Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોરોના કાળમાં શહેરના હદ વધારાથી મ.ન.પા.ની અગ્નિ પરીક્ષા

મુંજકા - માધાપર - મનહરપુર - ઘંટેશ્વર - મોટા મૌવા ગ્રામ પંચાયતોનું રેવન્યુ - મહેસુલી - મહેકમ - મીલ્કતો સહિતનું વહિવટી રેકર્ડ સંભાળી લેવાયુ : ઉદીત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ૪ કમિટિની દેખરેખ હેઠળ છેલ્લા ત્રણ દિવસથી રેકર્ડ સંભાળવા કાર્યવાહી : નવા વિસ્તારોમાં રસ્તા - પાણી - ડ્રેનેજ - લાઇટની પ્રાથમિક સુવિધા વહેલી તકે આપવી પડશે

અબ તુમ્હારે હવાલે : રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ૪ ગ્રામ પંચાયત વિસ્તાર (૧) મોટા મવા (ર) મુંજકા (૩) ઘંટેશ્વર અને (૪) માધાપર (મનહરપુર -૧) સહિતનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ગ્રામ પંચાયતના તમામ રેકર્ડ, તમામ સ્થાવર જંગમ મિલ્કતો, તમામ વાહનો - સાધનોનો કબ્જો સંભાળવા માટે ગ્રામ પંચાયત દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવાનો મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે હુકમ કરેલ છે. જેના પગલે અધિકારીઓએ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૨૧ : શહેરની હદમાં માધાપર - મનહરપુર - ઘંટેશ્વર - મોટામવા - મુંજકા ગ્રામ પંચાયતોને ભેળવવામાં આવી છે જે તમામનું રેકર્ડ સંભાળવાની સત્તાવાર કાર્યવાહી મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને રચાયેલી ૫ સભ્યોની કમિટિ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરાઇ છે. જોકે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં એકી સાથે પાંચ - પાંચ ગામો હદમાં આવતા મ.ન.પા.ના તંત્ર વાહકો માટે અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિ ઉભી થઇ છે.

બે દિવસ અગાઉ રાજકોટની હદમાં ઉકત પાંચે'ય ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ તુરંત જ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે ૪ ટીમો બનાવીને ઉકત પંચાયતોનું રેવન્યુ - મહેસુલી મહેકમ - મિલ્કતો વગેરે રેકર્ડ સંભાળવામાં આવ્યું છે.

હવે આ રેકર્ડ મુજબ ઉકત પાંચેય ગામોમાં મિલ્કત વેરા સબંધી તેમજ લાઇટ, પાણી, રસ્તા, ડ્રેનેજ, આરોગ્ય વગેરે સુવિધા આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

આમ, એકી સાથે પાંચ-પાંચ ગામોમાં પ્રાથમિક સુવિધા આપવા માટે મ.ન.પા.ના તંત્રએ દોડવું પડશે. કેમકે આ ગામોનો વિકાસ થઇ રહ્યો છે. સેંકડો હાઇરાઇઝ બિલ્ડીંગ, લો-રાઇઝ બિલ્ડીંગ સોસાયટીઓ બની રહી છે. જ્યાં આ સુવિધા આપવી પડશે. પરંતુ હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ છે. રૂટીન કામ કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે નવી સુવિધાઓ આપવી અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.(૨૧.૧૬)

(3:52 pm IST)