Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સંગઠન શકિત - વ્યૂહરચનાને કારણે ભાજપની જીત અને આંતરિક જૂથબંધીના કારણે કોંગ્રેસની હાર નક્કી જ હતી

રાજયસભામાં ભાજપ-એનડીએ વધુ મજબૂત બન્યું, રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવા સરળ-ઝડપી બનતા તેનો લાભ સમગ્ર દેશને થશેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૨૨ : હાલમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજયસભાની ચૂંટણીમાં ભાજપની સંગઠન શકિત અને સંખ્યાબળનાં આધારે અગાઉથી જ જીત નિશ્યિત હતી. રાજયસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ એ જ દિવસથી આગોતરી હાર ભાળી ગયેલી કોંગ્રેસે રાજયસભાની ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, વિપક્ષના નેતા સુપ્રીમ કોર્ટ સુધી ગયા, મતદાન બાદ પણ પરિણામ રોકવા ચૂંટણીપંચ સમક્ષ ઉધામા કર્યાં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજીનાં માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત સમગ્ર સંગઠનની મહેનતથી રાજયસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે તથા કોંગ્રેસની કારમી હાર માત્ર રાજયસભામાં જ નહીં, સુપ્રિમ કોર્ટથી લઈ ચૂંટણીપંચમાં અને જનતાની નજરમાં પણ થઈ છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજ, નરહરિભાઈ અમીન અને રમીલાબેન બારાનો રાજયસભાની ચૂંટણીમાં વિજય થયો છે. ગુજરાતનાં આ ત્રણેયઙ્ગ સાંસદો રાજયસભામાં અન્ય સાંસદો સાથે આપણા રાજયનાં પ્રશ્નો, પ્રદેશની નાની-મોટી સમસ્યાઓની રજુઆત કરશે અને રાજયના સર્વાગી વિકાસમાં સહભાગી બનશે. ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજયોની ૧૯ બેઠકો પર થયેલી રાજયસભાની ચૂંટણીમાં ૮ બેઠકો જીતી ભાજપની ઉપલા ગૃહમાં સ્થિતિ અગાઉ કરતા વધુ મજબૂત થઈ છે. રાજયસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનું સંખ્યાબળ ૯૦ હતુ જે હવે વધીને ૧૦૧નું થયુ છે. જે સંખ્યાબળ ની દ્રષ્ટિએ પણ દેશહિત નિર્ણયોમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠાકોમાંથી ત્રણ બેઠકો ભાજપ જીતી શકી છે એ પાછળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સવિશેષ મહેનત રહેલી છે. રાજયસભાની આ ચૂંટણીમાં વિજયભાઈએ ભાજપ ની વિજયયાત્રા આગળ વધારી ને વિજયધ્વજ ફરકાવ્યો છે . રાજય ના મોટાભાગ ના લોકો સ્વીકારે છે કે, વિજયભાઈની કાર્યનિષ્ઠા, પ્રજાવત્સલતા , સજ્જનતા અને મક્કમ મનોબળ અને યોગ્ય દિશાના સમયબદ્ઘ નિર્ણયો ને કારણે કોરોના સામેની લડાઈ ગતિશીલતા- મજબૂતાઈ સાથે ગુજરાત લડી રહ્યું છે. આ રાજયસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત મેળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, તમામ મંત્રીશ્રીઓ, સર્વે ધારાસભ્યો, પક્ષનાં દરેક કાર્યકર્તાઓ-હોદ્દેદારો તેમજ વિજેતા ઉમેદવારોને રાજુભાઈ ધ્રુવે શુભેચ્છાઓ પાઠવી છે.

(3:00 pm IST)