઉપર જ છે.

.   મનઃ એક ચમત્કાર

    કર્મનો સિદ્ઘાંત એ નથી કે તમે જે કરશો તે તમારે ભોગવવું જ પડશે પણ એ તમારી સાથે થતી દરેક વસ્તુ પ્રત્યે તમારી પૂર્ણ જવાબદારી છે. તમે જો તમારી સાથે ખરાબ વસ્તુ થાય તો તરત જ બીજાને દોષી કહો છો પણ ત્યારે જો તમે તમારા કર્મોનું ફળ મળી રહ્યું છે એમ વિચારો તો તમે દોષ દેવાને બદલે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા માટે પ્રયત્ન કરશો અને દોષ દેવામાં તમારી ઉર્જા અને તમારા સમયને બરબાદ નહીં કરો.

    આઝાદીનો મતલબ એમ નથી કે તમને જે પસંદ હોય તે તમે કરો પણ એમ છે કે જે કરવાની જરૂર છે તેને તમે ખુશી ખુશી કરી શકો. તમારી આ કુશળતાને જ આઝાદી કહેવાય છે.

.   સૃષ્ટિની ધ્વનિ

    યોગ કે આયુર્વેદની દુનિયામાં ખાવાની વસ્તુઓનું પ્રોટીન, વિટામિન, વગેરે એમ વર્ગીકરણ કરવામાં નથી આવતું પણ તમારી જીવન ઊર્જા ઉપર ખાવાની વસ્તુઓની અસર ઉપરથી વર્ગીકરણ કરવામાં આવે છે. એ પ્રમાણે ખાવાની વસ્તુઓમાં પોઝિટિવ, નેગેટિવ કે પછી ઝીરો પ્રાણ હોય છે. પોઝિટિવ પ્રાણવાળી વસ્તુઓ છે સફેદ કોળું, મધ અને મગફળી. નેગેટિવ પ્રાણવાળી વસ્તુઓ છે લસણ, ડુંગળી, મરચું, હીંગ, કોફી, ચા અને બીજી બધી નશીલી વસ્તુઓ. ઝીરો પ્રાણવાળી વસ્તુઓ છે બટેટા અને ટમેટા. આપણે પોઝિટિવ પ્રાણવાળી વસ્તુઓ વધારે ખાવી જોઈએ અને નેગેટિવવાળી ઓછી.

    આખી સૃષ્ટિમાં ત્રણ જ ધ્વનિ કે અવાજ એવા છે જેને આપણે જીભની મદદ વગર કાઢી શકીએ છીએ. એ છે 'આ', 'ઊ' અને 'મ્મ'. આ ત્રણેય ધ્વનિ ભેગી થઈને સૃષ્ટિની ધ્વનિ બનાવે છે. આપણે માત્ર આનું ઉચ્ચારણ કરવાથી એટલે કે 'ઁ'નું ઉચ્ચારણ કરવાથી શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે સ્થિર થઈ શકીએ છીએ. તમે એનું ઉચ્ચારણ કેટલી વાર કરો છો તે પણ મહત્વનુ છે. તમે 'ઁ'નું ઉચ્ચારણ ૨૧, ૩૩, ૪૨, ૫૪, ૬૪, ૬૮, ૭૨, ૮૪, ૯૫ અથવા ૧૦૮ વાર કરી શકો છો. તમે 'ઁ'નું ઉચ્ચારણ કરો ત્યારે તમારા શરીરમાં ઉત્પન્ન થતી કંપન પ્રત્યે જાગૃત હોવું અત્યંત આવશ્યક છે. કંપન નાભીથી શરૂ થઈ અને મસ્તક સુધી પહોચતી હોય છે.

    સમગ્ર સંસાર એક સ્પંદન છે અને તેની ધ્વનિ 'ઁ' છે પણ બધી જ ધ્વનિનો આધાર 'મૌન' છે. એટલા માટે 'મૌન' એ જ શરીરનું સૌથી શકિતશાળી આયામ છે.

.   જે ચાહો તે રચી લ્યો

    તમારે નક્કી કરવાનું છે કે તમારે સૃષ્ટાની સુંદર સૃષ્ટિમાં જીવવું છે કે પછી તમારા મનની જાકમજાળમાં..

    તમે જીવનમાં સદાય ખુશ એટલા માટે જ નથી રહી શકતા કારણકે તમે મનની જાકમજાળમાં એટલા ગુચવાય જાવ છો કે સૃષ્ટિની સુંદરતાને માણવાનું ભૂલી જાવ છો.

    જીવન સારી રીતે જીવવા માટે એક જ સૂત્ર છે કે તમે જીવન સાથે પૂર્ણ ભાગીદારી કરી લ્યો અને જેમ કોઈ ખેલમાં નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે તેમ જ જીવનના વિવિધ પડાવને ખેલ સમજી તેમાં પૂર્ણ રીતે મગ્ન થઈને રમશો તો જ રમવાની એટલે કે જીવવાની મજા આવશે.

    પ્રેમ એ બહારની વસ્તુ કે વ્યકિત ઉપર નિર્ભર નથી. એ તમારી એક આંતરિક સ્થિતિ છે. તમે એકલા પણ પ્રેમમાં રહી શકો છો. એ એવી રીતે કે તમે પ્રકૃતિને અને તમારી આજુ-બાજુના વાતાવરણને પ્રેમ કરી શકો છો. તમે રોજ સવારે માત્ર એવો સંકલ્પ કરો કે 'આજે હું સંસારમાં પ્રેમ વધારીશ' તો તમે એનું પરિણામ એક માહિનામાં અનુભવી શકો છો.

    આજે વિશ્વના ત્રણ સૌથી મોટા ધંધા શસ્ત્ર, દવા અને દારૂના છે. આ આપણી દુર્દશા દર્શાવે છે કેમકે જયારે ખાવા-પીવાના ધંધા પ્રથમ હોવા જોઈએ ત્યારે આપણે શ સ્ત્રના ક્ષેત્રમાં આગળ વધીએ છીએ.

    તમે કયું કામ કરો છો તે મહત્વનુ નથી પણ તમે તે કેવી રીતે અને કેવી માનસિકતા સાથે કરો છો તે મહત્વનુ છે.

ઉદાહરણ માટે ત્રણ ભાઈઓ એક મંદિરની રચના કરતાં હતા અને ચોથો ભાઈ જે ત્યાથી પસાર થતો હતો તેણે વારાફરતી ત્રણેય ભાઈઓને પૂછ્યું કે તમે શું કરો છો તો પેલાએ જવાબ આપ્યો કે પત્થર તોડું છું, બીજાએ કીધું કે રોજીરોટી કમાવવા માટે કામ કરૃં છું અને ત્રીજાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે હું મારા ભગવાનના મંદિરની રચના કરૃં છું. એટલે કામ સારૂ તમારી માનસિકતા અને તમારી કામ કરવાની વૃત્તિ સારી હોય તો જ થાય છે.

: પ્રસ્તુત :

જયેશ સવજાણી

સૌજન્ય

સદ્ગુરૂ ઇશા ફાઉન્ડેશન

મો. ૮૧૨૮૮ ૨૪૧૫૫

(4:00 pm IST)