Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મનહરપ્લોટમાં વયોવૃધ્ધ દાદા-દાદીને પોૈત્રએ ધક્કો મારી પછાડ્યાઃ વિડીયો થયો વાયરલ

પસ્તી વેંચવા બાબતે માથાકુટઃ વાત પોલીસ સુધી પહોંચ્યા પછી ઘરમેળે સમાધાન થઇ ગયું

રાજકોટઃ આજના યુગમાં અવાર-નવાર એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં વૃધ્ધ માવતરને સંતાનો હોવા છતાં હેરાન થવું પડે છે. મનહર પ્લોટ વિસ્તારનો એક વિડીયો આજે સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં વૃધ્ધ દાદા-દાદીને પોૈત્રએ ધક્કો મારી પછાડી દીધા હતાં અને ઘરનો ડેલો બંધ કરી દીધો હતો. વિડીયોમાં દેખાય છે કે પોૈત્ર દાદા-દાદી સાથે ચડભડ કરે છે અને બાદમાં દાદીમાને ધક્કો દઇ પછાડી દે છે. પોૈત્રના આ વર્તનથી ગુસ્સે થયેલા દાદા તેને સમજાવવા આગળ દોડે છે ત્યારે તેમને પણ પોૈત્ર ધક્કો દઇ પછાડી દે છે. દેકારો થતાં લોકો ભેગા થઇ જાય છે. આ દ્રશ્ય ખુબ જ દયા ઉપજાવે તેવું છે. વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. પરંતુ બાદમાં ઘરેમેળે સમાધાન કરી લેવામાં આવે છે. પોલીસ સમક્ષ ૯૦ વર્ષના વૃધ્ધે પોતાનો પક્ષ રાખ્યો હતો અને કહ્યું હતું કે મેં મકાન દિકરાના નામે કરી દીધુ છે અને હવે મને અને મારા પત્નિને સારી રીતે સાચવવામાં આવતા નથી. બીજી તરફ પોૈત્રએ કહ્યું હતું કે મારા પિતાને ચાર ભાઇઓ છે. અમે જ દાદા-દાદીને સાચવીએ છીએ. દાદા-દાદી નીચેના માળે રહે છે. ઉપર અમે રહીએ છીએ. નાની-નાની વાતે દાદા ગુસ્સે થઇ માથાકુટ કરી બેસે છે. આજે હું પસ્તી દેવા માટે બહાર ભંગારની લારી વાળા પાસે આવ્યો ત્યારે દાદાએ પસ્તી તારી નથી, મારી છે...તેમ કહી ઝઘડો કર્યો હતો અને ભંગારવાળાને લાફો મારી લીધો હતો. હું સમજાવવા જતાં પાણો ઉપાડી મારી સામે થતાં માથાકુટ થઇ હતી એ પછી મેં ડેલો બંધ કરી દીધો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. પરંતુ બંને પક્ષે ઘરમેળે સમાધાન કરી લીધું હતું. તસ્વીરમાં વાયરલ થયેલા વિડીયોમાંથી લેવાયેલી  દ્રશ્યો જોઇ શકાય છે.

(3:56 pm IST)