Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કાલે અષાઢી બીજ : પૂજન અર્ચન થશે, નગરયાત્રા મુલત્વી

કોરોના મહામારી ધ્યાને લઇ સાદગીથી ઉજવણી કરવા રાજકોટના વિવિધ સંસ્થા-મંડળો-સંગઠનો દ્વારા લોકહિતમાં પ્રેરક નિર્ણય

રાજકોટ તા. ૨૨ : આવતીકાલે અષાઢી બીજ. કચ્છી નવુ વર્ષ. ભગવાન જગન્નાથજીની નગરયાત્રાનો પાવનકારી દિવસ. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ધ્યાને લઇ રાજકોટમાં દર વર્ષે યોજવામાં આવતી રથયાત્રા આ વર્ષે મુલત્વી રાખેલ હોવાનું શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ રાજકોટના મહંતશ્રી ત્યાગી મનમોહનદાસજી (મો.૮૮૩૯૮ ૪૩૮૫૮) ની એક યાદીમાં જણાવાયુ છે.

જોગ કે વિધિ વિધાન મુજબ જગન્નાથજી મંદીરમાં સાદગીભેર ભીડ ન થાય તેનો ખ્યાલ રાખી પૂજન અર્ચનના કાર્યક્રમો યથાવત રાખેલ છે. લોકોએ સહયોગી બની ભીડ ન કરવા અને સાદગીથી અષાઢી બીજ ઉજવવા આ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

ચારણીયા સમાજની શોભાયાત્રા નહીં નીકળે

સમસ્ત ચારણીયા સમાજ દ્વારા દર વર્ષે અષાઢી બીજના યોજવામાં આવતી આઇ શ્રી નાગબાઇ માં ની શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીની સ્થિતિ ધ્યાને લઇ સ્થગીત કરવામાં આવેલ હોવાનું પ્રવિણભાઇ ગોગીયા, હરેશભાઇ ચૌહાણ, સુરેશભાઇ ગર, દિનેશભાઇ ચૌહાણ, જયેશભાઇ ગર, યાજ્ઞિકભાઇ ગોગીયા, કેતનભાઇ આઠુ, દિનેશભાઇ ગોગીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે. સૌએ પોત પોતાની રીતે ઘરે જ નાગબાઇ માં ની પૂજા અર્ચના કરવા અપીલ કરેલ છે.

કોળી સમાજ ઘરે ઘરે વેલનાથબાપુનુ પૂજન કરશે

જય વેલનાથ જય માંધાતા સમિતિ પ્રેરીત કોળી ઠાકોર એકતા દળની યાદીમાં જણાવાયુ છે કે આ વર્ષે અષાઢી બીજ સાદગીથી ઉજવાશે. કાલે મંગળવારે ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દીવેચા એમ સમસ્ત કોળી સમાજના બહેનો ઘરે ઘરે જય વેલનાથ જય માંધાતા નામ લખેલ રંગોળી દોરશે. રાત્રે ૮.૩૦ વાગ્યે દીવડા પ્રગટાવી વંદના કરશે.

ગીતા વિદ્યાલય દ્વારા કાલે પૂજા-આરતી સુશોભન

જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં કાલે સાદગીભેર નિયમ પાલન સાથે અષાઢી બીજ ઉજવાશે. ગીતા વિદ્યાલય મંદિર પરિસરમાં બિરાજતા શ્રી જગન્નાથજી, બળદેવજી, સુભદ્રાજીની દિવ્ય પ્રતિમાઓને સુંદર વસ્ત્રાલંકારો તથા પુષ્પમાળાથી સુશોભિત કરી પૂજા અર્ચના કરાશે. કાલે સાંજે પ.૩૦ વાગ્યે શ્લોકના મંત્રોચ્ચાર તથા જય જગન્નાથજીના જયઘોષ સાથે પૂજા આરતી થશે. જે ગીતા વિદ્યાલયના ફેસબુક પેઇજમાં મુકવામાં આવશે. ભાવિક ભકતોએ ઓનલાઇન સહભાગી થવા અનુરોધ કરાયો છે.

(2:59 pm IST)