Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોરોનાના આયુર્વેદીક ઉપચાર- રોગપ્રતિકારક શકિત વધારવાના ઉપાયો વિષે કાળે જીવંતચર્ચા

ડો.જયેશ પરમાર લોકોના પ્રશ્નોના જવાબ આપશે : હેલ્લો દૂરદર્શનના ટોલ ફ્રી નં.૧૮૦૦ ૨૩૩૫૫૧૭ / ૧૮૦૦ ૨૩૩૯૭૨૪ ઉપર ફોન કરજો

રાજકોટઃ પ્રતિ મંગળવારે સાંજે પાંચ વાગ્યે દૂરદર્શન કેન્દ્ર રાજકોટ દ્વારા લાઈવ ટેલીકાસ્ટ થતા કાર્યક્રમ ''હેલ્લો દૂરદર્શન''માં ૨૩ જુને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કોરોના વાયરસ અને તેનો આયુર્વેદિક ઉપચાર તેમજ રોગપ્રતિક શકિત વધારવાના ઉપાયો વિષે દર્શકો દ્વારા પૂછાયેલ પ્રશ્નોના જવાબ આયુષ મંત્રાલયનાં સૌરાષ્ટ્ર ઝોનનાં વિભાગીય નાયબ નિયામક અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજકોટ અધ્યક્ષ ડો.જયેશ પરમાર દ્વારા આપવામાં આવશે.

વર્તમાન કોવીડ-૧૯ અણધાર્યા સમયમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. લોકઅપના લાંબા અનુભવ પછી અનલોકના તબકકાઓ વટાવી વધી રહ્યા છીએ અને દરેક તજજ્ઞો એવો મત વ્યકત કરી રહ્યા છે કે હવે આપણે કોરોના વાયરસ સાથે જ જીવવું પડશે અને તે વાયરસને હરાવવો પડશે અને સૌ એ પોતાની રોગપ્રતિકારક શકિત વધારવી પડેશે. નાના બાળકો સિવાય સૌને પોત પોતાની સમજ અને જવાબદારી અનુસાર લોક ડાઉન પછીના સમય માટે ચિંતા અને ફિકર છે. આ સંભવિત ડરને ભગાડવા અને રોગપ્રતિકારક શકિત વધારવા માટે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ? ઓછી રોગપ્રતિકારક શકિતને અને કોવીડ ૧૯ને કોઈ સંબંધ ખરો? લોકડાઉન અને તેના પછીનો સમય અને કોવીડ ૧૯ લોકઅપ પછીના સમયમાં લોકોની આદર્શ લાઈફ સ્ટાઈલ કેવી રાખવી પડશે? કોરોના વાયરસને મહામારી સાથે સરખાવીએ છીએ તો આયુર્વેદમાં સૌ કોઈ આસાનીથી પાડી શકે તેવા ઉપાયો અને પરેજી સૂચવ્યા છે ખરા? જઠરાગ્નિ આ કપરા કાળમાં બરાબર સાચવી લેવાથી કોરોના વાયરસને નાથી શકાય તેમ છે? પીવાના પાણીમાં કયા કયા દ્રવ્યો નાખીએ અને ઉકાળીએ તો પાણી શુધ્ધ બને અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેની અને આયુર્વેદ શાસ્ત્રમાં તંદુરસ્તીની વ્યાખ્યા શું આપી છે? ઘરના રસોડામાંથી અને દેશી ઓસડીયાની દુકાનેથી નજીવા દરે મળતી અને લેવામાં પણ આસાન એવી દવાઓની યાદી કઈ કઈ છે? યોગ, પ્રાણાયામ, કસરત અને આપણા ખીચડી જેવા સાદા, પચવામાં સરળ અને પોષ્ટીક ખોરાક થકી રોગપ્રતિકારક શકિત વધારી શકાય છે ખરા? જેવા અનેક પ્રશ્નોના જવાબ ડો.જયેશ પરમાર દ્વારા આપવામાં આવશે.

સૌરાષ્ટ્રનાં જાગૃત નાગરિકોને ''હેલ્લો દૂરદર્શન''માં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૫૫૧૭ અથવા ૧૮૦૦૨૩૩૯૭૨૪ પર ફોન કરવા તેમજ કોરના વાયરસ અને તેનો આયુર્વેદિક ઉપચાર તેમજ રોગપ્રતિકારક શકિત વધારવાના વિષે માર્ગદર્શન મેળવવા ટેલીફોન પર આમંત્રિત કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે. જયારે નિર્માણ આસીફ ઠેબાનું છે.

(3:52 pm IST)