Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ઓનલાઇન લેશન કરવાથી 'નાખુશ' ધો-૮ની છાત્રા 'ખુશી'એ ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો!

લોકડાઉનને કારણે શરૂ થયેલી ઓનલાઇન શિક્ષણ પધ્ધતિનો પહેલેથી જ વિરોધ થઇ રહ્યો છે એ વચ્ચે ચોંકાવનારી ઘટના : એકની એક લાડકવાયીના મોતથી સોરઠીયા પ્રજાપતિ પરિવારમાં ગમગીનીઃ રૂમનો દરવાજો બંધ કરી પગલુ ભરી લીધું: જયકિશન સ્કૂલમાં ભણતી હતી : મવડીની ગિરનાર સોસાયટીમાં બનાવ

માસુમ વિદ્યાર્થીની ખુશી શીંગડીયાનો નિષ્પ્રાણ દેહ તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકડાઉન અમલમાં હોવાથી શિક્ષણકાર્ય હજુ સુધી શરૂ થઇ શકયું નથી. હાલના સમયે શાળા-કોલેજો દ્વારા છાત્રોને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે અને રૂટીન મુજબ ગૃહકાર્ય-લેશન પણ આપવામાં આવે છે. જો કે ઓનલાઇન શિક્ષણની આ પ્રથાનો મોટા ભાગના વાલીગણમાં પહેલેથી જ વિરોધ થતો આવ્યો છે. આ વચ્ચે આજે એક ચોંકાવનારી ઘટના મવડીની ગીરનાર સોસાયટીમાં બન્યો છે. સોરઠીયા પ્રજાપતિ પરિવારની ધોરણ-૮માં ભણતી એકની એક લાડકવાયી દિકરીએ પોતાને ઓનલાઇન અભ્યાસમાં અપાયેલુ લેશન કરવું ગમતું ન હોઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ૧૨ જ વર્ષની લાડકવાયી દિકરીના આ પગલાથી પરિવારજનો હતપ્રભ થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ મવડી ૪૦ ફુટ રોડ ધરમનગર પાસે ગિરનાર સોસાયટી-૫માં રહેતાં રોહિતભાઇ શીંગડીયા (સોરઠીયા પ્રજાપતિ)ની ૧૨ વર્ષની દિકરીએ રૂમ બંધ કરી પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.

સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં આપઘાત કરનાર બાળાના પિતા રોહિતભાઇ શીંગડીયાએ જણાવ્યું હતું કે તેઓ ઘર નજીકજ ઓમ શાંતિ નામે ગેરેજ ધરાવે છે અને ગાડી લે-વેંચનું કામ કરે છે. તેને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાં આપઘાત કરનાર ખુશી મોટી હતી. તેણી ઘર નજીક જયકિશન સ્કૂલમાં ધોરણ-૭માં ભણતી હતી અને આ વર્ષે ૮મા ધોરણમાં પ્રવેશ કર્યો હતો.  હાલમાં લોકડાઉનને કારણે હજુ શાળા શરૂ થઇ ન હોઇ ઓનલાઇન શિક્ષણ અપાતું હતું. દરરોજ ઓનલાઇન હોમવર્ક-લેશન પણ આપવામાં આવતું હતું.

આજે સવારે શાળા તરફથી લેશન અપાયું હોઇ તે પુરૂ કરી લેવા ખુશીને તેના મમ્મી નિતાબેને કહ્યું હતું. પણ તેણે લેશન કરવું ગમતું ન હોઇ તે રૂમમાં જતી રહી હતી અને બાદમાં રૂમમાં જ આવેલા બાથરૂમમાં ન્હાવા ગઇ હતી. લાંબો સમય સુધી રૂમ બંધ રહેતાં મમ્મી નિતાબેને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી બંધ હોઇ બાજુના રૂમની બારીમાંથી જોતાં દિકરી લટકતી જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. દરવાજો તોડી ખુશીને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તબિબે તેણીને મૃત જાહેર કરતાં માતા-પિતા સહિતના સ્વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

(2:53 pm IST)