Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકડાઉનનો ઉલાળીયો : બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનીસ સહિતના મેદાનો બેરોકટોક ખુલ્યા

આમા કોરોનાનો રોગ ન વકરે તો શું થાય... : સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેર્યા વગર સેંકડો યુવાનોની સમી સાંજથી રમે છે

રાજકોટ, તા. ૨૨ : કોવિડ-૧૯ની મહામારીથી સમગ્ર વિશ્વના હાલ બેહાલ થયા છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ જગતની તમામ પરીક્ષાઓનું સમયપત્રક ખોરવાયુ છે. પરીક્ષા લેવાની સ્થિતિમાં શાળા - કોલેજો નથી. યુનિવર્સીટીઓમાં શિક્ષણકાર્ય બંધ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ કેમ્પસ પર કોન્ટ્રાકટબેઈઝ ઉપર ચાલતા મેદાન ખુલ્લા મૂકી દેતા ભારે ઉહાપોહ મચ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરીસર આવેલ ૬ થી વધુ મેદાન ઉપર યુવકો વિવિધ રમતો સમી સાંજથી જ રમી રહ્યા છે. માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર સેંકડો યુવાનોને રમતા જોઈ રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

કોરોનાના કેસમાં ઉછાળો થઇ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ બાસ્કેટ બોલ, વોલીબોલ, લોન ટેનીસ સહિતના મેદાન ખોલી નાખતા સેંકડો યુવાનો ઉમટી પડે છે. જેમાં અમુક ભવનના વિદ્યાર્થીઓ હોય છે અને અમુક છાત્રો કોલેજના હોય છે. રમત રમવામાં મશગુલ વિદ્યાર્થીઓ માસ્ક પણ ન પહેરતા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ પણ ન જાળવતા હોવાની ફરીયાદ ઉઠી છે.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ બંધ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનો કોની મંજૂરીથી ખુલ્યા? મેદાનમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ છે કે નહિં? સહિતના પ્રશ્નોનો મારો થયો છે. કોરોના સામેની લડાઈમાં જાગૃતિનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યા ત્યારે તડાપીટ બોલાવવામાં આવી રહી છે. મેદાનમાં ચાલતી રમતો તુરત બંધ કરાવવા પ્રચંડ માંગ ઉઠી છે.

રમતના મેદાન સંપૂર્ણ લોકડાઉન કરવા કુલપતિ પેથાણીનો આદેશ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ વિવિધ રમતોના મેદાનમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલુ થયા હતા. મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાતુ ન હોય ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી.

આ અંગેની જાણ થતા કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ તાકીદની અસરથી કોરોનાનો રોગ વધુ વકરે નહિં અને જયાં સુધી સરકારનો આદેશ ન આવે ત્યાં સુધી જાહેર મેદાન બંધ રાખવા સંબંધીત અધિકારીને સુચના આપી છે.

(3:53 pm IST)