Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે જામનગરના ઓતીબેનનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યુ

રાજકોટ : 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવાજ એક હૃદયરોગથી પીડિત દર્દી ઓતીબેન શામજીભાઈ પાગરા. ઉ.વ. ૫૮ રહેવાશી - ગામ જીવાપર તા. કાલાવડ જામનગર કે જેઓને છેલ્લા એક વર્ષથી હૃદયની તકલીફ હતી. આ દર્દી એ  જામનગરની હોસ્પિટલ માં બતાવેલ અને ત્યાંના ડોકટરે હૃદયનું ઓપરેશન કરવું પડશે તેમ સલાહ આપી હતી.

ઓતીબેનના કુટુંબમાં કુલ પાંચ વ્યકિત છે જેઓ ખેતીનું કામ કરે છે અને માસિક આશરે ૮ થી ૧૦ હજાર આવક ધરાવે છે. આમ, આ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ઓતીબેનનું ઓપરેશન કરાવી શકે તેમ નહોતા.

ઓતીબેનને બેસવામાં પણ ખુબ જ શ્વાસ ચડતો હતો, છાતીમાં દુખાવો થતો હતો જે જીભ નીચે ગોળીઓ રાખવાથી પણ ઓછો થતો ન હતો. જામનગરના ડોકટરની સલાહ મુજબ આ દર્દી તા.૧૦/૦૬/૨૦૨૦ના રોજ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ માં દાખલ થવા માટે આવેલા હતા. અહીં તેમની એન્જીયોગ્રાફી તથા બીજી જરૂરી રિપોર્ટ કરી બાયપાસ ઓપરેશનનું નિદાન થયું હતું. ઓતીબેનનું હૃદયનું પમ્પીંગ માત્ર ૨૦ ટકા જ હતું અને તેમની મુખ્ય ધમની ૯૦ ટકા બંધ હતી. આથી તેમને તાત્કાલિક હોસ્પિટલ માં દાખલ કરેલા હતા અને બીજે દિવસે તા.૧૧/૦૬/૨૦૨૦ ના રોજ તેમનું બાયપાસનું વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

બાબાના આશીર્વાદથી તા.૨૦/૦૬/૨૦૨૦ના રોજ સંપૂર્ણ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

(3:06 pm IST)