Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રાજકોટમાં કાલે અષાઢી બીજની રથયાત્રા મોકુફ

કોરોનાને કારણે મંદિર પરિસરમાં જ રથ રાખવામાં આવશેઃ ધાર્મિક સ્થળોમાં દર્શન માટે આવતાં ભાવિકોએ અનેક નિયમો પાળવા પડશેઃ માર્ગદર્શિકા જાહેર કરતાં પોલીસ કમિશનર અગ્રવાલ

રાજકોટ તા. ૨૩: શહેરમાં દર વર્ષે અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળે છે.   પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે રાજ્યભરમાં નીકળતી અષાઢી બીજની રથયાત્રા મોકુફ રાખવામાં આવી છે. તે અંતર્ગત રાજકોટ શહેરમાં પણ આવતીકાલે નીકળનારી રથયાત્રા નહિ કાઢવા રથયાત્રાના આયોજકો-આગેવાનો પોલીસ કમિશનર સાથે બેઠક યોજી સહમત થયા છે.

શહેરના મવડી વિસ્તારના ખોડિયાર મંદિર ખાતેથી દર વર્ષે રથયાત્રા નીકળે છે અને શહેરભરના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે. તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાએ જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાને કારણે રથયાત્રા કાઢી શકાય તેમ ન હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમે રથયાત્રાના આયોજક મહંતશ્રીને રૂબરૂ મળી રથયાત્રાને મંદિર પરિસરમાં જ રાખવા સમજાવ્યા હતાં. તે મુજબ તેઓ સહમત થયા છે.

અષાઢી બીજ નિમીતે લોકો અલગ-અલગ ધાર્મિક સ્થળો, મંદિરો પર દર્શનાર્થે ઉમટી પડનારા હોઇ આ સ્થળોેએ પણ નિયમોનું પાલન કરવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંદિર-ધાર્મિક સ્થળોના સંચાલકોએ કેવી વ્યવસ્થા કરવી પડશે તે અંગે સુચનો કરવામાં આવ્યા છે.

ધાર્મિક સ્થાનો-મંદિરોમાં પ્રવેશ દ્વાર પર ફરજીયાત હાથ ધોવા માટે સાબુ-પાણી અથવા સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રીીનંગની વ્યવસ્થા કરવાની રહેશે.

માસ્ક પહેરેલા હોય અથવા ચહેરો ઢાંકેલો હોય તો જ અંદર પ્રવેશ આપવાનો રહેશે. દર્શનાર્થીઓ-યાત્રાળુઓને સમયાંતરે તબક્કાવાર પ્રવેશ આપવાનો રહેશે. દર્શનાર્થીઓએ પોતાના પગરખા-બૂટ પોત પોતાના વાહનોમાં કે પછી અન્ય જગ્યાએ અલગ-અલગ રાખવાના રહેશે. સામુહિક રીતે એક જ સ્થળે પગરખા ઉતારવા નહિ. દરેક મુલાકાતીઓ માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાનું આયોજન કરવાનું રહેશે. પ્રવેશ માટે કતારમાં હોય ત્યારે દરેક સમયે ઓછામાં ઓછુ ૬ ફુટનું અંતર જાળવવાનું રહેશે. મુર્તિઓ તથા પવિત્ર પુસ્તકોને સ્પર્શ કરવો નહિ. પ્રસાદ લેવા માટ પણ ધકકામુક્કી કરવી નહિ. પોતાની નૈતિક ફરજ સમજી દર્શનાર્થીઓએ સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ માટેની વ્યવસ્થા મંદિર-ધાર્મિક સ્થળોના સંચાલકોએ કરવાની રહેશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(2:55 pm IST)