Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રાજકોટમાં દર મહિને ૧૩૦૦ જેટલા દર્દીઓના ડાયાલીસીસ થાય છે

ક્રિટિકલ ડાયાલીસીસ માટેના અત્યાધુનિક મશીનો ધરાવતી સૌરાષ્ટ્રની એકમાત્ર સિવીલ હોસ્પિટલ  :  ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણોઃ જીવલેણ રોગોના લીસ્ટમાં કિડની ફેલ્યર છઠા ક્રમે આવતો સૌથી ગંભીર રોગઃ  કિડનીના રોગ અટકાવવાના નિયમીત કસરત, ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, દ્યી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ નહીવત, ડાયાબીટીસ અને બી.પી નિયંત્રણ, ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, સહિતના વ્યસનો ત્યજવા જરૂરી

''હું છે ને હે આખો દિવસ .... અ..મ.... બાલવીર જોઉં, કેક બનાવવાની રેસીપી જોંઉ છું મને કેક ખાવી ખુબ જ ગમે છે પણ મમ્મી અને ડોકટર ના પાડે છે. તમને ખબર છે કે મારી ફેવરીટ સીરીયલ છે ને હે, તારક મહેતા છે. મારે મોટા થઈને ટીચર બનવું છે કારણ કે ટીચર બનવાથી નાના નાના બાળકો આપણને ખુબ જ પ્રેમ કરે'' આ શબ્દો  છે ૧૨ વર્ષીય જીયા સોજીત્રાના .... જેની બંને કીડની ફેઈલ હોવાના કારણેઙ્ગ છેલ્લા બે વર્ષથી અઠવાડીયામાં ત્રણ વાર રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસની પિડા હસતા મોઢે સહન કરીને અન્ય દર્દીઓને જીવન જીવવાનું એક પ્રેરક બળ પુરૂ પાડે છે.

ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. કિડનીના દર્દીઓમાં ક્રોનિક રીનલ ફેઈલરના કારણે તેના શરીરમાં ક્રીએટીનનું પ્રમાણ વધે છે, જેના લીધે દર્દીઓને લોહીના શુદ્ઘિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલીસીસ કરાવવું જરૂરી હોઈ છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ઘીકરણ કરવામાં આવે છે. આ રોગનાં અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને લીધે બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પ્ટિલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. રાજય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ 'માં અમૃતમ' કાર્ડ ધારકો નિઃશુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે.

સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે સિવીલ સુપ્રિટેન્ડન્ટ ડો. મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા યુવા અને ઉત્સાહી ઈન્ચાર્જ ટેકનિશ્યન ક્રિષ્ના કાછડીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.)ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (પી.એમ.એસ.એસ.વાય) માં ૨૪ કલાક રાઉન્ડ દ્યી કલોક ખાસ ડાયાલીસીસ વિભાગ શરુ કરાયો છે. હાલમાં ડાયાલીસીસ વિભાગમાં રોજના ૫૫ જેટલા ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી.(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ કરી આપતું મશીનની નિશુલ્ક સુવિધા પુરી પાડી રહ્યું છે જે એક ગૌરવની વાત છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી માસથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ફેરેસીસની સુવિધા પણ નિઃશુલ્કપણે ઉપલબ્ધ બની છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આઇકેડીઆરસી દ્વારા સંચાલીત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ૩૦ ડાયાલીસીસ અને બીપી મોનીટરીંગની સિસ્ટમ ધરાવતા મશીનો દ્વારા ૨૪*૩૬૫ ડાયાલીસીસની સેવા તદ્દન નિઃશુલ્કપણે આપવામાં આવે છે. અન્ય હોસ્પિટલોમાં અંદાજીત રૂ. ૧૦ હજારના ખર્ચે થતી ડબલ હ્યુમન કેથેટરની ડાયાલીસીસ કીટ તથા તેની પ્રોસિજર અત્રે વિના મુલ્યે આપવામાં આવે છે. પ્રતિમાસ એચ.આઇ.વીના ૨૦ જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે. ઈમરજન્સીના કેસમાં ઈન્ડોર તથા બહારના દર્દીઓને સત્વરે સારવાર આપવામાં આવે છે. શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ ૧૦૦૦૦ ઇન્ટરનેશનલ યુનિટના ઈન્જેકશનની સુવિધા વીનામુલ્યે આપવામાં આવે છે. ડાયાલીસીસના દર્દીઓ માટે જર્મન ટેકનોલોજીની બનાવટનો વર્લ્ડ કલાસ આર.ઓ.વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ કોવિડ-૧૯ના દર્દીઓ માટે અલગ આર.ઓ.વોટર સિસ્ટમની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત, દરેક દર્દીના બેડ પાસે એક નર્સિંગ કોલબેલની સુવિધા ઉપલબ્ધ છે. દર્દી એકવાર પણ બેલ વગાડે ત્યારે દ્યડીના છઠ્ઠા ભાગમાં ફરજ પરના નર્સ દર્દી પાસે પહોંચી જાય છે અને દર્દીની જરૂરીયાત મુજબની મદદ કે સારવાર આપવામાં આવે છે. કિડનીના દર્દીઓની સારવાર માટે નેફ્રોલોજીસ્ટ ડો. મયુર મકાસણા દર બુધવારે અને શનિવારે ખાસ સેવા આપે છે.

રાજકોટ સિવીલમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન કુલ ૩૫૮૦ જેટલા ડાયાલીસીસ કરાયા હતા. જયારે વર્ષ ૨૦૨૦ ના મે માસ સુધીમાં કુલ ૪૪૧૯ જેટલા ડાયાલીસીસ કરવામાં આવ્યા છે જે પૈકી પ્લાઝમા ફેરેસીસના ૩૯ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૨૨૧ કેસનો સમાવેશ કરવામાં આવે છે. જાન્યુઆરી-૨૦ માં ૫૬૭ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત ડાયાલીસીસ પ્રોસિજરના ૩૭ કેસની સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-૨૦ માં ૫૫૭ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૦૭ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૫ કેસની સારવાર કરવામાં આવી હતી. માર્ચ-૨૦ માં ૯૫૩ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૦૮ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૫૦ કેસની સારવાર કરવામાં આવી હતી. એપ્રિલ-૨૦માં ૧૦૮૨ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૧૦ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૨ કેસની સારવાર કરવામાં આવી હતી. મે-૨૦માં ૧૨૬૦ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૧૪ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૭ કેસની સારવાર કરવામાં આવી હતી. આમ, લોકડાઉન દરમિયાન રાજકોટ સિવીલ તંત્રના ખરા કોરોના વોરીયર્સ સમા દરેક આરોગ્યકર્મીએ ઉતકૃષ્ઠ સેવા બજાવી છે.

આઇકેડીઆરસી ના સૌરાષ્ટ્રમાં ૧૭ જેટલા સેન્ટર કાર્યરત છે, જેના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર દ્યટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિહ્રનો જોવા મળતા નથી.

-: આલેખન :–

રાજ લક્કડ

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ

(3:05 pm IST)