Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોરોનાની અસરઃ રાજકોટથી અમદાવાદ-સુરતની ચાર બસો કેન્સલ

રાજકોટથી અમદાવાદ ૬ બસ તથા સુરત એક બસ દોડે છેઃ ઓછી આવકવાળા રૂટ કેન્સલ કરાયા

રાજકોટ, તા. ૨૨ :. અગાઉ લોકડાઉન વખતે વતનમાં આવવા માટે લોકોની પડાપડી હતી અને સુરતથી સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં એસ.ટી.એ ૪૦૦૦ ફેરા કરી લોકોને વતનમાં પહોંચાડયા હતા, પરંતુ હવેના સંજોગો પલ્ટાયા છે. એસ.ટી. રાજકોટ-સુરતના રૂટ ચાલુ કર્યા છે. આમ છતાં રાજ્યના અમદાવાદ અને સુરતમાં કોરોનો કાળોકેર વર્તાવ્યો છે ત્યારે રાજકોટથી બન્ને રેડઝોન તરફ જતી એસટીમાં મુસાફરો ઘટના ચાર બસ કેન્સલ કરાઈ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે. તેમાં પણ અમદાવાદ અને સુરત હોટસ્પોટ છે. જેથી ત્યાં જવાનુ લોકો બને ત્યાં સુધી ટાળે છે. અનલોક-૧ની શરૂઆત થતાની સાથે જ રાજ્યની એસટી બસ શરૂ થઈ હતી. જેમાં રાજકોટથી અમદાવાદ જવા માટે નવ અને સુરત જવા માટે ત્રણ એસટી શરૂ થઈ હતી. જો કે હાલ જે રીતે અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે. જેની અસર એસટીમાં પણ દેખાઈ રહી છે.

રાજકોટ એસ.ટી.ના મુસાફરો ઘટતા રાજકોટથી અમદાવાદની દૈનિક સવારે ૭, ૭.૩૦ અને બપોરે ૨.૧૫ની એસટી કેન્સલ કરવામાં આવી છે. જ્યારે સવારે ૮, ૮.૩૦, ૯, ૯.૩૦, ૨.૪૫ અને ૩.૩૦ વાગ્યાની બસ ચાલુ છે. જ્યારે રાજકોટથી સુરત જતી સવારે ૮ વાગ્યાની બસ કેન્સલ કરાઈ છે. જેથી હવે દરરોજ સવારે ૯.૩૦ વાગ્યે એક જ સુરત માટે દોડશે. રાજકોટ એસટી વિભાગ દ્વારા જૂન માસના પ્રારંભે અમદાવાદના નહેરૂનગર અને સુરતની બસ શરૂ થતા મુસાફરોનો ધસારો હતો.

ગત ૭મી જૂને તો અમદાવાદની બે અને સુરતની એક બસ વધારવી પડી. જો કે હવે ત્યાં કોરોના સંક્રમણ વધતા મુસાફરો ઘટયા છે. કોવિડ-૧૯ ગાઈડલાઈન મુજબ ૫૫ સીટરની એક બસમાં ૬૦ ટકા એટલે કે ૩૦ને જ બેસાડવાનો નિયમ છે. તેમા પણ પુરા મુસાફરો ન મળતા ચાર બસ કેન્સલ કરાઈ છે.

(3:07 pm IST)