Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ઇન્દીરા સર્કલ-કે.કે.વી. ચોકના ટ્રાફિક સંબંધે બહાર પાડેલ જાહેરનામુ રદ કરવા મુખ્યમંત્રીને પત્ર

રાજકોટના સીનીયર એડવોકેટ ડી.જી.શાહે તઘલખી ટ્રાફીક વ્યવસ્થા અંગે લોકોની મુશ્કેલી નિવારવા માંગણી

રાજકોટ, તા. રર : અત્રેના કે.કે.વી. હોલ અને ઇન્દીરા સર્કલના ટ્રાફીક અંગે બહાર પાડવામાં આવેલ તધલખી જાહેરનામાને રદ કરવા રાજકોટના સીનીયર એડવોકેટ ડી.જી. શાહે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને આ અંગે ઘટતું કરવા જણાવેલ છે.

રાજકોટની ટ્રાફીક બ્રાંચે તા.૪-૬-ર૦ર૦ના રોજ એક તઘલખી નોટીફીકેશન બહાર પાડેલ છે. આ નોટીફીકેશન મુજબ રાજકોટમાં કે.કે.વી. હોલ તરફથી ઇન્દીરા સર્કલ તરફ આવતા ટુવ્હીલર્સ અને ફોરવ્હીલર્સ ઇન્દીરા સર્કલથી કોટેચા ચોક આવવું હોય તો પોતાના વાહનો ઇન્દીરા સર્કલથી ટર્ન નહીં કરવાના, પરંતુ છેક ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે, ક્રાઇસ્ટ હોસ્પિટલ બોર્ડ ચોકથી ટર્ન લઇ કોટેચા ચોક જવાનું લોકો ઇન્દીરા સર્કલથી ટર્ન લઇને કોટેચા ચોક ન જઇ શકે, તે સારૂ બંને તરફ કોન્ટ્રેકટ બેઇઝ ઉપર લીધેલા ફીકસ પગારદારો મારફત દોરડાથી આડસ ઉભી કરવામાં આવે છે. ઇન્દીરા સર્કલથી રૈયા ટેલીફોન એકસચેન્જ ચોકનું અંતર લગભગ ૦ા કીલોમીટર છે, તેજ રીતે રૈયા ટેલીફોન એકસચેન્જ તરફથી આવતા વાહનોને ઇન્દીરા સર્કલ તરફ વાળી યુનિવર્સિટી રોડ કે પંચાયત ચોકમાં જવું હોય તો તેઓ ઉભુ કરેલ આડસ/બેરીકેટસને કારણે જમણી બાજુ ટર્ન ન લઇ શકે તેઓએ સીધુ કે.કે.વી. ચોક તરફ જવાનું અને ત્યાં પણ સદરહું તઘલખી જાહેરનામુ અમલમાં હોય ત્યાંથી પણ જમણી સાઇડ ટર્ન ન લઇ શકાય, તેથી છેક બીગ બજાર (૧પ૦ ફુટ રીંગ રોડ) પાસેથી ટર્ન લઇ પરત આવીને યુનિવર્સિટી રોડ તરફ જઇ શકે, એટલે આ તઘલખી નોટીફીકેશનથી પેટ્રોલ/ડીઝલનું બળતણ અનટાઇમ બન્નેની લોકોને ભયંકર નુકશાની છે.

એક તરફ લોકડાઉને લીધે ૩ માસથી લોકોએ કમાણી કરી નથી, આપે અને મોટા સાહેબે પેટ્રોલ/ડીઝલમાં એકજ વિકમાં લીટરે રૂ. ૬-પ૦ પૈસા જેવો અમાનુષી વધારો ઝીંકેલ છે. એ ઓછું હોય તેમ રાજકોટ ટ્રાફીક બ્રાંચ તા.૪-૬-ર૦ર૦ ના રોજ તઘલખી નોટીફીકેશન બહાર પાડીને પેટ્રોલ/ડીઝલનો બીનજરૂરી બગાડ કરાવે છે.

જો દોરડા પકડાવીને ટ્રાફીકના નિયમોનું લોકો પાસે પાલન કરાવવાનુ઼ હતુંતો કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટમાં દરેક ચોકમાં ઓટોમેટીક સીગ્નલો શા માટે ઇન્સ્ટોલ કરાવેલ છે ? વળી રાજકોટની ટ્રાફીક બ્રાંચને માત્ર કે.કે.વી. ચોક અને ઇન્દીરા સર્કલ ચોકમાં જ ટ્રાફીકનો પ્રોબ્લેમ નડે છે, તેથી આ બે ચોક પરત્વે જ ટ્રાફીક બ્રાંચના પી.આઇ./ એ.સી.પી. ગમે ત્યારે આવા તઘલખી નોટીફીકેશનો બહાર પાડે છે. આ અંગે એડવોકેટશ્રી ડી.જી. શાહે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને યોગ્ય કરવા જણાવ્યું છે.

(3:56 pm IST)